જેતપુરમાં સેલ્સમેનને લૂંટી લેનાર રાજકોટના સાળા-બનેવીની ત્રિપુટી સહિત ચાર ઝડપાયા

જેતપુરમાં સેલ્સમેનને લૂંટી લેનાર રાજકોટના સાળા-બનેવીની ત્રિપુટી સહિત ચાર ઝડપાયા
રૂ.30.10 લાખનો મુદ્દામાલ-પાંચ મોબાઈલ-છરી-બાઈક કબજે
જેતપુર/રાજકોટ, તા.ર4 : જેતપુરમાં ત્રણ દીવસ પહેલા ધોરાજીના સેલ્સમેનની આખમાં મરચાની ભૂકી છાંટી છરીથી હુમલો કરી રૂ.4ર લાખની મતા ભરેલા થેલાની લૂંટ કરવાના બનાવનો ભેદ ઉકેલી નાખ્યો હતો અને રાજકોટમાં રહેતા બે સાળા-બનેવીની ત્રિપુટી સહીત ચાર શખસોને ઝડપી લઈ રૂ.30.10 લાખની મતા પાંચ મોબાઈલ, છરી અને બાઈક કબજે કરી વધુ તપાસ અર્થે રીમાન્ડ પર લેવા તજવીજ હાથ ધરી હતી.
આ અંગેની વિગત એવી છે કે, જેતપુરના રમાકાંત રોડ પરથી પગપાળા પસાર થતા ધોરાજીના સેલ્સમેન ચિમન કાળાભાઈ વેકરિયા નામના યુવાનને બાઈકમાં આવેલા બે શખસએ આંતર્યે હતો અને આખમાં મરચાની ભૂકી છાંટી છરીથી હુમલો કરી રૂ. 40 લાખની કિંમતના સોનાના દાગીના અને રૂ. 4ર લાખની રોકડ મળી કુલ રૂ. 4ર લાખની મતા ભરેલા થેલાની લૂંટ ચલાવી બાઈકસવાર લૂંટારૂ ફરાર થઈ ગયા હતા.
આ બનાવ અંગેની જાણ થતા જિલ્લાભરમાં નાકાબંધી કરાવી હતી. પરંતુ લૂંટારૂઓના કોઈ સગડ મળ્યા નહોતા. બનાવના પગલે એસપી સહિતનો કાફલો દોડી ગયો હતો અને આસપાસમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસ્યા હતા અને બાઈકસવાર લૂંટારૂઓના વર્ણન મેળવ્યા હતા. બાદમાં બંને લૂંટારૂઓની ઓળખ મળી હતી.
દરમિયાન પોલીસે લૂંટ પ્રકરણમાં જેતપુરમાં રહેતા મુખ્ય સૂત્રધાર સાકીર મુસા ખેડરા, રાજકોટના કોઠારિયા સોલવન્ટમાં રહેતા સાકીરના ભાઈ તુફેલ મુસા ખેડરા, મૂળ લોધીકાના અને હાલમાં કોઠારિયા સોલવન્ટમાં બરકતીનગરમાં રહેતા સાકીર અને તુફેલના બનેવી અકબર જુસબ રીગડીયા અને કોઠારિયા સોલવન્ટમાં રહેતા મિત્ર સમિર ઉર્ફે ભડાકો હનીફ કુરેશીને ઝડપી લીધા હતા. પોલીસે લૂંટારૂ ટોળકી પાસેથી રૂ.ર8.40 લાખની કિંમતના પ.77 ગ્રામ સોનાના દાગીના અને રૂ.1.43 લાખની રોકડ તેમજ પાંચ મોબાઈલ અને છરી-બાઈક કબજે કર્યા હતા.
પોલીસની પ્રાથમિક તપાસમાં જેતપુરમાં રહેતો સાકીર ખેડરા એકાદ વર્ષ પહેલા રમાકાંત રોડ પર ગાંજો પીવા જતો હતો. ત્યારે સોની કામ કરતા બંગાળી શેખ હુશેન અખતરે લૂંટની ટીપ્સ આપી હતી. પરંતુ ત્યારે પ્લાન ઘડયો  નહોતો. બાદમાં સાકીર અને તુફેલએ એક માસ રેકી કર્યા બાદ લૂંટનો પ્લાન ઘડયો હતો અને ત્રણ દિવસ પહેલા તુફેલ તેના બનેવીનું બાઈક જેતપુર રહેતા સાકીરને આપી રાજકોટ પરત ફર્યે હતો. બાદમાં શાકીરે બાઈકના નંબર દેખાય નહી તે રીતે છેકી નાખ્યા હતા અને મિત્ર સમીર ઉર્ફે ભડાકા સાથે મળી લૂંટ ચલાવી હતી. પોલીસે ચારેય શખસોને રીમાન્ડ પર લેવા તજવીજ હાથ ધરી હતી.
શાકીર-સમીર લૂંટ બાદ અમદાવાદ-જામનગર નાસી ગયા’તા
જેતપુરમાં સેલ્સમેન પર હુમલો કરી લૂંટ ચલાવ્યા બાદ શાકીર ખેડરા અને સમીર ઉર્ફે ભડાકો લૂંટી લીધેલ થેલો બનેવી અકબર રીગડિયાને ત્યાં મૂકી બાઈકમાં જામનગર અને બાદમાં અમદાવાદ નાસી છુટયા હતા.
લૂંટની ભાગ બટાઈ કરવા એકઠા થયાને પકડાયા
કોઠારિયા સોલવન્ટમાં રહેતા અકબર રીગડિયાને ત્યાં રાખવામાં આવેલ લૂંટના માલનો ભાગ બટાઈ કરવા માટે સાકીર, તુફેલ અને સમીર ઉર્ફે ભડાકો એકઠા થયા હતા. ત્યારે પોલીસ ત્રાટકી હતી અને ચારેય શખસને ઝડપી લીધા હતા.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer