રાજ્યમાં ડિસેમ્બરમાં શાળાઓ શરૂ કરાશે

રાજ્યમાં ડિસેમ્બરમાં શાળાઓ શરૂ કરાશે
પહેલા ધો.9 થી 12 બાદમાં અન્ય વર્ગો માટે વિચારવા શિક્ષણમંત્રીએ આપ્યો સંકેત
 
(ફૂલછાબ ન્યુઝ)
અમદાવાદ, તા. 26: કોરોનાને કારણે બંધ રાખેલી શાળાઓ આગામી ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં શરૂ કરવાની સંભાવના છે. શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રાસિંહે એવો સંકેત આપ્યો છે કે, પહેલા 9થી 12 સુધીના ધોરણો શરૂ કરવામાં આવશે ત્યાર બાદ અન્ય વર્ગ બાબતે વિચારણા કરાશે. શાળાઓ શરૂ કરવા અંગે શિક્ષણ વિભાગ, આરોગ્ય વિભાગના અધિકારીઓએ ચર્ચા કરી છે. આરોગ્ય વિભાગ-શિક્ષણ વિભાગ, શિક્ષણવિદ અને વાલીઓ સાથે જરૂરી વિચાર વિમર્શ કરવામાં આવ્યો છે. શાળાઓ શરૂ કર્યા બાદ વિદ્યાર્થીઓના હિતમાં કેટલાક દિશા નિર્દેશ કરવામાં આવશે.
રાજ્યના શિક્ષણ વિભાગે તમામ જિલ્લાઓના જિલ્લા શિક્ષણ અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી છે. જે માટે ડીઇઓ દ્વારા શાળા સંચાલકો, વાલીઓ અને શિક્ષણવિદો પાસે અભિપ્રાય માગ્યા છે. જેનો રિપોર્ટ શિક્ષણ વિભાગમાં સુપ્રત કરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોનાનું સંક્રમણ જ્યારથી વધ્યું ત્યારથી શૈક્ષણિક સંસ્થાઓમાં શિક્ષણ કાર્ય બંધ છે અને હજુ પણ ક્યારે શરૂ થશે તે કહેવું મુશ્કેલ છે. પણ શાળાઓમાં શિક્ષણ કાર્ય શરૂ કરવા હવે ગતિવિધિઓ તેજ થઈ ગઈ છે. જે માટે શિક્ષણ વિભાગ એ તમામ ડીઇઓને જવાબદારી સોંપી છે.
આ મુદ્દે ડીઇઓએ શાળાના સંચાલકોના આગેવાનો વાલીઓ સાથે મીટીંગ કરી હતી અને ક્યારે શાળાઓ ખોલી શકાય? પહેલા ક્યાં ધોરણના બાળકોને શાળાએ બોલાવી શકાય ? અને અગત્યના વિષયોના કલાસ ગોઠવવા, ક્લાસમાં કેટલા વિદ્યાર્થીઓને બેસાડવા, આ તમામ મુદ્દે શાળા સંચાલક, વાલીઓ પાસેથી ડીઇઓએ અભિપ્રાય લીધા છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer