શિયાળુ સત્રનો નિર્ણય સરકાર લેશે

શિયાળુ સત્રનો નિર્ણય સરકાર લેશે
આનંદ કે.વ્યાસ
નવી દિલ્હી, તા. 21 : કેવડિયા ખાતે 2પમી નવેમ્બરથી બે દિવસ માટે બંધારણ દિવસની ઉજવણીની જાહેરાત કરતાં લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ જણાવ્યું હતું કે સંસદનું શિયાળુ સત્ર ક્યારથી યોજવું તેનો નિર્ણય સરકારે કરવાનો છે. સંસદીય બાબતો અંગેની કેબિનેટ સમિતિ મારફત સરકાર સત્રની તારીખો નક્કી કરે છે અને ટૂંક સમયમાં તેની ખબર પડી જશે.
બિરલાએ કહ્યું હતું કે લોકસભા સચિવાલય તૈયાર થઈ ગયું છે. અમે નિયમિત બેઠકો યોજી રહ્યા છીએ.મને ખાતરી છે કે સરકાર રાજકીય પક્ષોનો સંપર્ક કરીને આ બાબતે તેમનો અભિપ્રાય મેળવી લેશે.
સામાન્ય રીતે નવેમ્બરના ત્રીજા સપ્તાહમાં શરૂ થતા સંસદના શિયાળુ સત્ર અંગે સરકારે હજી સુધી કોઈ જાહેરાત કરી નથી અને હવે શિયાળુ સત્રની તારીખો સામાન્ય રીતે જાન્યુઆરીના અંતિમ અઠવાડિયાથી શરૂ થતા બજેટ સત્ર સાથે ટકરાશે એવી તેમજ દિલ્હી તેમજ આસપાસના વિસ્તારોમાં કોરોનાના વધતા કેસોને લઈને આ વખતે શિયાળુ સત્ર યોજાશે કે કેમ એવી અટકળો વચ્ચે બિરલાની આ ટિપ્પણી મહત્વપૂર્ણ લેખાય છે.
લોકસભા સ્પીકરે બંધારણ દિવસની ઉજવણીની પણ જાહેરાત કરી હતી. ગુજરાતના કેવડિયામાં 2પ અને 26 નવેમ્બરે રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિની ઉપસ્થિતિમાં રાજ્ય વિધાનસભાના અધ્યક્ષોની પરિષદ યોજાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 26મીએ બંધારણ દિવસે ઓનલાઈન પ્રવચન આપશે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer