ઉપસરપંચ અને બે સભ્યોના ત્રાસથી અગતરાયના સરપંચનો આપઘાતનો પ્રયાસ

જૂનાગઢ,તા.26 : કેશોદ તાલુકાના અગતરાયના સરપંચે ઉપસરપંચ અને બે સભ્યોના શારીરિક માનસિક ત્રાસથી કંટાળી આત્મહત્યાનો પ્રયાસ કરતાં જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ છે. પોલીસે સ્યુસાઇડ નોટ કબજે કરી છે. તેમાં આ પગલું ભરવા પાછળ કોણ કોણ જવાબદાર છે તે જણાવાયું છે. અગતરાય ગામમાં ચાર વર્ષ અગાઉ ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાયેલ તેમાં એસ.સી.અનામત હોવાથી સરપંચ તરીકે દાફડા નાથાભાઈ વીરાભાઈ ચૂંટાયા હતાં. પરંતુ પછાત જ્ઞાતિના સરપંચ પંચાયતના કેટલાક સભ્યોને આંખમાં કણાની માફ ખૂંચતા હતાં.
તેવામાં ઉપસરપંચ બિપીન ભીમાભાઈ ગરેજા ઉર્ફે બુધો તથા સભ્યો કેતન ધીરૂભાઈ કનેરીયા અને ભગવાનજી કાનાભાઈ ખાંભલાએ ચૂંટાયા બાદ માત્ર પૈસા કમાવા માટે એકસંપ કરી પંચાયતના તમામ કામો પોતે જ રાખી ભ્રષ્ટાચાર શરૂ કરી દીધો હતો.
આ મુદ્દે સરપંચે રજૂઆત કરતાં અપમાનીત અને હાથાપાઈ કરવા લાગ્યા હતાં અને આ ત્રિપુટીએ સરપંચને કહે તેમ ન કરવું હોય તો રાજીનામુ આપી દે અથવા રજા ઉપર ઉતરી જવાની વારંવાર તાકીદ કરી, બળજબરીપૂર્વક જરૂરી જગ્યાએ સહીઓ કરાવી લેતાં હતાં.
આ ઘટના અને ત્રાસ અંગે ગામના આગેવાનોને જાણ કરતાં તેઓ પણ સમજાવી શાંત પાડી દેતાં હતાં તેવામાં પંચાયતમાં 14માં નાણાં પંચની રૂા.36 લાખની ગ્રાંટ પડેલ તેના ઉપર ત્રિપુટીનેં ડોળો હોય તેથી સરપંચ નાથાભાઈ દાફડાને ધમકાવવા હડધૂત કરવા લાગેલ ગ્રામ પંચાયતની ઓફિસ પણ કબજે કરી લેતાં અંતે કંટાળી સ્યુસાઈડનોટ લખી આત્મહત્યાનો પ્રયાસ કરતાં જૂનાગઢ હોસ્પિટલમાં ખસેડવ્માં આવેલ છે. પોલીસે તપાસ હાથ ધરી છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer