પૂર્વ બંદર મંત્રી-પૂર્વ કોર્પેરેટર અને ભૂમાફિયા ભૂપત વિરૂધ્ધ જમીન કૌભાંડની ફરિયાદ

પૂર્વ બંદર મંત્રી-પૂર્વ કોર્પેરેટર અને ભૂમાફિયા ભૂપત વિરૂધ્ધ જમીન કૌભાંડની ફરિયાદ
ભૂપત ભરવાડે 7 કરોડ માગ્યાનો આક્ષેપ : પૂર્વ બંદર મંત્રી ઉમેશ રાજ્યગુરુ - પૂર્વ કોર્પેરેટર અમરશી મકવાણાના ફરિયાદમાં નામ
રાજકોટ, તા.ર4 : રાજકીય ઓથ અને પોલીસ સાથેના ઘનીષ્ઠ સંબંધોંના કારણે સામાકાંઠા વિસ્તારના કુખ્યાત ભૂપત ભરવાડે રાજકીય પીઠબળે મોટા મવાની જમીનનો વિવાદ ઉભો કરી રૂ. 7 કરોડની માગણી કર્યાની પોલીસ કમીશનરને ફરિયાદ કરવામાં આવતા આ મામલે ક્રાઈમબ્રાંચ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો.
આ અંગેની વિગત એવી છે કે, મોટા મવામાં ગરબી ચોક પાસે રહેતા મેઘજીભાઈ ભવાનભાઈ ઠુમ્મર નામના ખેડૂતે પૂર્વ બંદર મંત્રી ઉમેશ સત્યવાન રાજ્યગુરુ, બેડીપરામાં રહેતા ભૂપત વિરમભાઈ બાબુતર ઉર્ફે ભૂપત ભરવાડ અને આરટીઓ પાછળ નરસિંહનગરમાં રહેતા પૂર્વ કોર્પોરેટર અમરસી તેજાભાઈ મકવાણા વિરૂધ્ધ મોટા મવાની જમીનમાં વિવાદ ઉભો કરી ભૂપત ભરવાડે રૂ.7 કરોડ માગ્યા સહિતના આક્ષેપો સાથે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલને ફરિયાદ કરી હતી. આ મામલે ક્રાઈમબ્રાંચે તપાસ હાથ ધરી હતી.
આ પ્રકરણ ખેડૂત મેઘજીભાઈ ઠુમ્મરે એવા આક્ષેપો સાથે ફરિયાદ કરી જણાવ્યું હતું. કે તેના પરિવારની મોટા મવા સર્વે નં.પ4/6 માં ર6 એકર ર6 ગુઠા જમીન હતી. જે તે સમયે માપણીમાં ફેરફાર રહી જતા 3 એકર ર6 ગુઠા જમીન શ્રી સરકારની થઈ ગઈ હતી. બાકીની જમીન પિતા ભવાનભાઈ અને કાકાના નામે થઈ ગઈ હતી. બાકીની 3.ર6 ગુઠા જમીન શ્રી સરકાર થઈ જતા આ જમીન પરત મેળવવા કાર્યવાહી કરવા રેવન્યુ રેકડમાં નામ ચડાવવા અને બીજખેતી કરાવવા પૂર્વમંત્રી ઉમેશ રાજ્યગુરુને ર004ની સાલમાં સમજુતી કરાર કરી આપ્યો હતો અને લખાણમાં લેપ્સ ગયેલી જમીન ક્લિયર થયા બાદ જમીનની બજારભાવની કિંમત નક્કી કરીને ઉમેર રાજ્યગુરુને વેચાણ  દસ્તાવેજ કરી આપવાની બે વર્ષની મુદ્દત માટે જ અમલમાં રહે એ મુજબનો કરાર કરી આપ્યો હતો અને ઉમેશ રાજ્યગુરુએ સુથી પેટે 1 લાખ ચેકથી આપ્યા હતા. જો કે ઉમેશ રાજ્યગુરુએ બે વર્ષ દરમિયાન કોઈ કાર્યવાહી નહીં કરતા ર006માં કરાર પુર્ણ થઈ ગયોહતો. ત્યારબાદ ભવાનભાઈએ ર018માં વકીલ મારફત કાર્યવાહી હાથ ધરી હતી.
દરમિયાન ર019માં ઉપરોકત જમીન સંદર્ભે ભૂપત ભરવાડ અને પૂર્વ કોર્પેરેટર અમરસી તેજાભાઈ મકવાણાએ કોર્ટમાં દીવાની દાવો કર્યાની લીગલ નોટીસ મળી હતી. જે અંગે તપાસ કરતા પૂર્વ મંત્રી ઉમેશ રાજ્યગુરુએ તેના કરારની મુદ્દત પુરી થઈ ગયાના 1ર વર્ષ પછી ઉપરોક્ત જમીનનો ર018માં ભૂપત ભરવાડ અને અમરસી મકવાણાને સમજુતી કરાર કરી આપ્યો હતો અને બદલામાં બેડીપરામાં વાંધા પીપરવાળી શેરીમાં અઘાટ હક્કના લેખવાળી જમીનમાં આવેલુ રૂ.11 લાખની કિંમતનું મકાન અને બાકીની રકમ ખરીદનાર તરફથી વેચનારને આપવાનો ઉલ્લેખ હતો. આ કરારના આધારે ભૂપત ભરવાડ અને અમરસી મકવાણાએ કોર્ટમાં દાવો કરી જમીનને ફરી વિવાદમાં નાખી હતી અને દાવો પરત ખેંચવા અને વિવાદ પુરો કરવા માટેથી ભૂપત ભરવાડે 7 કરોડની માગણી કરવામાં આવી હતી. આ મામલે ક્રાઈમબ્રાંચના પીઆઈ.વી.કે ગઢવી તથા સ્ટાફે તપાસ હાથ ધરી ફરિયાદ સહિતના નિવેદનો નેંધવાની અને જમીન પ્રકરણના પુરાવા એકત્રીત કરવાની કાર્યવાહી હાથ ધરી હતી.
 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer