કોરોનાથી ખતમ થયો ફ્લૂ ?

કોરોનાથી ખતમ થયો ફ્લૂ ?
ફ્લૂના કેસમાં થયો 98 ટકાનો ઘટાડો: ડબલ્યુએચઓના ડેટામાં થઈ પુષ્ટિ
લંડન, તા. 26 : કોરોના વાયરસ મહામારીથી દુનિયાભરમાં અત્યારસુધીમાં લાખો લોકો જીવ ગુમાવી ચૂક્યા છે અને કરોડો લોકો સંક્રમિત થયા છે. કોરોના વાયરસ મહામારીના ખાત્મા માટે વિશ્વભરમાં રસી બનાવવા ઉપર ઝડપથી કામ ચાલી રહ્યું છે. કોરોના વાયરસ મહાસંકટ વચ્ચે હવે દુનિયામાંથી ફ્લૂ નામની બીમારી તો એક રીતે લાપત્તા જ થઈ છે. ડબલ્યુએચઓના ડેટામાં ફ્લૂ ગાયબ થયો હોવાની પુષ્ટિ પણ થઈ છે.
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના રિપોર્ટના હવાલાથી પ્રકાશિત એક અહેવાલ મુજબ ઓસ્ટ્રેલિયામાં ગયા એપ્રિલ મહિનામાં ફ્લૂના માત્ર 14 મામલા સામે આવ્યા હતા જ્યારે 2019ના સમાન સમય ગાળામાં ફ્લૂના 367 મામલા સામે આવ્યા હતા. આ રીતે ફ્લૂમાં 96 ટકાનો ઘટાડો આવ્યો છે. આ દરમિયાન લેટિન અમેરિકી દેશ ચિલીમાં એપ્રિલથી લઈને ઓક્ટોબર વચ્ચે માત્ર 12 મામલા સામે આવ્યા છે જ્યારે વર્ષ 2019મા ચિલીમાં ફ્લૂના સંક્રમણના 7000 મામલા સામે આવ્યા હતા. દક્ષિણ આફ્રિકામાં ફ્લૂના મોસમમાં માત્ર બે જ કેસ સામે આવ્યા હતા.  બ્રિટનમાં ફ્લૂની ઋતુ હજી શરૂ થઈ છે પણ કોરોના વાયરસના માર્ચ મહિનામાં ફેલાવાની શરૂઆતથી બાદ 767 કેસ સામે આવ્યા છે જ્યારે ગયા વર્ષે માર્ચથી ઓક્ટોબર વચ્ચે 7 હજાર કેસ સામે આવ્યા હતા. જે ચાલુ વર્ષે માત્ર 0.7 ટકા છે. વિશ્વભરમાં અનુમાન છે કે ફ્લૂના મામલામાં 98 ટકા સુધીની કમી આવી શકે છે.
-------------
ભારતમાં સાત માસે 500થી ઓછાં મૃત્યુ
નવી દિલ્હી, તા. 26 : ભારતમાં ‘ધીમાં ઝેર’ જેમ ફેલાઈ રહેલાં કોરોના સંક્રમણથી ઉચાટ વચ્ચે આશ્વાસનરૂપ સમાચારમાં સોમવારે સાત મહિના પછી દૈનિક પ00થી ઓછાં મોત થયાં હતાં, તો ત્રણ મહિના પછી સૌથી ઓછા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં ત્રણ માસ બાદ પ0 હજારથી ઓછા 45,159 કેસ સામે આવતાં દેશમાં સંક્રમિતોની કુલ સંખ્યા 79 લાખને આંબી, 79,09,960 પર પહોંચી છે.
બીજી તરફ સાત માસ બાદ સોમવારે પ00થી ઓછા એટલે કે 480 મોત થતાં મરણાંક 1,19,014 થઈ ગયો છે. દેશમાં કોરોનાથી થતાં મૃત્યુનો દર ઘટીને 1.50 ટકા થઈ ગયા છે. જે 22મી માર્ચ પછી સૌથી ઓછો છે.
-----------
ઓકસફર્ડની રસીની વડીલ લોકો પર પણ સારી અસર
નવી દિલ્હી, તા. 26 : ઓકસફર્ડ-એસ્ટ્રા જેન્કાની રસીને મોટી સફળતા મળી છે. વડીલ વયના લોકો પર પણ તેની સારી અસર સાબિત થઇ છે. આ કંપનીની રસી કોરાના સામે વડીલોમાં પણ પ્રભાવશાળી રોગ પ્રતિકારક શક્તિ ઊભી કરવામાં સફળ થઇ છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer