તળાજાના સોપારીના વેપારીને બેદરકારી 1.18 લાખમાં પડી

તળાજાના સોપારીના વેપારીને બેદરકારી 1.18 લાખમાં પડી
 બેન્કમાંથી રૂપિયા ઉપાડી ખરીદી કરવા ગયા અને બે ગઠિયા કળા કરી ગયા, યુવકો સીસીટીવીમાં કેદ
 
તળાજા, તા.24 : તળાજાની શાકમાર્કેટ પાસે દુકાન ધરાવતા સાથે દાઠા ગામે દૂધ મંડળી ધરાવતા આધેડ આજે બેંકમાંથી રોકડ રકમ ઉપાડીને થેલીમાં નાખી થેલી બાઈક પાછળ બાંધીને બગીચા સામે ખરીદી માટે ગયા હતા. એક જ ફૂટ દૂર પડેલી બાઈક પાછળ ટીંગાડેલી રૂપિયા ભરેલી થેલી બે ઉઠાવગીરો નજર ચૂકવી લઈ ફરાર થઈ ગયા હતા. બંને ઈસમો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે. પોલીસે બંને ગઠીયાની શોધખોળ હાથ ધરી હતી.
 મૂળ તલ્લી દાઠા ગામના રહેવાસી તથા દૂધ મંડળી ચલાવતા અને તળાજાની શાક માર્કેટ પાસે આરાધના સોપારી નામની દુકાન ધરાવતા વલ્લભભાઈ ભીખાભાઇ ચાવડાએ આજે બપોરે ભાવ.ડી.બેંકમાંથી સવા લાખ રૂપિયા ઉપાડયા હતા. રસ્તામાં આ રૂપિયામાંથી રૂ.6480ની ખરીદી કરી હતી. ત્યાર બાદ તેઓ બગીચા સામે આવેલા શાપિંગ સેન્ટરમાં ખરીદી કરવા માટે પોતાનું બાઈક લઈને ગયા હતા. જ્યાં રૂપિયા ભરેલી થેલી બાઈક પાછળ ટીંગાડેલી રાખીને વલ્લભભાઈ ખરીદી કરી રહ્યા હતા. તે સમયે તેઓની પાછળ ચોક્કસ રેકી કરીને આવેલા બે ઈસમોએ મોકો જોઈ રૂ.1,18,520 ભરેલી થેલી બંને ઈસમો લઈ ફરાર થઈ ગયા હતા. આ સમગ્ર ઘટના બાજુની દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં  કેદ થઈ હતી. બનાવને લઈ વલ્લભભાઈ ચાવડાએ તળાજા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ઉઠાવગીરોને ઝડપી લેવા માટે તાત્કાલિક કાર્યવાહી કરી હતી. જો કે તેઓને તુરંત સફળતા મળી ન હતી.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer