સુરતમાં દાનવીરે 45 વોરિયર્સને પોતાના ખર્ચે ગોવાની ટ્રીપ કરાવી

લોકડાઉનમાં જરૂરિયાતમંદોની સેવા કરનાર કોરોના વોરિયર્સ પહોંચ્યા ગોવા યાત્રાએ
સુરત, તા.21 : કોરોના કાળમાં ફ્રન્ટ લાઇન વોરિયર્સની જવાબદારી બમણી થઇ પડી છે. ગત 22મી માર્ચથી સતત 87 દિવસ સુધી કોરોના વોરિયર્સ કામે લાગ્યા હતા. સુરતના એક દાનવીરે આ 45 જેટલા કોરોના વોરિયર્સને તાજેતરમાં ગોવાની ટ્રીપ કરાવી તેમના કામના દબાણને હળવો કરવાનો પ્રયાસ કર્યો છે. જેને કોરાના વોરીયર્સે હર્ષભેર વધાવી લીધો છે. 
મુસ્કાન ફેમિલી ચેરીટેબલ ટ્રસ્ટ શુભ પ્રસંગોમાં વધેલું ભોજન એકઠું કરીને સુરત આસપાસ 100 કિલોમીટર સુધીના વિસ્તારમાં આવતાં જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચાડવા સહિતના અનેક સેવાકીય કાર્યો કરે છે. આ સસ્થાના 45 સ્વયંસેવક દ્વારા લોકડાઉનમાં 82 દિવસ દરરોજ 6 હજારથી વધુ જરૂરિયાતમંદોને રસોઈ બનાવીને જમવાનું પહોંચાડયું હતુ. આ દિવસો દરમિયાન મુસ્કાનનાં રસોડે અલગ અલગ મહાનુભાવો સાથે મુસ્કાન ટ્રસ્ટીઓ આવતા હતા. એમાના એક ટ્રસ્ટી ઘનશ્યામભાઈ દુર્લભભાઈ જાદવાણી (સર્વમ ક્રિએશન)ને વિચાર આવ્યો કે, દિવસ રાત સતત ખરી મહેનત કરતા આ સ્વયંસેવક યોદ્ધાઓ માટે કાંઈક કરવું જોઈએ. 
તેમણે મુસ્કાન ફેમિલી ચેરીટેબલ ટ્રસ્ટ પ્રમુખ રાકેશભાઈ ગોધાણીને કહ્યું કે લોકડાઉન પછી આ સ્વયંસેવકોનો થાક ઉતરે એ માટે તેઓ બધાને પોતાના ખર્ચે વ્યવસ્થિત રીતે ગોવા લઈ જશે અને ફેરવશે. 45 સભ્યોને એસી ટ્રેનમાં આવવા જવા સાથે ત્યાં ભોજનની તકલીફ ન થાય એ હેતુથી સુરતી મહારાજ સાથે ત્રણે ટાઈમ સાત્વિક ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer