પરીક્ષા આપવા વિદ્યાર્થીઓને કોલેજે બોલાવતા હોબાળો

પરીક્ષા આપવા વિદ્યાર્થીઓને કોલેજે બોલાવતા હોબાળો
NSUIએ વિરોધ કરતાં પરીક્ષા તાબડતોબ રદ કરાઈ
રાજકોટ,તા. 26 : કોરાનાની મહામારી વચ્ચે સરકાર અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સ્પષ્ટપણે ગાઇડલાઇનમાં વિદ્યાર્થીઓને ઈન્ટરનલ પરીક્ષાઓ વિદ્યાર્થીઓને રૂબરૂ બોલાવીને પરીક્ષા નહીં લેવાનું જણાવેલ હોવા છતાં આજે શહેરની શાસ્ત્રીમેદાન નજીક આવેલી જે.જે. કુંડલિયા કોલેજમાં વિદ્યાર્થીઓની ઇન્ટરનલ પરીક્ષા રાખી હતી. કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અલગ અલગ જિલ્લાના ગામડામાંથી આવતા હોઇ કોરાનાના લક્ષણ કે તેના ભયથી વિદ્યાર્થીઓમા અને કોલેજના સ્ટાફમાં ચિંતા ઉભી થઈ હતી.
વિદ્યાર્થીઓએ એનએસયુઆઈ આગેવાનોને રજૂઆત કરતા આજે સવારે પરીક્ષા સમયે જ એનએસયુઆઈની ટીમે પ્રિન્સિપાલને નિયમ વિરુદ્ધ પરીક્ષા રદ કરી અન્ય પદ્ધતિથી પરીક્ષા લેવા રજૂઆત કરી હતી. જો કે પ્રિન્સિપાલ મેડમે કોલેજમાં કોઈ પરીક્ષા યોજી નથી પરંતુ પરીક્ષાના ફોર્મ ભરવા માટે બોલાવ્યાનો બચાવ કર્યો હતો. જો કે ક્લાસરૂમમાં વિદ્યાર્થી નેતાઓએ તપાસ કરતાં 150થી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા માટે જ બોલાવ્યાનું ખુદ વિદ્યાર્થીઓએ સ્વીકારતા પ્રિન્સિપાલ મેડમે પરીક્ષા તુરંત જ રદ કરી હતી.
સરકાર અને યુનિવર્સિટીઓ કોલેજો અને શાળાઓ શરૂ કરવાનું હજુ વિચારણા કરી રહી ત્યારે આવી રીતે જો વિદ્યાર્થીઓને બોલાવીને પરીક્ષા લેવાશે કોરાના તાબે આવવાના એંધાણ પર પાણી ફરી વળશે. એનએસયુઆઈના પ્રમુખ રોહિતાસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓને સ્વાસ્થ્ય હીત ધ્યાનમાં રાખી આ પરીક્ષા રદ કરાવવામાં આવી છે અને તમામ શાળા-કોલેજ સંચાલકો સરકારની ગાઇડલાઇને અનુસરીને હાલ આ બાબતોમાં સંયમ રાખશે તો જ કોરાનાની સંપુર્ણ નાબુદીમાં દેશને અને સરકારને સહયોગ મળશે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer