ગઢડાના ધારાસભ્યને કોરોના નડતો નથી! સુરતમાં ખુલ્લી જીપમાં રોડ શો કર્યો

નિયમોના ધજાગરા ઉડાવતા નેતાઓ, મંત્રી ગણપત વસાવા પણ રોડ શોમાં જોડાયા
સુરત, તા. 21 :એક તરફ સરકાર કોરોનાથી બચવા માટે લોકોને માસ્ક એક જ વેક્સિન તેવી સલાહ આપી કડક રીતે સોશિયલ ડીસ્ટન્સીંગનું પાલન કરવા માટે કહે છે. જે માટે સરકારે ગઇકાલથી રાત્રિથી અમદાવાદમાં આજથી સુરત, રાજકોટ અને વડોદરા મહાનગરોમાં રાત્રિ કફર્યૂ લાગુ કર્યો છે. આમ છતાં, નેતાઓ જાણે પોતાની જ સરકારના આદેશોને ઘોળીને પી ગયા હોય તેવું લાગી રહ્યું છે. સુરતમાં ગઢડાના ચૂંટાયેલા ધારાસભ્ય આત્મારામ પરમારે ખુલ્લી જીપમાં રોડ-શો યોજીને સરકારના કોરાના સંક્રમણ અટકાવવાના નિયમોના ધજાગરા ઉડાડયા છે. આત્મારામ પરમાર સાથે મંત્રી ગણપત વસાવા પણ જોડાયા હતા. વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં લોકોએ સરકારના કફર્યૂના નિર્ણય સામે આક્રોશ ઠાલવ્યો હતો.
સરકાર લોકોને લગ્નપ્રસંગે મર્યાદિત સંખ્યામાં લોકોને આવવાની પરવાનગી આપે છે. રાત્રિના ધંધા -વેપાર બંધ રાખવા માટે કડક આદેશ આપે છે. માસ્ક નહીં 5હેરનારનો ફરજીયાત કોરોના ટેસ્ટ અને ટેસ્ટ નેગેટીવ આવનાર પાસે રૂા. 1હજાર દંડ વસૂલવા સુધીની કડક પગલા લેવાની ચીમકી આપે છે. બીજી તરફ  સરકારના નેતાઓ જ ખુલ્લેઆમ રોડ-શો યોજી કોરોના સંક્રમણ ફેલાવવાનું કામ કરી રહ્યા છે. અગાઉ ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલે સૌરાષ્ટ્રમાં મોટા-મોટા રોડ-શો યોજ્યા હતા. તે સમયે પણ ભાજપ સરકારની આબરૂના લીરા ઉડયા હતા. છતાં પણ નેતાઓ જાણે સમજતા ન હોય તેવું આપખુદશાહી જેવું વર્તન કરી રહ્યા છે.
આજે આત્મારામ પરમારના રોડ-શોમાં ગણપત વસાવા પણ જોડાયા હતા. રોડ-શોમાં ભીડ એકત્ર થઇ હતી. આત્મારામ પરમારના વાયરલ થયેલા વીડિયોમાં નેતાઓ લોકો સાથે ખુલ્લેઆમ હાથ મીલાવી રહ્યા હતા. વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં લોકોએ રાજ્ય સરકારની ભારે ઠેકડી ઉડાવી હતી. હાલમાં લગ્નસરાની સીઝન ચાલી રહી છે. સરકારે રાત્રિ કફર્યૂ લગાવતા લોકોની લગ્નપ્રસંગોની ઉજવણી અટકી પડી છે. જેનાં કારણે લોકોએ વીડિયોને જોયા બાદ મોટી સંખ્યામાં પોતાનો આક્રોશ સોશિયલ મીડિયામાં વ્યકત કર્યો હતો.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer