ગુજરાતમાં મગફળીની 8 લાખ ગુણીની ઐતિહાસિક આવક

ગુજરાતમાં મગફળીની 8 લાખ ગુણીની ઐતિહાસિક આવક
(ફૂલછાબ ન્યૂઝ)
રાજકોટ, તા.26 : મગફળીની આવકે ગુજરાતમાં નવો વિક્રમ સર્જ્યો છે. ગુજરાતભરમાં સોમવારે આશરે સાડા સાતથી આઠ લાખ ગુણીની રેકોર્ડબ્રેક આવક થઇ હતી. એક તરફ સરકારી ખરીદીનો આરંભ થયો અને બીજી તરફ માર્કેટ યાર્ડોમાં ઐતિહાસિક આવક થતા સૌ આશ્ચર્યમાં મૂકાઇ ગયા હતા. ખેડૂતો મગફળી સાચવીને રાખવા ન માગતા હોય તેમ ઘડાધડ વેંચી રહ્યા હોવાથી નાનામાં નાના સેન્ટરમાં પણ ક્યારેય ન થઇ હોય એટલી આવક થઇ છે. જોકે ખેડૂત વેચવાલી આ પ્રકારે રહી તો પાકમાંથી ઘણો માલ બજારમાં તત્કાળ આવી જશે
મગફળીની તીવ્ર વેચવાલીના એક નહીં અનેક કારણ છે. ઉંચા ભાવ ઉપરાંત અતિવૃષ્ટિ અને પછી પાછોતરા વરસાદથી મગફળીને વ્યાપક નુક્સાન થયું છે. અસરગ્રસ્ત મગફળી સાચવી રાખવાથી બગાડનું જોખમ છે એ કારણે વેચી રહ્યા છે. વળી, આ વખતે કપાસ મોડો છે. તલ, મગ અને અડદ જેવા પાકો નાશ પામ્યા છે એટલે ખેડૂતોની આર્થિક સંકડામણ દૂર કરવા મગફળી વેંચવાનો વિકલ્પ છે.
ગયા મહિને ગોંડલમાં એક લાખ ગુણી પ્રથમ વખત આવી ત્યારે એમ લાગતું હતુ કે હવે આવી આવક ચાલુ સીઝનમાં નહીં થાય. પરંતુ ખેડૂતોએ ગઇકાલે પોણા બે લાખ ગુણી ઠાલવી દીધી. રાજકોટમાં ય સવા ગુણી આવી ગઇ. આમ મોટાં યાર્ડોમાં સામાન્ય કરતા ત્રણ ગણી આવક થઇ ગઇ છે. નાના સેન્ટરોમાં ય ક્ષમતા કરતા વધારે આવક થઇ છે. આવકોનો અતિરેક એ બતાવે છેકે ખેડૂતોને મગફળી રાખવામાં ઓછો રસ છે.
રાજકોટ અને ગોંડલ યાર્ડ મોટાં છે એટલે ત્યાં જંગી આવક થાય છે. પરંતુ સોમવારે નાના સેન્ટરોમાં પણ ઉડીને આંખે વળગે તેવી આવક હતી. જામજોધપુરમાં લગભગ 16 હજાર ગુણી, જેતપુરમાં 3, અમરેલીમાં 5, કાલાવડમાં 7, વાંકાનેરમાં 6, હળવદમાં 12 અને બોટાદમાં 13 હજાર ગુણી આવક થઇ હતી. મહુવામાં 39 હજાર ગુણી અને જામનગરમાં 35 હજાર ગુણીની ચિક્કાર આવક હતી. સૌરાષ્ટ્રના માર્કેટ યાર્ડો જાણે મગફળીથી  ઉભરાઇ રહ્યા હોય તેવી સ્થિતિ છે.
ગુજરાતમાં પણ ડિસા ખાતે એક લાખગુણી, પાથાવાડામાં 40 અને હિંમતનગર જેવા સેન્ટરમાં 20 હજાર ગુણી આવી હતી.
જોકે જંગી આવક વચ્ચે માઠી હાલત મગફળીના ખરીદ કેન્દ્રો ઉપર થઇ છે. ત્યાં સોમવારે કાગડાં ઉડતા હતા. ખરીદ કેન્દ્રો ઉપર ખેડૂતોને બોલાવાયા હતા તેના કરતા ફક્ત 20-30 ટકા ખેડૂતો જ આવ્યા હતા. સરકારી કેન્દ્રો ઉપર ખેડૂતો ન જવાનું કારણ ખૂલ્લા બજારમાં રોકડાં નાણાં અને ઉંચો ભાવ મળવાનું છે. આમ જ ચાલ્યું તો સરકારને 13 લાખ ટનના ટારગેટ સામે 6 લાખ ટન જેટલો જથ્થો પણ માંડ માંડ મળશે. એ ખેડૂતો અને વેપારીઓ માટે પણ સારી બાબત છે.
ખેડૂતોને ગયા વર્ષમાં ન હતો મળ્યો એટલો ભાવ અત્યારથી મળવા લાગ્યો છે એમ એક અભ્યાસુ ખેડૂત કહે છે. પાછલા વર્ષે રૂ. 700-800 માં મગફળી વેંચતા હતા તેના અત્યારે રૂ. 900-1150 સુધીના ભાવ ઉપજી રહ્યા છે. જામનગરમાં તો અમુક જથ્થો રુ. 1465માં વેચાયો હતો. જ્યારે મહુવામાં રુ. 1250 સુધીનો ઉંચો ભાવ થયો હતો.
સરેરાશ ખેડૂતોને રૂ. 1000-1100 સુધીનો ભાવ મળે છે એટલે સરકારી કેન્દ્રો પર વેંચવામા  કોઇને રસ નથી. સરકારનો રૂ. 1055નો ભાવ છે. વળી એમાં વેંચવા માટે અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. વેંચ્યા પછી પેમેન્ટ મળવાના વાંધા છે. દિવસો સુધી પૈસા મળતા નથી.
વરસાદથી અસરગ્રસ્ત મગફળી વેંચવા જતા ખેડૂતોને કાઉન્ટમાં સમસ્યા થાય છે એટલે પણ સરકારી ઓટલે જવામાં બહુ ઓછાં ખેડૂતોને રસ છે, સૌને યાર્ડનો ઉંબરો વધારે પસંદ છે.
-----------
જામનગર યાર્ડમાં રેકોર્ડબ્રેક 35 હજાર ગુણી આવી
જામનગર,તા. 26 : જામનગરના હાપા મારકેટ યાર્ડમાં ગઇરાત્રે 12 વાગ્યાથી આજે સવારે 5 વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન ખેડૂતોને પોતાની મગફળીનો જથ્થો લઇ આવવા માટેની જાણકારી અપાઈ હતી. તે દરમિયાન રેકોર્ડબ્રેક કહી શકાય તેટલા 225 વાહનોમાં મગફળીની 35,000 ગુણીની આવક થઇ છે. મગફળીનો ભાવ 850 રૂપિયાથી 1465નો બોલાયો હતો. તે પણ એક રેકોર્ડ છે. હવે પાંચ દિવસ આવક બંધ કરાઈ છે. આજે સવારે 10 વાગ્યાથી હાપા માર્કેટીંગ યાર્ડમાં ઓપન બજારમાં હરાજીની પ્રક્રિયાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો અને 20 કિલો (એક મણ) મગફળીનો ભાવ 850થી રેકોર્ડ કહી શકાય એટલો 1,465નો ભાવ બોલાયો હતો. જેથી ખેડૂતો ખુશખુશાલ થયા છે. મગફળી સારી હોવાથી 1465 જેટલો ભાવ મળતો હોવાના કારણે ખેડૂતોએ ટેકાના ભાવે મગફળીના વેંચાણ પ્રક્રિયામાં નિરસતા દાખવી છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer