જાહેરસભા બાદ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પર ચપ્પલ ફેંકાયું

જાહેરસભા બાદ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પર ચપ્પલ ફેંકાયું
કરજણના કુરાલી ગામે ઘટનાથી ચકચાર, ચપ્પલ ફેંકનાર ઈસમની શોધખોળ
વડોદરા, તા. 26 (ફૂલછાબ ન્યુઝ): વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના કુરાલી ગામે જાહેર સભા પુરી થયા બાદ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પત્રકારો સાથે વાતચીત કરતા હતા ત્યારે તેમના પર ચપ્પલ ફેંકાતા ચકચાર મચી છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. કરજણ તાલુકાના કુરાલી ગામે આજે મોડી સાંજે કરજણ પેટા ચૂંટણીના પ્રચાર બાદ ગુજરાતના નાયબ    મુખ્યમંત્રી નીતિન પટેલ પત્રકારો સાથે વાતચીત કરતા હતા. દરમિયાન કોઈએ તેમની સામે ચપ્પલ ફેંકતા રાજકીય મોરચે આ ચર્ચાનો વિષય બન્યો હતો. ચપ્પલ ફેંકાયું છતાં નાયબ મુખ્યમંત્રીએ પોતાનું નિવેદન ચાલુ રાખ્યું હતું.
આ બનાવ પોલીસની હાજરીમાં બન્યો હતો. તેમ છતાં ચપ્પલ ફેંકનાર ઈસમ ફરાર થઈ ગયો હતો. આ યુવકની પોલીસે શોધખોળ હાથ ધરી છે.
કરજણના ભાજપ પ્રવક્તા હર્ષદભાઈ પરમારે કહ્યું છે કે આવું પ્રકરણ બન્યું નથી. બીજી બાજુ બરોડાની ઉચ્ચ પોલીસ ચપ્પલ ફેંકનારને શોધી રહી છે. દરમિયાન નાયબ મુખ્યમંત્રી પર ફેંકાયેલા જુતાની ઘટનાને કોંગ્રેસે સખત શબ્દોમાં વખોડી કાઢી છે. કોંગ્રેસના આગેવાનો કહે છે કે લોકશાહીમાં પોતાનો રોષ વ્યકત કરવાની આ પધ્ધતિ બિલકુલ વાજબી નથી. પરંતુ ભાજપના નેતાઓ કોંગ્રેસ પર કેમ દોષનો ટોપલો ઢોળે છે તે સમજાતું નથી. નીતિનભાઈ જાહેર જીવનના સંન્નિષ્ઠ રાજપુરુષ છે. તેઓ કોંગ્રેસની સભામાં આવ્યા ન હતા. જે જગ્યાએ સભા યોજાઈ હતી તે સભા, મંડપ, નેતાઓ અને આગેવાનો ભાજપના હતા. તો ત્યાં કોંગ્રેસના આગેવાનો શું કામે જાય ?
-----------
ભાજપની સભામાં કોંગ્રેસી ઘુસ્યા કે ભાજપી આગેવાનનું કારસ્તાન ?
આ ઘટના બાદ વિવિધ અટકળો લગાવવામાં આવી રહી છે, કે ભાજપની સભામાં કોઈ કોંગ્રેસી ઘુસ્યા કે ભાજપના જ કોઈ અસંતુષ્ટ આગેવાનનું આ કારસ્તાન છે ? ભાજપના અક્ષય પટેલના સમર્થનમાં યોજાયેલી સભામાં નાયબ મુખ્યમંત્રી ગયા હતા. તેમના પર ચપ્પલ ફેંકાયું પણ તેમને વાગ્યું ન હતું. બનાવના પગલે નાયબ મુખ્યમંત્રીની સુરક્ષા વધારી દેવાઈ છે. ચપ્પલ ફેંકનારની હજુ સુધી ઓળખ થઈ નથી.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer