જામનગરના ગુજસીટોક કેસમાં પકડાયેલા એક આરોપીના વધુ 3 દિવસ રિમાન્ડ મંજૂર: બે જેલ હવાલે

જામનગર,  તા.26 (ફૂલછાબ ન્યુઝ): કુખ્યાત ભૂમાફિયા જયેશ પટેલને ઝેર કરવા માટે રાજય સરકાર દ્વારા આઈજીપી સંદીપસિંઘની અને પોલીસ વડા તરીકે દીપેન ભદ્રનની નિમણૂક બાદ જયેશ પટેલ સામે સકંજો કસવા માટે નવા ગુજસીટોક કાયદાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને તે કાયદા હેઠળ 14 આરોપીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો હતો.
આઠ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી અને 3 આરોપીઓઁને નવ દિવસના રિમાન્ડ પર જ્યારે અન્ય આરોપીઓને 14 દિવસના રિમાન્ડ પર લેવામાં આવ્યા હતા. તેમાંથી ત્રણ દિવસના રિમાન્ડ પર રહેલા ત્રણ આરોપી મુકેશ વલ્લભભાઈ અભંગીને આજે વધુ સાત દિવસના રિમાન્ડની માગણી સાથે રાજકોટની સ્પેશિયલ ગુજસીટોક ડેઝીગ્નેટેડ કોર્ટમાં રજૂ કરાયો હતે. સરકાર પક્ષ તેમજ આરોપીના પક્ષ બન્ને વચ્ચેની દલીલોના અંત અદાલતે ત્રણ દિવસના વધારાના રિમાન્ડ મંજૂર કર્યા છે. બચાવ પક્ષ દ્વારા એવી રજૂઆત કરવામાં આવી હતી કે ગુજસીટોક કાયદા જોગવાઈ અનુસાર ઓર્ગેનાઈઝડ ક્રાઈમ ગેંગના સભ્ય તરીકે 10 વર્ષમાં એક ગુનો દાખલ થયો હોવો જોઈએ અને અદાલત દ્વારા કાર્યવાહી થવી હોવી જોઈએ. પરંતુ આરોપી મુકેશ અભંગી સામે એકપણ કેસ થયો નથી. તેની અટકાયત મૂળભૂત રીતે ગેરકાયદે છે. પરંતુ તે દલીલો અદાલતે માન્ય રાખી નહોતી અને ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
આ પ્રકરણમાં સરકારી સ્પેશિયલ પ્રોસિકયુટર દ્વારા એવી અરજી પણ કરવામાં આવી હતી કે ગુજસીટોકના કાયદા હેઠળ આરોપીઓ વિરૂધ્ધ જે સાહેદો માહિતગાર હોય તેઓ આરોપીઓના ડરના કારણે તપાસનીશ અમલદાર રૂબરૂ આવીને વિગતો આપતા નથી  અથવા તો નિવેદનો આપતા  ડરે છે.
આવા સાહેદોને રક્ષણ માટે તેમના નામ જાહેર થાય નહીં તે માટે સ્પેશિયલ અદાલત પાસે જોગવાઈ મુજબ જાહેર હુકમ કરે તો નામ જાહેર કરી શકાય નહીં અને આ બાબતે મીડિયાનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. આ અરજીના અનુસંધાને સ્પેશિયલ અદાલતે કોઈપણ વ્યકિત-સાહેદના પ્રત્યક્ષ પરોક્ષ રીતે નામ જાહેર કરવા નહીં અને સાહેદની ઓળખ ન થાય તે માટે કોઈપણ નિવેદન આપનારના નામો જાહેર નહીં કરવાનો હુકમ ફરમાવ્યો હતો.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer