દેશના તમામ નાગરિકોને મફત મળશે કોરોના રસી

દેશના તમામ નાગરિકોને મફત મળશે કોરોના રસી
કેન્દ્રીય મંત્રી પ્રતાપ સારંગીએ
એક સભા બાદ કર્યું એલાન
ભુવનેશ્વર, તા. 26 : કેન્દ્રીય મંત્રી પ્રતાપ સારંગીના કહેવા પ્રમાણે દેશના તમામ નાગરિકોને કોરોનાની રસી નિ:શુલ્ક ઉપલબ્ધ કરાવવામાં આવશે. પ્રતાપ સારંગી બાલાસોરમાં એક ચૂંટણી સભા બાદ પત્રકારો સાથે વાતચીત કરી રહ્યા હતા. તેમણે કહ્યું હતું કે, કેન્દ્ર સરકાર તમામ નાગરિકોને કોરોના વાયરસની રસી મફત આપશે.
ભાજપ દ્વારા બિહારના લોકોને કોરોના વાયરસની રસી નિ:શુલ્ક આપવાની ઘોષણા બાદ વિપક્ષી દળો દ્વારા સત્તારૂઢ  એનડીએ ઉપર મહામારીના રાજનીતિક લાભનો ઉપયોગ કરવાનો આરોપ મુકવામાં આવ્યો હતો. કારણ કે બિહારમાં વર્તમાન સમયમાં ચૂંટણી પ્રચાર ચાલી રહ્યો છે. બાલાસોરમાં ત્રણ નવેમ્બરના રોજ થવા જઈ રહેલી પેટાચૂંટણી માટે એક સભાને સંબોધિત કર્યા બાદ સારંગીએ નિવેદન આપ્યું હતું. આ અગાઉ ઓરિસ્સા સરકારમાં મંત્રી આરપી સ્વૈને કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન અને સારંગી ઉપ્ર પ્રહાર કરતા કોરોના રસી નિ:શુલ્ક ઉપલબ્ધ કરાવવા અંગે જવાબ માગ્યો હતો.
-----------
ડિજિટલ પ્રણાલી મારફતે દરેક ભારતીયને મળશે કોરોના રસી
- પીએમ મોદીના આદેશને ધ્યાને લઈને તૈયારીઓ શરૂ
નવી દિલ્હી, તા. 26 : ભારતના પ્રત્યેક નાગરીક સુધી કોરોના વાયરસ રસી પહોંચાડવા માટે પીએમ નરેન્દ્ર મોદીના આદેશ ઉપર ડિજિટલ પ્રક્રિયાની તૈયારી કરી લેવામાં આવી છે. હકીકતમાં પીએમ મોદીએ કહ્યું હતું કે, કોરોના વાયરસની રસી આવશે તો તેને પ્રત્યેક ભારતીય સુધી પહોંચાડવા માટે ચૂંટણીના આયોજનની જેમ જ એક સિસ્ટમ બનાવવા ઉપર કામ કરવામાં આવશે.
નીતિ આયોગના સભ્ય વીકે પોલના કહેવા પ્રમાણે તેઓએ રસી માટે એક પ્રણાલી ઉપર કામ શરૂ કરી દીધું છે. જેનાથી ખ્યાલ આવી જશે કે કોને કોરોના રસી મળે છે અને કોને મળી નથી. કેટલા લોકો સુધી કોરોના વાયરસ રસી પહોચીં ચૂકી છે તેની માહિતી મળી રહેશે. વીકે પોલના કહેવા પ્રમાણે ભારતની આબાદીના હિસાબે પુરતો ખ્યાલ રાખવામાં આવશે કે રસી દરેક લોકો સુધી પહોંચી શકે. પહેલા તબક્કામાં ઉચ્ચ જોખમ વર્ગને રસી આપવામાં આવશે. જેમાં સ્વાસ્થ્યકર્મી, પોલીસ કર્મી અને અન્ય ફ્રન્ટલાઈન વર્કર્સ પણ સામેલ છે.
----------------
બ્રિટનમાં નવેમ્બરથી રસી આપવાની તૈયારી
-હોસ્પિટલોને તમામ તૈયારી કરી રાખવા અપાયા નિર્દેશો
નવી દિલ્હી, તા. 26: બ્રિટનમાં હોસ્પિટલોને કોરોના વાયરસ વેક્સિન આપવાની તૈયારીઓ શરૂ કરી દેવાનો નિર્દેશ આપી દેવાયો છે. હોસ્પિટલના સ્ટાફને કહેવામાં આવ્યું છે કે ટૂંક સમયમાં તેઓને ઓક્સફોર્ડ યુનિવર્સિટીની કોરોના વાયરસ વેક્સિનનો પહેલો જથ્થો સોંપી દેવામાં આવશે. વધુમાં નવેમ્બર મહિનાથી શરૂ થઈ રહેલા સપ્તાહથી જ રસી આપવાની તૈયારી શરૂ કરી દેવા કહેવામાં આવ્યું છે.
ઓક્સફોર્ડની કોરોના વાયરસ રસીને મહામારીના ખાત્મા માટે ગેમ ચેન્જર ગણવામાં આવી રહી છે. કોરોના વાયરસથી અત્યાર સુધીમાં 11.50 લાખ લોકો જીવ ગુમાવી ચૂક્યા છે. દુનિયાભરમાં અર્થવ્યવસ્થા કોરોના સંકટનાં કારણે તબાહીના દોરમાં પહોંચી ગઈ છે. માનવામાં આવે છે કે ઓક્સફોર્ડ, ફાઇઝર અને બાયોટેકની કોરોના વાયરસ રસીને પણ ટૂંક સમયમાં મંજૂરી મળી જશે. ઓક્સફોર્ડની કોરોના વાયરસ રસીને અત્રાજેનેકા સાથે મળીને તૈયાર કરવામાં આવી છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer