ભારતનું સૌથી મોટું 14 માળનું પેસેન્જર શીપ અલંગમાં આવશે

આ લકઝરિયસ શીપ મુંબઇ-દુબઇ વચ્ચે ચલાવવામાં આવતું હતું
ભાવનગર, તા.21:  ભાવનગર નજીકના વિશ્વ વિખ્યાત અલંગ શિપબ્રાકિંગ યાર્ડમાં લાંબા સમય બાદ લક્ઝરિયસ પેસેન્જર ક્રૂઝ શિપનું આગમન માસાંતે થશે.
મળતી માહિતી મુજબ ભારતનું સૌથી મોટું 14માળનું અને લકઝુરિયસ પેસેન્જર ક્રૂઝ શિપ કર્ણિકાની હરાજી મુંબઇ હાઇકોર્ટમાં સંપન્ન થયા બાદ સત્તાવાર રીતે લંડનની એનકેડી  મેરીટાઇમ લિમિટેડને લેટર ઓફ સેલની ફાળવણી કરવામાં આવી હતી અને કેશબાયર દ્વારા કોર્ટ સમક્ષ 11.65 લાખ ડોલરની રકમની ચુકવણી કરવામાં આવી હતી. કેશ બાયરે પાકિસ્તાન, બાંગ્લાદેશ, ભારતના શિપબ્રેકરોને જહાજ વેચવાની વાટાઘાટો કરી હતી. એમાંથી અલંગના પ્લોટ નં.વી -7 દ્વારા આ શિપ ખરીદ્યું છે. કોરોના ફેલાતાની સાથે જ કર્ણિકા જહાજ 12 મી માર્ચ 2020 થી મુંબઇ પોર્ટમાં બાંધી રાખવામાં આવ્યું છે અને હાલ 60 ક્રૂ - મેમ્બરો તેની દેખભાળ કરી રહ્યા છે. આ જહાજ મુંબઇ - દુબઇ વચ્ચે ચલાવવામાં આવી રહ્યું હતુ. કર્ણિકા જહાજમાં મુસાફરો માટે અત્યાધુનિક સુવિધાઓ ઉપલબ્ધ છે, અને તે ક્રૂઝ સેવામાં ખાસ્સે લોકપ્રિય છે. અલંગના પ્લોટ નં.વી -7 આર.કે.ઇન્ડસ્ટ્રીઝ એલએલપી દ્વારા પેસેન્જર શિપ ખરીદવામાં આવ્યું છે. નવેમ્બરના અંત સુધીમાં આ જહાજ અલંગ આવી પહોંચે તેવી શક્યતાઓ છે. તરતી જન્નતના હુલામણા નામથી જાણીતા કર્ણિકા લકઝુરિયસ ક્રૂઝ શિપની માલીકી જાલેશ ક્રૂઝિસ કંપની દ્વારા ધરાવવામાં આવે છે, પરંતુ તેઓ નાદાર સાબિત થતા જહાજને વેચવાનો વારો આવ્યો હતો.
આ શિપમાં 2014 મુસાફરોની અને 621 ક્રૂ નો સમાવેશ થાય તેવી ક્ષમતા છે. અને આ જહાજ 1990માં બનાવવામાં આવેલું છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer