આશ્ચર્ય ! મોરબીમાં છેલ્લા બે માસથી ચાલતી’તી શાળા

50 વિદ્યાર્થીને શાળામાં બોલાવીને શિક્ષણ અપાતું હતું, CCTV બંધ કર્યા હતા: પોલીસ ફરિયાદ
મોરબી, તા. 21 : મોરબી શનાળા રોડ પર આવેલ ઓસમ તરીકે ઓળખાતી ઓમ શાંતિ ઇંગ્લીશ મિડીયમ સ્કૂલમાં કોરોના મહામારીમાં શિક્ષણકાર્ય ચાલતું હોવાની ફરિયાદના પગલે મોરબી શિક્ષક આલમમાં ખળભળાટ મચી ગયો છે. આ અંગે મોરબી-એ ડીવીઝન પોલીસમાં નોંધાયેલ ફરિયાદના પગલે આ કેસમાં તપાસ કરતા હેડ કોન્સ્ટેબલ નાગદાનભાઈ ગઢવીએ જણાવ્યું હતું. આ સ્કૂલમાં રેડ કરનાર શિક્ષણ વિભાગ કર્મચારી પાસેથી જાણવા મળેલ છે કે છેલ્લા બે માસથી વધુ સમયથી સપ્ટેમ્બર-2020થી 50 જેટલા વિદ્યાર્થીને બોલાવી શિક્ષણ ચાલતું હતું. શાળા સંચાલકોએ સ્કૂલમાં રાખેલ સીસીટીવી કેમેરા બંધ કર્યા હતા. આ મામલે શાળા સંચાલકોના નિવેદનો લેવાઈ રહ્યા છે તેમજ ફોટા સહિતના પૂરાવા મેળવવા તજવીજ હાથ ધરી છે.
આ બાબતે મોરબી જિલ્લા શિક્ષણ અધિકારીને ફરિયાદી સહિતના ફોન પર સંપર્ક કરતા તેને ફોન ઉપાડયા નથી ત્યારે આ મામલો ‘ઘરમેળે’ સમેટાઈ જાય તેવી ચર્ચા થઇ રહી છે. બે માસથી શાળા ચાલતી હોવા છતાં મોરબી જિલ્લા શિક્ષણ વિભાગ ઉંઘતું ઝડપાતા તેની કામગીરી પર સવાલો ઉઠી રહ્યા છે. વધુમાં એવું અમુક વર્તુળોમાંથી જાણવા મળી રહ્યું છે કે ઓસમ ઉર્ફે ઓમ શાંતિ ઇંગ્લીશ મીડિયમમાં આ ચાલતુ ગેરકાયદેસર શિક્ષણ કાર્યની ફરિયાદ અમુક વાલીઓએ શિક્ષણ વિભાગને કરી હતી ત્યારે મોરબી જિલ્લા શિક્ષણ વિભાગે આંખ આડા કાન કર્યા હતા એવું ચર્ચાઈ રહ્યું છે. વાંકાનેરમાં એક ખાનગી સ્કૂલમાં શિક્ષણ કાર્ય ચાલતું હોવાનું બહાર આવ્યું હતું ત્યારે મોરબીમાં આવું ચાલતુ હોવા છતાં તેની સામે કેમ પગલા લેતા નથી તેવા સવાલો અન્ય ખાનગી શાળાના સંચાલકોએ ઉઠાવેલ હતા. જેના પગલે મોરબી શિક્ષણ વિભાગને દબાણ આવતા આ રેડ કર્યાની પણ ચર્ચા છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer