આત્મનિર્ભર ભારત નિર્માણમાં યુવાનો અગ્રસર બને : મોદી

આત્મનિર્ભર ભારત નિર્માણમાં યુવાનો અગ્રસર બને : મોદી
અમદાવાદ, તા.21 : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે પંડિત દિનદયાળ પેટ્રોલિયમ યુનિવર્સિટીમાં આઠમા પદ્વીદાન સમારોહ પ્રસંગે પાંચ સ્ટેટ ઓફ ધ આર્ટ ફેસિલિટીઝનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે ગુજરાત રાજ્યના મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણી અતિથિ વિશેષ તરીકે હાજર રહ્યા હતા. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને પીડીપીયુ બોર્ડ ઓફ ગવર્નર્સના પ્રેસિડન્ટ મૂકેશ અંબાણી આ પ્રસંગે પ્રમુખસ્થાને રહ્યા હતા.
આ દિક્ષાંત સમારોહને સંબોધતા વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે ‘દેશ ખૂબ મહત્ત્વપૂર્ણ તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે. આગામી 25 વર્ષ દેશ માટે મહત્ત્વપૂર્ણ છે, તમારા જીવનનો પણ આ મહત્ત્વપૂર્ણ તબક્કો છે, વિતેલા દાયકાના યુવાનોએ દેશની આઝાદી માટે જિંદગી ખપાવી  દીધી ત્યારે દેશને આઝાદી મળી. તમારે દેશને આત્મનિર્ભર બનાવવા માટે તમારી જિંદગી જીવવાની છે. આ વિશ્વમાં સફળતાનો એક જ મંત્ર છે, જવાબદારી લેતા શીખો. જે વ્યક્તિ જીવનમાં ભારમાં જીવે છે, તે કાયમ ભાર તળે દબાયેલો રહે છે, જે જવાબદારી લે છે કામ કરે છે તે સફળ થાય છે.
વડાપ્રધાન મોદીએ આ તબક્કે ગુજરાતના વીજળી ક્ષેત્રની સિદ્ધીના કાર્યને વિદ્યાર્થી સમક્ષ વર્ણવ્યું, તેમણે કહ્યું કે ‘હું 20 વર્ષ પહેલાં મુખ્યમંત્રી બન્યો ત્યારે રાજ્યમાં 24 કલાક વીજળી નહોતી અપાતી. મને જેટલા લોકો સર્કિટ હાઉસમાં મળવા આવતા હતા તે એવું જ કહેતા કે તમે મુખ્યમંત્રી બનો તો વીજળી 24 કલાક અપાવજો. હું ખેતી અને ઘરગથ્થુ વીજળીને અલગ કરવા માંગતો હતો. અધિકારીઓનો આ મામલે સ્પષ્ટ ઇન્કાર હતો. મેં જવાબદારી ઉપાડી અને 1000 દિવસનો કાર્યક્રમ બનાવ્યો, અમે સતત કામ કર્યુ અને ગુજરાતને વીજ ક્ષેત્રે આત્મનિર્ભર બનાવ્યું.
વડાપ્રધાને આ સંદર્ભે ગુજરાત સરકારને સૂચન કર્યું હતું કે, આ વિસ્તારેલા વ્યાપને ધ્યાને લઇને પંડિત દિનદયાળ પેટ્રોલિયમ યુનિવર્સિટીને એનર્જી યુનિવર્સિટના રૂપમાં પણ સરકાર વિકસીત કરે.
વડાપ્રધાને જણાવ્યું હતું કે, ભારત કાર્બન ફૂટ પ્રિન્ટને 30 થી 35 ટકા ઓછું કરવાના લક્ષ્ય સાથે આગળ વધી રહ્યું છે, પ્રયાસ એવો કરી રહ્યો છે કે આગળના દશકામાં નેચરલ ગેસની વપરાશ 4 ગણી વધારે થાય. સમસ્યા શું છે તેનાથી વધુ તમારો હેતુ શું છે, તમારી પસંદગી શું છે, તમારો પ્લાન શું છે, જે લોકો પડકારનો સ્વીકાર કરે છે, મુલાબલો કરી તેને હરાવે છે, સમસ્યાઓનું સમાધાન કરે છે તે જ સફળ થાય છે. કેટલાક લોકોના મનમાં એક એવી ગડગુથ્થી ઘૂસી જવા પામી છે, કશું બદલાશે નહીં, આવી માન્યતાને મગજમાંથી કાઢી નાખવી પડશે. આપણે તેજ ગતિથી ચાલવું પડશે અને આગળ વધવું જ પડશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પીડીપીયુ ખાતે જે પાંચ ફેસિલિટીઝનું ઉદૃઘાટન કરાયું તેમાં 45 મેગાવોટની મોનોક્રિસ્ટલાઇન સોલર ફોટો વોલેટિક પેનલ (જેડા તરફથી ફાંડિંગ - રૂ. 17 કરોડ), પીડીપીયુ ટેક્નોલોજી બિઝનેસ ઇન્ક્યુબેટર (ડીએસટી-ટીબીઆઇ ફાંડિંગ - રૂ. 22 કરોડ), સ્પોર્ટ્સ કોમ્પલેક્સ (સેગ, જીઓજી ફાંડિંગ - રૂ. 15 કરોડ), ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટ અને ડિસેલિનેશન માટે હોરાઇઝન 2020 અંતર્ગત ‘ઇન્ડિયા વ2જ્ઞ’ પરઇન્ડો - યુરોપ બાયલેટરલ પ્રોજેક્ટ (રૂ. 14 કરોડ),  ટ્રાન્સલેશન રિસર્ચ સેન્ટર (ટ્રેક- પીડીપીયુ)નો સમાવેશ થાય છે.
આ સમારોહમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ સંબોધતા રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણીએ જણાવ્યું કે ‘પીડીપીયુ નરેન્દ્રભાઈના આત્મનિર્ભર ભારતના સ્વપ્નની ફળશ્રૃતિ છે. ભારતને ઉર્જા શિક્ષણમાં આત્મનિર્ભર બનાવવા માટેનો આ પ્રયાસ છે. આપણે ફક્ત 14 વર્ષ જૂના જ છીએ છતાં રાષ્ટ્રીય સ્તરથી લઈને વૈશ્વિક ફલકે આપણે પ્રગતિ કરીશું.  તેમણે ઉમેર્યુ કે આગામી સમય ભારતનો છે, કોવિડ પછી દાયકામાં ભારત વિશ્વની ટોચના ત્રણ અર્થતંત્રમાંનું એક હશે.’
મુકેશ અંબાણીએ ઉમેર્યુ કે શું આપણે પર્યાવરણને નુકશાન પહોંચાડયા વગર ઉર્જાનું ઉત્પાદન કરી શકીએ. આગામી સમયમાં ભારતની ઉર્જાની માંગ પૂરી કરવા માટે અને પર્યાવરણની જાળવણી કરવા માટે આપણે ઉર્જા ક્ષેત્રની અંદર અનેક નવા સંશોધન કરવા પડશે. હું વિદ્યાર્થીઓને વિશ્વાસ અપાવું છું કે તમે સાચા ક્ષેત્રમાં કરિયરનો માર્ગ પસંદ કર્યો છે.
પીડીપીયુના પદવીદાન સમારોહ દરમિયાન 2608 જેટલા યુવાન અને ઊર્જાવાન વિદ્યાર્થીઓને ડિગ્રી સર્ટીફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા. આ અવસરે 46થી પણ વધારે સ્કોલર્સને પીએચડીની ડિગ્રી એનાયત થઇ હતી. તો સાથે 77 જેટલા વિદ્યાર્થીઓને મેડલ્સ ઓફ મેરિટ પણ એનાયત કરવામાં આવ્યા હતા.
આ અવસરે રાજ્યના મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણીએ પણ પીડીપીયુના દિક્ષાંત સમારોહના પ્રારંભે સંબોધનમાં પદ્વીધારક છાત્રોને આહવાન કર્યું હતું કે, દેશ અને સમાજના નિર્માણમાં પોતાનું શું યોગદાન આપી શકો છો એ તેમણે વિચારવું પણ એટલું જ જરૂરી છે કેમ કે વેલ એજ્યુકેટેડ યુવા તરીકે તેમનું આ એજ્યુકેશન સમાજ અને દેશના સામાજિક વાતાવરણમાં પણ અવશ્ય રીફ્લેક્ટ થવું જોઇએ. અત્યારની કોવિડ-19ની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આ નવી ફેસિલિટિઝના ઉદૃઘાટન સહિતનો આ આખો કાર્યક્રમ પીડીપીયુના ડિજિટલ પ્લેટફોર્મ ભજ્ઞક્ષદજ્ઞભફાશિંજ્ઞક્ષ.ામી.ફભ.શક્ષ પ્રસારિત કરવામાં આવ્યો હતો.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer