કાર્ટૂન વિવાદમાં ફ્રાંસ વિરૂદ્ધ મુસ્લિમ દેશોમાં રોષ : ઠેર ઠેર વિરોધ પ્રદર્શન

કાર્ટૂન વિવાદમાં ફ્રાંસ વિરૂદ્ધ મુસ્લિમ દેશોમાં રોષ : ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
પેરિસ, ઢાંકા, અંકારા, તા.ર8: પૈગમ્બર મોહમ્મદ સાહેબના કાર્ટૂન વિવાદમાં મુસ્લિમ દેશો અને ફ્રાંસ વચ્ચે વિવાદ ગંભીર બની રહ્યો છે.મુસ્લિમ દેશોએ ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમૈન્યુઅલ મૈક્રોની એ ટિપ્પણી સામે સખત વાંધો ઉઠાવ્યો છે જેમાં તેમણે કહ્યું હતુ કે ઈસ્લામ સંકટમાં છે.
પૈગમ્બર મોહમ્મદ સાહેબના કાર્ટૂનના પ્રદર્શનના વિરોધમાં બાંગ્લાદેશની રાજધાની ઢાંકામાં એક ઈસ્લામિક જૂથે 10,000 લોકોને સામેલ કરતું એક વિશાળ જુલૂસ કાઢયું હતુ.સાથે દુનિયાભરના મુસ્લિમોને ફ્રાંસની ચીજોનો ઉપયોગ ન કરવા આહવાન આપ્યું હતું. ઈસ્લામી  આંદોલન બાંગ્લાદેશના બેનર હેઠળ યોજાયેલા પ્રદર્શનમાં દેખાવકારોએ ફ્રાંસના રાષ્ટ્રપતિના એક કટઆઉટને જોડાનો હાર પહેરાવ્યો હતો.
તુર્કીના રાષ્ટ્રપતિ તૈયપ રેસેપ અર્દોગાને ફ્રાંસના રાષ્ટ્રપતિના નિવેદનની ટીકા કરી કહ્યું કે ફ્રાંસીસીની માનસિક તપાસની જરૂર છે. સાઉદી આરબ અને ઈરાન સહિતના મુસ્લિમ દેશોએ પણ ફ્રાંસના રાષ્ટ્રપતિના નિવેદનનો વિરોધ કર્યો છે. મલેશિયાએ કહયું કે મુસ્લિમો પ્રત્યે ખુલ્લેઆમ વધતી આક્રમકતાથી તેઓ ચિંતિત છે.
ફ્રાન્સમાં ન હોવા છતાં રાજદૂતને બોલાવનાર પાક.ની મજાક ઊડી
ઈસ્લામાબાદ, તા. 28 : ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોનની ઈસ્લામ પર ટિપ્પણી અને મોહમ્મદ પયગંબરના કાર્ટૂનથી નારાજ થતાં ફ્રાન્સમાંથી પોતાના રાજદૂત પાછા બોલાવવાના પ્રસ્તાવથી પાકિસ્તાનની મજાક ઊડી રહી છે. પાકની સંસદે આવો પ્રસ્તાવ તો પસાર કરી નાખ્યો, પરંતુ હકીકત કંઈક એવી છે કે, પેરિસમાં પાકિસ્તાનના કોઈ રાજદૂત છે જ નહીં. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer