સિહોર પાસે ખાનગી બસ અડફેટે બાઇકસવાર દંપતીનું મૃત્યુ

સિહોર પાસે ખાનગી બસ અડફેટે બાઇકસવાર દંપતીનું મૃત્યુ
વતન માતાજીના મઢે જતા’તા
ભાવનગર, તા.ર4 : બગદાણા તાબેનાં કરમદયા ગામના બાઈકસવાર દંપતીને સિહોર પાસે ખાનગી બસે અડફેટે લેતા ગંભીર ઈજા થવાથી દંપતીનાં મૃત્યુ નીપજ્યાં હતા. આ અંગે પોલીસે બસચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
આ અંગેની વિગત એવી છે કે, બગદાણા તાબેનાં કરમદયા ગામના એભલભાઈ ગેમાભાઈ ડાભી અને તેની પત્ની શોભાબેન એભલભાઈ ડાભી નામનું દંપતી બાઇકમાં બેસી વતન ચોગઠ ગામે નવરાત્રી સંદર્ભે માતાજીના મઢે દર્શન કરવા જવા નીકળ્યા હતા.
દરમિયાન સિહોરનાં ધાંધળી પાસે પહોંચ્યા હતા ત્યારે પૂરઝડપે ધસી આવેલી હરસિદ્ધિ ટ્રાવેલ્સની બસે બાઇકને અડફેટે લેતા દંપતી ફંગોળાયું હતું અને ગંભીર ઈજા થવાથી એભલભાઈ અને શોભાબેનનાં મૃત્યુ નીપજ્યાં હતાં. આ બનાવનાં પગલે ત્રણ સંતાનોએ માતા-પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં કરુણ કલ્પાંત મચી ગયો હતો. પોલીસે બસચાલક વિરુદ્ધ ગુનો નોંધી શોધખોળ શરૂ કરી હતી.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer