કોડિનાર પાલિકાના પૂર્વ પ્રમુખના પુત્રનો લમણે ગોળી ખાઇ આપઘાત

કોડિનાર પાલિકાના પૂર્વ પ્રમુખના પુત્રનો લમણે ગોળી ખાઇ આપઘાત
મૃતક જૂનાગઢના પૂર્વ સાંસદ દીનુ સોલંકીના ભત્રીજાનો પુત્ર થતો’તો: આત્મહત્યાનું કારણ જાણવા તપાસ
 
(ફૂલછાબ ન્યુઝ)
કોડિનાર, તા. 26: કોડિનાર નગરપાલિકાના પૂર્વ પ્રમુખના 22 વર્ષના આશાસ્પદ પુત્ર મિતરાજસિંહ શિવાભાઇ સોલંકીએ  લમણે રિવોલ્વરમાંથી ગોળીમારીને આત્મહત્યા કરી લીધી હતી.
જૂનાગઢના પૂર્વ સાંસદ દીનુભાઇ સોલંકીના ભત્રીજા અને નગરપાલિકાના પૂર્વ પ્રમુખ શિવાભાઇ સોલંકીનો પુત્ર મિતરાજસિંહ/મિત સોલંકીએ બપોરે તેના દેવળી સ્થિત માનઘર નિવાસસ્થાને જમણે લમણે રિવોલ્વર રાખીને ગોળીબાર કર્યો હતો. ગોળીબારનો અવાજ સાંભળીને ઘરના સભ્યો તેના રૂમ પર ગયા હતાં. ત્યાં  મિત લોહીલોહાણ હાલતમાં પડયો હતો. તેને સારવાર માટે પ્રથમ અંબુજા હોસ્પિટલે લઇ જવાયો હતો. ત્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.  બાદમાં તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે અહીંના સરકારી દવાખાને લાવવામાં આવ્યો હતો. ત્યાં કોડિનારના રાજકિય આગેવાનો સહિતના લોકો મોટી સંખ્યામાં એકત્ર થયા હતાં. પોલીસની પ્રાથમિક તપાસમાં મિત સોલંકીએ તેના મિત્રની રિવોલ્વર મેળવીને લમણે ગોળી ખાઇને આપઘાત કર્યાનું ખુલ્યું હતું. ગોળી મગજના ભાગે લાગી હોવાથી મૃત્યુ થયું હતું. આમ છતાં આ બનાવ આપઘાતનો છે કે અકસ્માતનો છે? ફાયર કે મિસ્ડ ફાયરનો છે? તેની ચોક્કસ જાણકારી મેળવવા માટે મિતના મૃતદેહનો ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે જામનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ બનાવ આત્મહત્યાનો છે તો તેણે શા કારણે આ પગલું ભર્યું તે અંગે પોલીસે સઘન તપાસ શરૂ કરી છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer