શું છે ચીનનો મનસૂબો ?

શું છે ચીનનો મનસૂબો ?
-માત્ર પૂર્વી લદ્દાખ જ નહીં પણ સમગ્ર કઅઈ  ઉપર સૈન્ય જમાવડો: તિબેટનાં ચીનીકરણના કારસાની ગંધ
 
નવીદિલ્હી, તા.26: પૂર્વ લદ્દાખમાં એપ્રિલ માસથી ભારત-ચીન વચ્ચે ચાલતા સીમા વિવાદનો હજી પણ કોઈ અંત દેખાતો નથી અને આ તનાવપૂર્ણ માહોલમાં હવે સામે આવેલી નવી વિગતો અનુસાર ચીન માત્ર લદ્દાખમાં જ નહીં બલકે સમગ્ર વાસ્તવિક નિયંત્રણ રેખા(એલએસી)ના અન્ય હિસ્સાઓનું પણ ઝડપભેર સૈન્યીકરણ કરી રહ્યું છે. જે ચીનના મનસૂબા ઉપર શંકા ઉપજાવનારો ઘટનાક્રમ છે.
પીપલ્સ લિબરેશન આર્મી (પીએલએ)ના વેસ્ટર્ન થિએટર કમાન્ડ હેઠળ આવતી એલએસી ઉપર ચીને પહેલાની તુલનામાં સૈન્ય માળખું વધાર્યું છે. માળખાનાં નવિનીકરણ અને વધારવામાં આવેલી તૈનાતીથી ભારતીય અધિકારીઓને સંદેહ થવા લાગ્યો છે કે, રાષ્ટ્રપતિ શી ઝિનપિંગનાં તિબેટનાં ચીનીકરણ કરવાના પ્રયાસોના ભાગરૂપે આ તૈયારીઓ ચાલી રહી છે.
એક શીર્ષ રણનીતિકારના જણાવ્યા અનુસાર આપણે આશા રાખતા હતા કે ચીન ફક્ત એ સ્થાને જ તૈનાતી કરશે અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધારશે જ્યાં બન્ને દેશ આમને - સામનેની સ્થિતિમાં છે. જો કે વાસ્તવમાં આવું નથી.
તાજેતરની તિબેટ વિસ્તારની કેટલીક સેટેલાઇટ તસવીરોના હવાલેથી સંરક્ષણ નિષ્ણાતો કહે છે કે, લ્હાસાનાં ગોંગગર એરબેઝ ઉપર ફાઇટર જેટ માટે આશ્રયો, કિન્ઝાઈ પ્રાંતના ગોલમુદમાં મોટાપાયે સંગ્રહની સુવિધા, ઝિંજીયાંગ ક્ષેત્રનાં કાંજીવરમાં નવી સડકો પણ દેખાઈ રહી છે. ડેમ્ચોકથી શિકુઆન સુધી 82 કિ.મી. સુધી ડેવલપમેન્ટ અને અધિકૃત અક્સાઈ ચીનના માબ્દો લા કેમ્પમાં પણ આશ્રયોનાં નિર્માણથી ખ્યાલ આવે છે કે જ્યારે આખી દુનિયાની નજર ભારત-ચીન વિવાદ ઉપર કેન્દ્રિત હતી ત્યારે ચીનની કોમ્યુનિસ્ટ સરકાર તિબેટ ઉપર પોતાનો સકંજો કસવાની તૈયારી કરી રહ્યું હતું.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer