નવરાત્રિ પર્વમાં 800 કાર અને 1200 ટુ-વ્હીલરનું વેચાણ થયું

નવરાત્રિ પર્વમાં 800 કાર અને 1200 ટુ-વ્હીલરનું વેચાણ થયું
દશેરાએ પણ વાહનખરીદી માટે શુભમુહૂર્ત સાચવતા શહેરીજનો : ‘વ્હીકલ ટેક્સ’ પેટે મનપાને લાખોની આવક
રાજકોટ, તા.26 :  શહેરમાં નવરાત્રિ દરમિયાન વાહનો છોડાવવાનો ક્રેઝ લોકોમાં વધતો જાય છે. ખાસ કરીને મુહૂર્તો સાચવવા દશેરાના દિવસે વાહનો છોડાવવા માટે શો-રૂમોમાં ભીડ ઉમટી પડે છે.  આ વખતે પણ નોરતાથી દશેરા સુધીના શુભ મુહૂર્તોમાં 800 કાર અને 1200 આસપાસ ટુ વ્હીલરોનું વેચાણ થયું હોવાનું જાણવા મળ્યું છે.
કોર્પોરેશન દ્વારા નવા વાહનોની ખરીદી પર ટેક્સ વસૂલવામાં આવે છે ત્યારે ટેક્સ બ્રાન્ચના જ અધિકારીઓએ જણાવ્યું છે કે, કોરોનાની મહામારીમાં લોકોને મંદી નડશે તેવું અમારૂ અનુમાન હતું પરંતુ નવરાત્રિના તહેવારોમાં વાહન વેચાણના આંકડાઓને જોઈને એવું લાગી રહ્યું છે કે બજારમાંથી મંદી ગાયબ થઈ ચૂકી છે. પ્રથમ નોરતે જ 2000 જેટલા ટુ-વ્હીલર વાહનોનું વેચાણ થયું હતું જ્યારે અન્ય દિવસો તેમજ દશેરાના પર્વ નિમિત્તે રાત્રિના 11 વાગ્યા સુધી વાહનો વેચાયા હતાં.  અત્રે ઉલ્લેખનીય છે કે પ્રથમ નોરતેથી દશેરા સુધીમાં શહેરભરના શો-રૂમોમાંથી 8740 પેટ્રોલ ટુ વ્હીલર તેમજ 109 થ્રી વ્હીલરની સાથોસાથ ફોર વ્હીલરનું પણ મોટા પ્રમાણમાં વેચાણ થયું હતું. નવ દિવસમાં 800 કાર અને 1200થી વધુ  ટુ વ્હીલરનું વેચાણ જેના થકી તંત્રને લાખોની આવક થઈ છે. દિવાળીના તહેવારોમાં પણ વાહનોની ખરીદીનો શહેરમાં ખુબ મોટો ક્રેઝ જોવા મળતો હોય અત્યારથી જ શુભમુહૂર્તે વાહનોની ડિલીવરી મળી જાય તે માટે બુકિંગ શરૂ થઈ ગયાં હોવાનું જાણવા મળી રહ્યું છે.
 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer