રાજકોટમાં રાત્રિ કર્ફ્યૂની કડક અમલવારી

રાજકોટમાં રાત્રિ કર્ફ્યૂની કડક અમલવારી
રાત્રે 9 પછી યોગ્ય કારણથી બહાર નીકળવું પણ મુશ્કેલ બનતા લોકોમાં નારાજગી
રાજકોટ, તા. 21: (ફૂલછાબ ન્યુઝ) કોરોના મહામારીને કાબૂમાં લેવા રાજ્ય સરકારના આદેશથી આજે તા. 21મી નવેમ્બરથી રાજકોટમાં રાત્રે 9થી સવારે 6 વાગ્યા સુધી સંચારબંધી લાગુ કરાઈ છે. જેની અમલવારી માટે પોલીસ તંત્ર કડક હાથે કામ લઈ રહ્યું છે. કોરોનાને જેર કરવા સરકાર તરફથી લેવામાં આવતા પગલાંનો નગરજનોએ સ્વીકાર કર્યો છે. પરંતુ સંચારબંધીના આદેશની વધુ પડતી કડક અમલવારીથી નારાજગી પણ ફેલાઈ છે.
રાત્રે 9 વાગ્યા પછી શહેરના મુખ્ય ચોક અને મુખ્ય રસ્તાઓ પર પોલીસનો કાફલો તૈનાત કરાયો હતો અને 9 વાગ્યા પછી પસાર થનાર લોકોની પૂછપરછ કરવામાં આવી હતી. કેટલાક લોકો યોગ્ય કારણ અને પરિસ્થિતિને લીધે રાત્રે બહાર જવા મજબુર બન્યા હતા તેમની પણ આકરી ઉલટતપાસ કરવામાં આવી હતી.
કોરોનાની મહામારીને દેશવટો આપવા લોકો તરફથી પણ અત્યાર સુધી પૂર્ણ સહકાર મળ્યો છે. તેને કારણે જ સરકાર અને તંત્રની કડકાઈ ન હોવા છતાં લોકોની જાગૃતિને કારણે જ દિવાળી પહેલાના દિવસોમાં શહેર-જિલ્લામાં કોરોનાનો કહેર ઘટી ગયો હતો. ત્યારે છેલ્લા ચોવીસ જ કલાકમાં ચિત્ર બદલાઈ જતા સરકાર અને તંત્ર તરફથી કોરોના ફેલાવવામાં જાણે રાત્રે 9 વાગ્યે પછી નીકળતા લોકો જ જવાબદાર હોય તે રીતનું વલણ અપનાવવામાં આવતા પ્રજાજનોમાં નારાજગી ફેલાઈ હતી.
અલબત્ત બિનજરૂરી ટોળે વળીને ટહેલવા નીકળતા લોકોને આ કામગીરીનો પરચો મળ્યો હતો.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer