રાજુ ગોસ્વામી સહિત ત્રણને ભાગેડુ જાહેર કરી મિલકત ટાંચમાં લેવા તજવીજ

રાજુ ગોસ્વામી સહિત ત્રણને ભાગેડુ જાહેર કરી મિલકત ટાંચમાં લેવા તજવીજ
રાજકોટના ભૂમાફિયા ભૂપત ભરવાડની ગેંગના સાગરીતો સામે કાયદાનો ગાળિયો કસતી પોલીસ
(ફૂલછાબ ન્યુઝ)
રાજકોટ, તા. 26: રાજકોટમાં બળજબરીથી નાણાં પડાવવા, મિલકત પચાવી પાડવા સહિતના સંખ્યાબંધ ગુનામાં સંડોવાયેલા માથાભારે ભૂમાફિયા ભરવાડ ભૂપત વીરમભાઈ બાબુતર અને તેની ગેંગ સામે કાયદાનો ગાળિયો કસવાનો પોલીસે શરૂ કરીને તેના ત્રણ સાગરીત રાજુ ગોસ્વામી, રાકેશ પોપટ અને હિતેષ ગોસ્વામીને ભાગેડુ જાહેર કરીને તેની મિલકત ટાંચમાં  લેવા પોલીસે પ્રયાસ શરૂ કર્યા છે.
હોટલ સંચાલક ધવલભાઈ મિરાણી પાસેથી બળજબરીથી રૂ. 70 લાખ પડાવી લેવાના ગુનામાં ભૂપત બાબુતરની ધરપકડ કરી લેવામાં આવી છે જ્યારે તેના સાગરીત રાકેશ ધીરજલાલ પોપટની કોઈ ભાળ પોલીસને મળતી નથી જ્યારે બેડી ગામના રમેશભાઈ મોહનલાલ અજાણીની જમીન પચાવી પાડવાના ગુનામાં ભૂપત ઉપરાંત રાજુ ગોસ્વામી ઉર્ફે પ્રમોદગીરી પ્રેમગીરી ગોસ્વામી, હિતેષ ભગવાનગીરી ગોસ્વામી, રાકેશ પોપટ, મુકેશ બટુકભાઈ સિંધવ (ઝાપડા) સહિતના શખસોનાં નામ છે. આ શખસોને ઝડપી લેવા માટે તેમનાં નિવાસસ્થાન સહિતનાં સ્થળોએ દરોડા પાડીને તપાસ કરવામાં આવી છે પરંતુ કોઇની ભાળ પોલીસને મળતી નથી. આથી પોલીસે રાજુ ગોસ્વામી ઉર્ફે પ્રમોદગીરી પ્રેમગીરી ગોસ્વામી, રાકેશ ધીરજલાલ પોપટ, હિતેષ ભગવાનગીરી ગોસ્વામી સામે કડક કાર્યવાહી કરવાના ઇરાદે કોર્ટમાં સીઆરપીસી 70 મુજબનું વોરન્ટ મેળવવા અરજી કરી છે. આ વોરન્ટ મળ્યા બાદ પણ એ ત્રણેય નહીં મળે તો કોર્ટ મારફતે તેને ભાગેડુ (ફરાર) જાહેર કરાશે અને બાદમાં તેની મિલકત ટાંચમાં લેવાનો પ્રયાસ શરૂ કરાશે. આ ત્રણેય શખસને આશરો આપનાર શખસો સામે પણ કડક કાર્યવાહી કરવા તજવીજ શરૂ કરવામાં આવી છે. જો કે, આ ત્રણેય શખસ અગાઉ પોલીસ ચોપડે ચડી ચૂકેલા હોવાથી પોલીસની કામગીરીથી વાકેફ જ છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer