‘નોન કોવિડ’ મૃતદેહોને ઈલેક્ટ્રીક ભઠ્ઠીમાં અંતિમવિધિની હવે મંજૂરી

‘નોન કોવિડ’ મૃતદેહોને ઈલેક્ટ્રીક ભઠ્ઠીમાં અંતિમવિધિની હવે મંજૂરી
કોરોનાના કારણે મૃતકોની સંખ્યામાં ઘટાડો થતાં મનપાએ લીધેલો નિર્ણય
રાજકોટ તા.28 : શહેરમાં કોરોનાનો કહેર દિવસે ને દિવસે ઓસરી રહ્યો છે અને મૃતકોની સંખ્યામાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે ત્યારે સ્મશાનગૃહોમાં પણ વેઈટીંગ લિસ્ટ લગભગ બંધ થઈ જતાં હવેથી નોન કોવિડ એટલે કે જે વ્યક્તિનું કોરોનાની મૃત્યુ ન થયું હોય તેમની અંતિમવિધિને ઈલેક્ટ્રીક વિભાગમાં કરવાની છૂટ મ્યુનિ.તંત્ર દ્વારા આપવામાં આવી છે.
મ્યુનિ.કમિશનર ઉદિત અગ્રવાલના જણાવ્યાનુસાર હવે શહેરમાં કોરોના ‘સ્ટેબલ’ છે, નવા પોઝીટીવ કેસની સંખ્યા ઘટી છે અને મૃત્યુદરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે ત્યારે નોન કોવિડ બોડીને હવેથી ઈલેક્ટ્રીક સ્માશનગૃહમાં ભઠ્ઠીમાં અંતિમ સંસ્કાર માટે મ્યુનિ.તંત્ર દ્વારા છૂટ આપવામાં આવી છે. જો કે, મૃતકના પરિવારને અંદર જવા દેવામાં નહીં આવે કારણ કે, અંતિમવિધિ પૂર્વે જો કોઈ કોવિડ મૃતદેહ આવ્યો હોય તો તેના કારણે સંક્રમણ ફેલાવાની ભીતિ રહે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા 3 માસથી શહેરમાં કોરોના કારણે મૃત્યુ પામનારા લોકોની સંખ્યામાં વધારો થતાં મ્યુનિ.તંત્રએ આવા મૃતકોના અંતિમ સંસ્કાર ફરજિયાત ઈલેક્ટ્રીક ભઠ્ઠીમાં કરવા વ્યવસ્થા ઉભી કરી હતી. મૃતદેહમાંથી કોઈપણ પ્રકારનો ચેપ ન ફેલાય તે માટે તંત્રએ આ નિર્ણય કર્યો હતો. જ્યારે નોન કોવિડ ન હોય તેવા મૃતદેહોના અંતિમ સસ્કાર લાકડામાં કરવામાં આવતાં હતાં. હવે છૂટ મળી છે જો કે,‘નોન કોવિડ’ બોડી માટે ઈલેક્ટ્રીક વિભાગ ખાલી છે કે કેમ ? તેની મૃતકના પરિવારજનોએ અગાઉથી તપાસ કરવાની રહેશે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer