કારમાં લાગી આગ, દંપતી સહિત સાત જીવતા ભૂંજાયા

કારમાં લાગી આગ, દંપતી સહિત સાત જીવતા ભૂંજાયા
ઝાલાવડના ખેરવા ગામ પાસે ડમ્પર-કાર વચ્ચે અકસ્માત
પાટણ પંથકના બે પરિવાર આગમાં ખાક થઈ ગયા : ચોટીલાથી દર્શન કરી પરત વતન જવા નીકળ્યા’તા

સુરેન્દ્રનગર, તા.ર1 : પાટણ જિલ્લાના કોરડા-નાનપુરા ગામેં રહેતા બે પરિવાર ચોટીલાથી દર્શન કરી પરત વતન જવા નીકળ્યા હતા ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ખેરવા ગામ પાસે ડમ્પર અને કાર વચ્ચે અકસ્માત સર્જાયા બાદ કાર સળગી ઉઠતા સાંતલપુર પંથકના કોરડા ગામના બે પરિવારના સાત વ્યક્તિઓ આગમાં જીવતા ભુંજાઇ જતા અરેરાટી વ્યાપી ગઈ હતી જ્યારે અકસ્માતમાં ઘવાયેલી મહિલાને હોસ્પિટલમાં ખસેડાઇ હતી અને મૃતકોના અન્ય પરિવારજનોને જાણ કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. આ ગોઝારા અકસ્માત અંગેની વિગત એવી છે કે પાટણ પંથકના રાધનપુર તાબેના કોરડા ગામે રહેતા નાઈ રમેશભાઈ મનસુખભાઈ, કૈલાશબેન રમેશભાઈ, નાઈ શિતલ રમેશભાઈ, શનિ રમેશભાઈ તથા નાનપુરા (રાધનપુર)ના નાઈ હરેશભાઈ ચતુરભાઈ, સેજલબેન હરેશભાઈ, રિતેષ હરેશભાઈ સહિતના બે પરિવાર ઈકો કાર લઈને ચોટીલા દર્શન કરવા આવ્યા હતા અને દર્શન કરી પરત વતન જવા નીકળ્યા હતા.
દરમિયાન સુરેન્દ્રનગર જિલ્લાના ખેરવા ગામ પાસેના વળાંકમાંથી ઈકો કાર પસાર થતી હતી ત્યારે માલવણ તરફથી સુરેન્દ્રનગર આવતું ડમ્પર અને ઈકો કાર વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાતા કાર સળગી ઉઠી હતી અને કારમાં બેઠેલા બન્ને પરિવારના સાતેય વ્યક્તિઓ જીવતા ભુંજાઈ ગયા હતા જ્યારે એક મહિલા ઘાયલ હાલતમાં મળી આવતા તાકીદે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.
આ અંગેની જાણ થતા પોલીસ તથા ફાયરબ્રિગેડનો સ્ટાફ દોડી ગયો હતો પરંતુ ફાયર બ્રિગેડનો સ્ટાફ પહોંચે તે પહેલા જ કાર આગમાં બળીને ખાખ થઈ ગઈ હતી અને સાથે સાત માનવ જિંદગી પણ ભુંજાઈ જવા પામી હતી. પોલીસે કારનંબર તથા અકસ્માતમાં ઘવાતા સારવારમાં ખસેડાયેલ મહિલા પાસે મૃતકોની માહિતી મેળવી અન્ય પરિવારજનોને જાણ કરવામાં આવી હતી. પોલીસે બન્ને વાહનોને રોડ પરથી ખસેડી પુન: વાહન વ્યવહાર કાર્યરત કરાવ્યો હતો. આ અકસ્માત અંગે પોલીસે ડમ્પર ચાલક વિરૂધ્ધ ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરી હતી. આ અકસ્માતના પગલે બન્ને પરિવારમાં કરૂણ કલ્પાંત મચી ગયો હતો. પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer