આજે ભારત-અમેરિકા વચ્ચે મહત્ત્વના કરારો થશે

આજે ભારત-અમેરિકા વચ્ચે મહત્ત્વના કરારો થશે
- અમેરિકામાં ચૂંટણી પહેલાં ભારત સાથે કરશે રક્ષા કરારો:
2+2 વાર્તા માટે ભારત પહોંચ્યા અમેરિકી રક્ષામંત્રી અને વિદેશ મંત્રી : રાજનાથ સિંહ સાથે કરી બેઠક
 
નવી દિલ્હી, તા. 26: અમેરિકામાં ત્રણ નવેમ્બરના રોજ રાષ્ટ્રપતિ ચૂંટણી પહેલા ભારત અને અમેરિકા વચ્ચે રક્ષા ક્ષેત્રમાં ઘણી મહત્ત્વની સમજૂતી થઈ શકે છે. આ માટે અમેરિકી રક્ષામંત્રી માઇક એસ્પર અને વિદેશ મંત્રી માઇક પોમ્પિયો સોમવારે બપોરે ભારત પહોંચી ગયા હતા. તેમજ રક્ષામંત્રી રાજનાથ સિંહ અને અમેરિકી સમકક્ષ વચ્ચે એક બેઠક પણ થઈ હતી. જેમાં આવતીકાલે મંગળવારે બેસિક એક્સચેન્ઝ એન્ડ કોઓપરેશન એગ્રીમેન્ટ (બીઈસીએ) ઉપર હસ્તાક્ષરની  સહમતિ વ્યક્ત કરી હતી. અમેરિકી રાષ્ટ્રપતિ ચૂંટણી પહેલા બન્ને મંત્રીઓની દક્ષિણ એશિયન દેશોની આ યાત્રા મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. બન્ને દેશો વચ્ચે 27 ઓક્ટોબરના 2+2 વાર્તા દરમિયાન સમજૂતીઓનું એલાન થવાની સંભાવના છે. આ વાતચીત એવા સમયે થઈ રહી છે જ્યારે ભારત અને ચીન વચ્ચે લદ્દાખમાં સૈન્ય ગતિરોધ ચાલી રહ્યો છે.
વાર્તા પહેલા અમેરિકી વિદેશ વિભાગે કહ્યું હતું કે, અગ્રણી ક્ષેત્રીય શક્તિ અને વૈશ્વિક શક્તિ તરીકે ઉભરી રહેલા ભારતનું સ્વાગત કરે છે.  અમેરિકા સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ભારતના આગળના કાર્યકાળ દરમિયાન પ્રગાઢ સહયોગને લઈને આશ્વસ્ત છે. વિભાગે કહ્યું હતું કે, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસનના શીર્ષ અધિકારી વડાપ્રધાન નરેન્દ્ર મોદી,  સરકારના અન્ય શીર્ષ નેતાઓ અને કારોબારી સહયોગીઓને પણ મળશે. વાર્તા દરમિયાન અમેરિકા-ભારત વૈશ્વિક રણનીતિ ભાગીદારીને આગળ વધારવામાં આવશે. આ દરમિયાન સૈન્ય ટેક્નોલોજી અને હથિયારોના સંયુક્ત ઉત્પાદન અને વિકાસના પણ સંકેત આપ્યા હતા.
આ ભારત અને અમેરિકા વચ્ચે 2+2 સ્તરની ત્રીજા તબક્કાની વાતચીત છે. જેમાં બન્ને દેશના વિદેશ મંત્રી અને રક્ષામંત્રી વચ્ચે રણનીતિક મુદ્દે વાતચીત થાય છે. અમેરિકી વિદેશમંત્રી માઇક પોમ્પિયો અને રક્ષા મંત્રી માર્કટી એસ્પર બેઠકમાં ભાગ લેવા માટે ભારત આવી પહોંચ્યા છે. ભારત તરફથી બેઠકનું પ્રતિનિધિત્વ રક્ષામંત્રી રાજનાથ સિંહ અને વિદેશ મંત્રી એસ જયશંકર કરવાના છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer