કાશ્મીર ભાજપ કાર્યકરોનું પ્રદર્શન: PDP કાર્યાલય ઉપર ત્રિરંગો ફરકાવ્યો

કાશ્મીર ભાજપ કાર્યકરોનું પ્રદર્શન: PDP કાર્યાલય ઉપર ત્રિરંગો ફરકાવ્યો
મહેબૂબા મુફ્તીનાં નિવેદન ઉપર લાલ ચોકમાં પણ પ્રદર્શન
નવી દિલ્હી, તા. 26: જમ્મુ કાશ્મીરમાં પીડીપી પ્રમુખ મહેબૂબા મુફ્તીના ત્રિરંગા વિરોધ નિવેદન ઉપર ભાજપના કાર્યકરો ભડકી ગયા છે. નિવેદન સામે તેઓએ સોમવારે પ્રદેશમાં અલગ અલગ સ્થળોએ પ્રદર્શન કર્યાં હતાં. શ્રીનગરમાં ભાજપ કાર્યકર્તા લાલ ચોકના ક્લોક ટાવર ઉપર ત્રિરંગો ફરકાવવા માટે આગળ વધી રહ્યા હતા. આ દરમિયાન હાજર સુરક્ષા કર્મચારીઓએ ભાજપના ત્રણ કાર્યકરની ધરપકડ કરી લીધી હતી. કાર્યકર્તાઓએ કહ્યું હતું કે, તે લોકો કાશ્મીરના ભારતમાં વિલયની તારીખે ઉજવણી કરવા જઈ રહ્યા હતા.
કાર્યકરો દ્વારા એમ પણ કહેવામાં આવ્યું હતું કે, તેઓ સંદેશ આપવા માગતા હતા કે કાશ્મીરમાં માત્ર ત્રિરંગો જ ફરકશે જ્યારે જમ્મુમાં પીડીપી સામે પ્રદર્શનમાં ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં ત્રિરંગો લઈને પહોંચ્યા હતા. મહેબૂબા મુફ્તીનાં નિવેદન ઉપર ઉગ્ર ભાજપ કાર્યકરોએ જમ્મુમાં પીડીપી કાર્યલાય ઉપર ત્રિરંગો ફરકાવીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો પ્રદર્શનમાં પહોંચ્યા હતા તેમજ જોરદાર નારેબાજી પણ કરી હતી.
-----------
મહેબૂબાના નિવેદનથી નારાજ 3 પીડીપી નેતાના રાજીનામા
શ્રીનગર, તા. 26 : જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને પીડીપી પ્રમુખ મહેબુબા મુફ્તીની ત્રિરંગા ઉપર ટિપ્પજ્ઞીને લઈને તેમની જ પાર્ટીના નેતાઓની નારાજગી  સામે આવી છે. મહેબૂબાના નિવેદનથી નારાજ જમ્મુ ક્ષેત્રના ત્રણ નેતાઓએ પીડીપીમાંથી રાજીનામું આપી દીધું છે. જ્યારે નેશનલ કોન્ફ્રેન્સે મહેબુબા મુફ્તીના નિવેદનથી પોતાને અલગ કરી દીધી છે.
મહેબૂબાના નિવેદનથી નારાજ જમ્મુ ક્ષેત્રના નેતા વેદ મહાજન, ટીએસ બાજવા અને હુસૈન અલી વફાએ રાજીનામું આપ્યું છે. આ ત્રણે નેતાઓએ ત્રિરંગા ઉપર ટિપ્પણી અંગે નારાજગી વ્યક્ત કરી હતી. બીજી તરફ નેશનલ કોન્ફ્રેન્સે ટીકા કરી હતી. પક્ષના સીનિયર નેતા દેવેન્દ્ર સિંહ રાણાએ કહ્યું હતું કે, પક્ષના નેતાઓ માટે રાષ્ટ્રની એકતા અને સંપ્રભુતા સર્વોપરિ છે. રાષ્ટ્રની સંપ્રભુતા અને એકતા સાથે કોઈપણ સમજૂતિ કરવામાં આવશે નહી.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer