આરોગ્ય સેતુ એપ બનાવનાર કોણ ? NICને નથી ખબર

આરોગ્ય સેતુ એપ બનાવનાર કોણ ? NICને નથી ખબર
સૂચના આયોગે મંત્રાલય સહિતના પક્ષોને ફટકારી કારણદર્શક નોટિસ
 
નવી દિલ્હી, તા. 28 : કેન્દ્રીય સૂચના આયોગે નેશનલ ઈન્ફોર્મેટિક સેન્ટર (એનઆઈસી) પાસે જવાબ માગ્યો છે કે આરોગ્ય સેતુ એપ ઉપર તેનું નામ છે તો પછી તેની પાસે એપના ડેવલોપમેન્ટને લઈને જાણકારી કેમ
નથી ? આયોગે આ મામલે ઘણા ચીફ પબ્લિક ઈન્ફોર્મેશન ડોમેઈન અધિકારી સહિત નેશનલ ઈ ગવર્નેસ ડિવીઝન, ઈલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રાલય તેમજ એનઆઈસીને કારણદર્શક નોટિસ આપી છે. આ નોટિસમાં સ્પષ્ટતા માગવામાં આવી છે કે કરોડો લોકો દ્વારા ઉપયોગમાં આવતી કોન્ટેક્ટ ટ્રેસિંગ એપને લઈને થયેલી આરટીઆઈનો સ્પષ્ટ જવાબ કેમ આપવામાં આવ્યો નથી ? કોરોના વાયરસ વચ્ચે કોન્ટેક્ટ ટ્રેસિંગના ઉપયોગ માટે કેન્દ્ર સરકાર તરફથી આરોગ્ય સેતુ એપ્લિકેશનને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. જો કે આરોગ્ય સેતુ એપ કહે છે કે તેને નેશનલ ઈન્ફોર્મેટિક સેન્ટર અને આઈટી મંત્રાલયે ડેવલોપ કરી છે પણ આ એપને લઈને કરવામાં આવેલી એક આરટીઆઈમાં કહેવામાં આવ્યું છે કે તેની પાસે એપના ડેવલોપમેન્ટને લઈને કોઈપણ પ્રકારની જાણકારી નથી.
આ મામલે સીઆઈસીએ ગોળગોળ જવાબ ઉપર નોટિસ મોકલી છે. આયોગના કહેવા પ્રમાણે અધિકારીઓ દ્વારા સુચના આપવાનો ઈનકાર કરવાનો સ્વીકાર કરવામાં આવશે નહી. ઉલ્લેખનિય છે કે સામાજીક કાર્યકર્તા સૌરવ દાસે સૂચના આયોગ પાસે ફરિયાદ કરી હતી કે એપના ડેવલોપમેન્ટને લઈને મંત્રાલય સ્પષ્ટ સુચના આપવામાં અસફળ રહ્યા છે. જેને લઈને નોટિસ જારી કરીને પુછવામાં આવ્યું છે કે સૂચના આપવામાં અવરોધ પેદા કરવા અને ગોળ ગોળ જવાબ આપવા બદલ કેમ પગલા લેવામાં ન આવે ?

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer