ભારત સમક્ષ શાંતિ પ્રસ્તાવ મૂકી કાશ્મીર મુદ્દે ઈમરાનનાં રોદણાં

ભારત સમક્ષ શાંતિ પ્રસ્તાવ મૂકી  કાશ્મીર મુદ્દે ઈમરાનનાં રોદણાં
પોતાના દેશમાં ભીંસ વધતા પાક. PMએ શરૂ કરી નૌટંકી
 
ઈસ્લામાબાદ, તા.ર8: પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફનાં નેતૃત્વમાં વિપક્ષોના જોરદાર પ્રહારથી ભીંસમાં આવેલા પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને હવે ભારતને શાંતિ પ્રસ્તાવ આપ્યો છે.
જો કે આ શાંતિ પ્રસ્તાવમાં પણ ઈમરાનખાને કાશ્મીરની એ જ જૂની પુરાણી વાત ઉચ્ચારી કહ્યું કે શાંતિ સ્થાપવા માટે તેમની એક શર્ત છે. પીઓકે પર ગેરકાયદે કબજો જમાવનાર પાકિસ્તાનના વડાપ્રધાને શર્ત મૂકી કે કાશ્મીરમાંથી ભારત પોતાના સૈન્યની ઘેરાબંધી દૂર કરે અને કાશ્મીરીઓને પોતાની રીતે નિર્ણય લેવા દે.
સરકાર ચલાવવામાં નિષ્ફળતાથી પોતાના જ દેશમાં ચારેબાજુથી ઘેરાઈ ગયેલા ઈમરાન ખાને ભારતને શાંતિ પ્રસ્તાવમાં કહ્યું કે અમે શાંતિ માટે તૈયાર છીએ પરંતુ ભારતે કાશ્મીરમાંથી પોતાની ઘેરાબંધીને ખત્મ કરવી પડશે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના પ્રસ્તાવ મુજબ કાશ્મીરના લોકોને આત્મનિર્ણયનો અધિકાર આપવામાં આવે. આ મહાદ્વીપને શાંતિની સૌથી વધુ જરૂર છે કારણ કે અહીં સમૃદ્ધિની સૌથી વધુ  જરૂર છે.
ઈમરાને રટણ કર્યું કે ર018માં પીએમ બન્યા બાદ મેં ભારતને શાંતિ પ્રસ્તાવ આપ્યો હતો. સાથે ભારતીય નેતૃત્વને કહ્યું હતું કે જો શાંતિ સ્થાપવા ભારત એક પગલું આગળ વધશે તો પાકિસ્તાન બે પગલાં ભરશે. ઈમરાને ભારત પર કાશ્મીરને હડપ કર્યાનો અને ઘેરાબંધીનો આરોપ લગાવ્યો હતો. સાથે કહ્યું કે હું આગળ પણ દુનિયાને કાશ્મીરના લોકો સાથેના અન્યાયની યાદ અપાવતો રહીશ.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer