ફળ, શાકભાજીનાં ટેકાનાં ભાવ નક્કી કરતું કેરળ

ફળ, શાકભાજીનાં ટેકાનાં ભાવ નક્કી કરતું કેરળ
ખેડૂતોનાં હિતમાં આવો નિર્ણય કરનાર દેશનું પહેલું રાજ્ય બન્યું: વિજયન સરકારની પહેલમાંથી અન્ય રાજ્યો ધડો લેશે?
 
નવીદિલ્હી, તા.28: વિશિષ્ટ સંજોગોને બાદ કરતાં શાકભાજીનાં ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળતા નથી અને કાયમ તેમને પસ્તાવાનો વારો આવતો હોય છે. દેશમાં શાકભાજીની ખેતીની આ સર્વસામાન્ય વાસ્તવિકતા વચ્ચે અન્ય રાજ્યોએ ધડો લેવો પડે તેવી એક પહેલ કેરળ સરકાર દ્વારા કરવામાં આવી છે. કેરળ દેશનું પ્રથમ એવું રાજ્ય બની ગયું છે જ્યાં ફળો અને શાકભાજીનાં આધાર મૂલ્ય (બેઇઝ પ્રાઈઝ) નક્કી કરી દેવામાં આવ્યાં છે અને સાથોસાથ શાકભાજીનાં ટેકાનાં ભાવ (એમએસપી) પણ નક્કી કરાયા છે.
કેરળના મુખ્યમંત્રી પિનારાઈ વિજયન દ્વારા આજે આની ઘોષણા કરતાં કહેવામાં આવ્યું હતું કે, આ યોજના 1 નવેમ્બરથી લાગુ કરવામાં આવશે. જેમાં શાકભાજીનાં આધારભાવ ઉત્પાદન પડતરથી 20 ટકા જેટલા વધુ રહેશે. કેરળે કુલ મળીને 16 પ્રકારનાં શાકભાજીની બેઈઝપ્રાઈઝ નક્કી કરી છે. વિજયને કહ્યું હતું કે, દેશનાં કોઈપણ રાજ્યમાં આ પહેલી ઘટના છે જેમાં ખેડૂતોને શાકભાજીનાં ટેકાનાં ભાવ મળશે અને તેનાંથી તેમને મોટી આર્થિક રાહત થશે. તેમની નુકસાનીની આશંકા પણ ઘટશે અને આવકમાં વૃદ્ધિ થશે.
તેમણે આગળ જણાવ્યું હતું કે, સબ્જીઓને ગુણવત્તા અનુસાર વર્ગીકૃત કરવામાં આવશે અને તેનું ભાવકરણ થશે. દેશભરમાં કિસાનો સંતુષ્ટ નથી પણ કેરળમાં છેલ્લા સાડાચાર વર્ષમાં શાકબકાલાનું ઉત્પાદન બમણું થઈ ગયું છે. તે સાત લાખ ટનથી વધીને હવે 114.72 લાખ ટન થઈ ગયું છે.
કેરળ સરકાર દ્વારા રાજ્યમાં તેપિયોકાનો લઘુતમ ટેકાનો ભાવ 12 રૂપિયા નક્કી કરવામાં આવ્યું છે. જ્યારે કેળાનો 30 રૂપિયા, અનાનસનો 1પ રૂપિયા, ટમેટાનો 8 રૂપિયા, દુધી 9 રૂપિયા, કાકડી 8 રૂપિયા, કારેલા 30 રૂપિયા, ભીંડો 20 રૂપિયા, કોબીજ 21 રૂપિયા, બટેટા 20 રૂપિયા, વટાણા 28 રૂપિયા, લસણ 139 રૂપિયા અને બીટનાં 21 રૂપિયા નક્કી કરવામાં આવ્યાં છે.
 
ભારતમાં કરોડોના શાકભાજી-ફળોનો બગાડ
છાસવારે રડાવતી ડુંગળીના કોલ્ડ સ્ટોરેજો પણ ભારતમાં નથી!
રાજકોટ, તા.28: શાકભાજી અને ફળોના ઉત્પાદનમાં ભારત વિશ્વમાં બીજા ક્રમે આવે છે. પરંતુ લગભગ દર વર્ષે ઓછાં ભાવ, મોસમની પ્રતિકૂળતા કે બજાર ન મળવાને લીધે 30 ટકા જેટલું શાકભાજી અને ફળો ખેડૂતના હાથમાં જ નાશ પામે છે. જેના માટે ઉગાડયા હોય તે ગ્રાહકો સુધી પહોંચતા નથી. ખેડૂતોનો માલ તૈયાર થઇને બગડી જાય તેની રકમ અધધ રૂ. 14 હજાર કરોડ જેટલી થાય છે. એ પરત્વે ક્યારેય ધ્યાન અપાયું નથી.
શાકભાજી અને ફળોનો ખેડૂત મોટેભાગે પાક ઉતરે એટલે વેંચી નાંખવા માટે મજબૂર છે. એ કારણે ઓછાં ભાવની સમસ્યા વારંવાર સર્જાય છે. ઓછો ભાવ હોય ત્યારે સાચવીને પછી વેંચે તો ખેડૂત કમાઇ શકે પરંતુ ભારતમાં શાકભાજી અને ફળો સંઘરી શકાય તેવી કોલ્ડ ચેઇનની કોઇ વ્યવસ્થા નથી. આ મુદ્દે વર્ષોથી ફક્ત ચર્ચા થઇ રહી છે. કોઇ સરકારોએ નક્કર કામગીરી કરી નથી.
શાકભાજી અને ફળો જીવન જરૂરિયાતની ચીજોમાં ટોચ પર આવે છે. પરંતુ એ નાશવંત છે. એ કારણે એને સાચવવા માટે કોલ્ડ ચેઇન વિકસાવવી પડે. ખેતરમાંથી સારો માલ તૈયાર થાય ત્યારે બજાર ભાવ સારો હોય તો ખેડૂત સીધો વેંચી નાંખે તો ફાયદો થાય. પરંતુ મંદી હોય ત્યારે તેના ગામમાં જ કોલ્ડ સ્ટોરેજમાં વૈજ્ઞાનિક ઢબે સચવાય તે જરૂરી છે. કોલ્ડમાંથી નીકળીને મોલ કે બજાર સુધી પહોંચે તે માટે પણ ઠંડક આપે તેવા વાહનો હોવા જોઇએ. બાદમાં વેચાણ કેન્દ્રો પર પણ આવી વ્યવસ્થા હોય તો જ શાકભાજી અને ફળની તંગી નિવારી શકાય. એમ થાય તો ગ્રાહકોને પણ વાજબી દામથી તમામ ચીજો મળે અને ખેડૂતોએ જમીન રોકીને કરેલી મહેનતનું ખરું ફળ મળે.
ભારતમાં ડુંગળીના ભાવ છાસવારે વધી જાય છે. સરકારોને રેલો આવી જાય છે છતાં આજ સુધી ડુંગળીની છત હોય ત્યારે સસ્તાંમાં ખરીદીને સાચવી શકાય તેવા કોઇ કોલ્ડ સ્ટોરેજો ઉપલબ્ધ નથી. પરિણામે મંદી વખતે ખેડૂતો ડુંગળી ફેંકીને પાક બગાડી નાંખે છે અને તેજી વખતે સરકાર ખેડૂતોની કમાણી પર નિયંત્રણો નાંખીને પરેશાન કરે છે. બટાટા ય ઘણી વાર મોંઘા થાય છે પણ તે સાચવવા દેશમાં વ્યવસ્થા છે. ફળો અને શાકભાજી માટે પણ આવી સંગ્રહ વ્યવસ્થા થાય તે હવેના જમાનાની માગ છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer