ગુજરાતમાં 110 દી’ પછી કોરોનાના 908 કેસ નોંધાયા

ગુજરાતમાં 110 દી’ પછી કોરોનાના 908 કેસ નોંધાયા
- અમદાવાદમાં 2, સુરત-રાજકોટમાં 1-1 કોવિડ મૃત્યુ જાહેર
- 1102 દર્દી સાજા થતા રીકવરી રેઇટ 89.63% : 13738 એક્ટિવ કેસ
 
અમદાવાદ, તા. 26 : ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોના પોઝિટિવના કેસ અને ડિસ્ચાર્જ દર્દીઓના આંકડા ડ્રો સીસ્ટમથી મુકવામાં આવતા હોય તેવું આભાસી ચિત્ર ઉપજાવવામાં આવી રહ્યું છે. છેલ્લા 110 દિવસ પછી ગુજરાતમાં નવા 908 કેસ નોંધાવા પામ્યા છે. જેને લઇને ગુજરાતમાં કોરોના કેસનો આંક વધીને 1.68 લાખ ઉપર 1,68,081 થયો છે. વિતેલા 24 કલાકમાં 4 કોરોના દર્દીના મૃત્યુ નોંધાતા કુલ મૃત્યુનો આંક 3693 પર પહોંચ્યો છે. બીજી બાજુ સારી વાત એ છે કે આજે 1102 દર્દીઓ કોરોનાને મહાત આપવામાં સફળ થતા કોરોનાથી સાજા થયેલા દર્દીનો આંક 1,50,650 થયો છે. આમ ગુજરાતમાં કોરોનાથી રીકવર થયેલા દર્દીની ટકાવારી 89.63% થવા પામી છે.
ગુજરાતમાં ડાંગ સિવાયનાં 32 જિલ્લામાં થઇને નોંધાયેલા 908 કોરોના પોઝિટિવ કેસમાં સુરતમાં 228, અમદાવાદમાં 173, વડોદરામાં 111, રાજકોટમાં 68, જામનગરમાં 28, ગાંધીનગરમાં 16, સુરેન્દ્રનગરમાં 22, ભરૂચમાં 20 તેમજ અન્ય જિલ્લાઓમાં 20થી ઓછા કેસનો સમાવેશ થાય છે.
જ્યારે અમદાવાદમાં 2, સુરત અને રાજકોટમાં 1-1 મૃત્યુ નોંધાયું છે. ગુજરાતમાં હાલ 13738 એક્ટિવ કેસ છે તેમાંથી 61 વેન્ટિલેટર પર છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer