શિક્ષકો, સ્ટાફની દિવાળી સુધરશે ?

શિક્ષકો, સ્ટાફની દિવાળી સુધરશે ?
પ્રથમ શૈક્ષણિક સત્ર પૂરું થવા આવ્યું, ફી હજુ ટીપે ટીપે જ આવતી હોવાનો સૂર
31 ઓક્ટોબર પહેલા ફી નહીં ભરે તો રપ ટકા રાહત નહીં અપાય: શાળા સંચાલક મંડળ
રાજકોટ, તા. 24 (ફૂલછાબ ન્યુઝ): મહાપર્વ દિવાળી દરેક લોકો માટે ખુશીઓનો ખજાનો લાવતી હોય છે. પોતાની સાથે સંકળાયેલા લોકોને રાજી કરવા આ તહેવાર મોટો નિમિત હોય છે. કંપની-સંસ્થાઓ પોતાના કર્મચારી, સ્ટાફને ભેટ-સોગાદ, ઉપહાર આપીને દિવાળીની શુભકામના પાઠવતી હોય છે. ખિસ્સા જોર કરતા હોય અને આર્થિક લાભ મળતા હોય તો લોકબોલીમાં કહેવાય છે કે દિવાળી સુધરી. પરંતુ આ વર્ષે રાજ્યની ખાનગી શાળાના લાખો શિક્ષકો અને કર્મચારીઓની દિવાળી સુધરશે કે કેમ તે કહેવું શાળા સંચાલકો માટે પણ મુશ્કેલ થઈ ગયું છે. પ્રથમ શૈક્ષણિક સત્ર પુરું થવા આડે ગણતરીના દિવસો બાકી છે ત્યારે શાળાઓને ફીની આવક ટીંપે ટીંપે 30 ટકા આસપાસ મળી હોવાના ઉઠતા સૂર વચ્ચે આ વર્ષે શૈક્ષણિક સ્ટાફને દિવાળી નિમિત્તે ખુશ કરવા જેવી સ્થિતિ નહીં હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
અલબત્ત, કર્મચારીઓને દિવાળીનો રાજીપો કેટલો અને કેવી રીતે પાઠવવો, એ જે-તે સંસ્થાની પર્સનલ સ્થિતિ અને નીતિ પર નિર્ભર કરે છે. પરંતુ કોરોના, લોકડાઉનને કારણે શાળાઓ બંધ હોવાથી આ વર્ષે ફીની આવક નજીવી મળી હોવાથી શાળા સંચાલકો સ્ટાફની દિવાળી સુધારે એવી શક્યતા જણાતી નથી.
સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળ, ગુજરાત રાજ્યના ઉપપ્રમુખ જતીનભાઈ ભરાડે જણાવ્યું હતું કે ‘રાજ્યના સરેરાશ શાળા સંચાલકો સ્ટાફને દિવાળીમાં રાજી કરી શકે એવી શક્યતા અત્યારે જણાતી નથી. હાલના તબક્કે ફીની આવક 25 ટકા સુધી પહોંચી છે. મહામંડળની સૂચના મુજબ 31 ઓક્ટોબર સુધીમાં જે વાલી ફી નહીં આપે તેમને રપ ટકા રાહત પણ આપવામાં આવશે નહીં. જે વાલીને ફી ભરવામાં મુશ્કેલી હોય તેઓ શાળા સંચાલકોને રૂબરૂ મળીને વાત કરે. અમે મદદરૂપ થઈશું. પરંતુ વાલીઓ શાળાએ આવે જ નહીં, વાત પણ ન કરે તે યોગ્ય નથી.’
ર9મી ઓક્ટોબરથી રાજ્ય સરકારે શાળાઓમાં વેકેશન જાહેર કર્યું છે પરંતુ મોટાભાગની ખાનગી શાળાઓ 6  નવેમ્બર સુધી રવિવારની રજામાં પણ બપોર સુધી શાળામાં વહીવટી કામગીરી ચાલુ રાખશે તેમ ઉપપ્રમુખે જણાવ્યું હતું.
જીનીયસ ગ્રૃપ ઓફ ઈન્સ્ટિટયૂશન્સના ચેરમેન, શિક્ષણવિદ ડી વી મહેતાએ જણાવ્યું હતું કે ‘પહેલા ટકા રિસ્પોન્સ વધ્યો છે. હાલના તબક્કે 30થી 35 ટકા ફી આવી હોવાનું કહી શકાય. જે 31 ઓક્ટોબર સુધીમાં 50 ટકા સુધી કદાચ પહોંચી શકે. જોકે આ ફી પ્રથમ શૈક્ષણિક સત્રની છે. ઘણી શાળાઓએ શિક્ષકોને અડધો પગાર આપ્યો છે. બાકીનો પગાર તમામ ફી મળી જાય પછી ચૂકવવાનું નક્કી કર્યું છે. ત્યારે પ્રથમ સત્રની પુરી ફી આવી જશે તો અગાઉનો બાકી પગાર ચૂકવી શકાય એવી સ્થિતિ માંડ થશે. પરંતુ રાજ્યભરની ખાનગી શાળાઓ પોતાના સ્ટાફને દિવાળી નિમિત્તે ભેટ-ઉપહાર આપી શકે એવું મુશ્કેલ જણાય છે.’
આ પરિસ્થિતિને કોરોનાના દર્દી સાથે સરખાવતા ખાનગી શાળા સંચાલકો કહે છે કે અત્યાર સુધી અમે વેન્ટીલેટર પર હતા, હજુ પથારીવશ છીએ, પણ કુદરતી રીતે શ્વાસ લઈ શકીએ એટલો ઓક્સિજન મળ્યો કહેવાય.
રાજકોટની અન્ય એક શાળાના સંચાલકે જણાવ્યું કે ચાર ક્વાર્ટર (ત્રિ માસિક)માં અમે ફી લેતા હોઈએ છીએ. દર વર્ષે દિવાળી સુધીમાં બીજા ક્વાર્ટરની 85 ટકાથી વધુ ફી આવી જતી હોય છે. 10-15 ટકા વાલીઓ કોઈ કારણોસર ફી ભરી શકતા નથી. પરંતુ આ વર્ષે દિવાળી નજીક છે ત્યારે પણ હજુ પહેલા ક્વાર્ટર (પ્રથમ ત્રિમાસિક)ની ફી બાકી છે. દિવાળીના પર્વ અંતર્ગત શાળાઓ સ્ટાફને એડવાન્સમાં પગાર આપતી હોય છે. આ વર્ષે એડવાન્સમાં પગાર થશે કે કેમ તે પણ કહેવું મુશ્કેલ છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer