રાજકોટમાં રિકવરી રેઈટ 90%ને પાર

રાજકોટમાં રિકવરી રેઈટ 90%ને પાર
કોરોનાનું સંકોચાતું સંક્રમણ
2.11% કોરોનાગ્રસ્ત દર્દી મૃત્યુ પામ્યા : કુલ 3.20 લાખથી વધુ ટેસ્ટ થયા, 8196 ચેપગ્રસ્ત આવ્યા-7421 સાજા થઈ ગયા : 1800થી વધુ બેડ ખાલી
રાજકોટ, તા.24 : રાજકોટમાં કોરોનાના પ્રતિ દિવસના કોરોનાના કેસની સંખ્યા 100ની આસપાસ સ્થિર થઈ ગઈ છે. જો કે, અનલોક-5માં નવા કેસ આવવામાં આંશિક ઘટાડો થતા અને સાજા થનારની સંખ્યા વધી જતા અત્યારે રાજકોટમાં કોરોનામાંથી સાજા થનારનો દર 90 ટકાને પાર અર્થાત 90.43 ટકા થઈ ગયો છે. જ્યારે અત્યાર સુધીમાં 2.11 ટકા દરદીઓ કોરોનાની સારવાર દરમિયાન મૃત્યુ પામ્યા છે.
રાજકોટ શહેર અને જિલ્લામાં હવે કેસની સંખ્યામાં ઘટાડો આવી રહ્યો છે જે નવા કેસ આવી રહ્યા છે તે વહેલા નિદાન થવાને કારણે વધુ ગંભીર થતા અટકતા હોમ આઈસોલેશનની સંખ્યા વધી છે. જેને પરિણામે હોસ્પિટલમાં ક્રમશ: ખાલી બેડની સંખ્યા વધી રહી છે. શનિવારની સ્થિતિએ રાજકોટમાં 1800થી વધુ બેડ ખાલી છે. બીજી તરફ ઘણા ખાનગી કોવિડ કેર સેન્ટર તો બંધ થઈ ચૂક્યા છે, જ્યારે સરકારી કોવિડ સેન્ટર પણ ખાલી થઈ રહ્યા છે.
સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટમાં અત્યાર સુધી નવા કેસ જેટ ગતિએ વધી રહ્યા હતા અને મૃત્યુઆંકનો ગ્રાફ પણ આગળ વધી રહ્યો હતો. જો કે, પરિસ્થિતિ વધુ વકરતા જિલ્લા વહીવટી તંત્રએ સરકારના માર્ગદર્શન મુજબ શહેરમાં ખાનગી હોસ્પિટલોને કોરોનાની સારવાર માટે તૈયાર કરી હતી. જેનાથી સિવિલ હોસ્પિટલ પરનો બોજ હળવો થયો હતો. પરંતુ ગ્રામ્યના દરદીઓ જ્યારે રાજકોટ પહોંચતા ત્યાં સુધીમાં તેમની તબીયત વધુ ગંભીર બની જતી હતી અને પુરતી સારવારના અભાવે મૃત્યુ પામતા હતા. આ બાબતને ધ્યાને લઈને જિલ્લાના ગોંડલ, જેતપુર, ધોરાજી સહિતના તાલુકાઓમાં પણ કોવિડ કેર સેન્ટર શરૂ કરાયા હતા. ત્યાર બાદથી મૃત્યુઆંક ધીમે ધીમે ઓછો થતો ગયો અને કોરોનામાંથી સાજા થનાર દરદીઓની સંખ્યા વધતી ગઈ હતી. રાજકોટ શહેરમાં આજ સુધીમાં 3.20 લાખ લોકોના ટેસ્ટ થયા છે, જેમાંથી આજ સુધીમાં કુલ 8196 કોરોના પોઝિટિવ આવ્યા હતા. જે પૈકીના 173 દરદીઓ અત્યાર સુધીમાં કોરોનાથી મૃત્યુ પામ્યા છે. જ્યારે 7421 દરદી કોરોનાને હરાવીને પરત ફર્યા છે અને આજની સ્થિતિએ 602 દરદી સારવાર હેઠળ છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer