ગુજરાતમાં દિવાળીની ભીડના કારણે કોરોના વકર્યો : કેન્દ્રિય આરોગ્ય ટીમ

ગુજરાતમાં દિવાળીની ભીડના કારણે કોરોના વકર્યો : કેન્દ્રિય આરોગ્ય ટીમ
અમદાવાદ-વડોદરા બાદ સુરત અને રાજકોટ પણ સમીક્ષા મુલાકાત લેશે
અમદાવાદ,તા.21 : ગુજરાતમાં એમાં પણ ખાસ કરીને અમદાવાદમાં કોરોનાની સ્થિતિ વિસ્ફોટક બનતા કેન્દ્રિય ટીમ ડો. એસ.કે. સિંઘની અધ્યક્ષતામાં 3 નિષ્ણાત ડોકટરો સાથે આવી પહોંચી હતી. સૌ પ્રથમ તેઓએ આજે અમદાવાદ સ્થિત એસવીપી હોસ્પિટલમાં મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન કેન્દ્રિય ટીમે એસવીપીમાં 4 કલાક સુધી નિરીક્ષણ કર્યુ હતું. તેઓએ અમદાવાદના દર્દીઓને અપાતી સારવારની પદ્ધતિ તથા ડોકટરોની કામગીરીની નિરીક્ષણ કર્યું હતું. સાથે પીપીઈ કિટ પહેરીને એસવીપીમાં દર્દીઓ સાથે મુલાકાત પણ કરી હતી.
કેન્દ્રિય ટીમે એસવીપી હોસ્પિટલની મુલાકાત બાદ ત્યાં હાજર રહેલ મીડિયાકર્મીઓ સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, રાજ્યમાં કોરોના વધવાનું મુખ્ય કારણ દિવાળીમાં થયેલી લોકોની ભીડભાડ છે. તહેવારો દરમિયાન લોકોની બેદરકારીને કારણે આ પરિણામ સામે આવ્યું છે. વધતા સંક્રમણ માટે તંત્ર નહીં પરંતુ લોકો જવાબદાર છે. બીજી બાજુ એનસીડીસીના ડિરેકટર ડો.સુજીતકુમારે જણાવ્યું હતું કે, કોરોના સંદર્ભે આપણે અવલોકન કરવાની જરૂર છે. કોવિડ અને તેની ગાઇડલાઇન નહીં અનુસરીએ તો સમસ્યા સ્ફોટક બનશે. 
એસવીપી હોસ્પિટલની મુલાકાત બાદ કેન્દ્રની આરોગ્યની ટીમ રીવરફ્રન્ટ હાઉસ પર પહોંચી હતી. જ્યાં કોર્પોરેશનના અધિકારીઓ સાથે બેઠકનું આયોજન કરાયું હતું. જ્યાં તેમણે આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ સહિત મ્યુનિસિપલ કમિશ્નર સાથે પરિસ્થિતિની ચર્ચા વિચારણા હાથ ધરી હતી.  કોરોના કેસના ટેસ્ટિગ તેમજ સંક્રમણ રોકવા અંગે વિશેષ સમીક્ષા કરીને ગુજરાત સરકારના આરોગ્ય વિભાગને કેટલાક સૂચનો પણ કર્યા હતા. તેઓએ આજે સંજીવનીની મુલાકાત પણ લીધી હતી. 
દરમિયાન કેન્દ્રિય ટીમ અમદાવાદ બાદ આજે વડોદરાની મુલાકાતે પણ પહોંચી હતી. વડોદરા ખાતે તેઓએ વહીવટી તંત્રના અધિકારીઓ સહિત હોસ્પિટલના તબીબો સાથે ચર્ચા-વિચારણા હાથ ધરી હતી. આ સાથે કોરોનાની સ્થિતિની સમીક્ષા પણ કરી હતી. કેન્દ્રિય ટીમ બે દિવસની મુલાકાત દરમિયાન સુરત અને રાજકોટની મુલાકાત પણ લેનાર છે. કેન્દ્રિય આરોગ્યની ટીમ કોરોનાની સમગ્ર પરિસ્થિતિનો રિપોર્ટ તૈયાર કરશે. જે રિપોર્ટ કેન્દ્રની સ્વાસ્થ્ય મંત્રાલયને સોંપવામાં આવશે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer