કોરોનાનો કહેર હળવો થતા બજારમાં ખરીદીનો આશાવાદ

કોરોનાનો કહેર હળવો થતા બજારમાં ખરીદીનો આશાવાદ
કપડાં, સુશોભન, હોમ એપ્લાયન્સીસ, ઇલેક્ટ્રિક વગેરે જેવી ચીજોમાં ખરીદીનો સંચાર
સોના-ચાંદી, વાહનોમાં દશેરાના બૂકિંગ
            ખૂબ નબળા
રાજકોટ, તા.24 (ફૂલછાબ ન્યૂઝ): ચિંતાજનક રીતે ગયા મહિને વધતા જતા કોરોનાના કેસમાં ઘટાડો થતા લોકોમાં ફફડાટ ઓછો થયો છે. પરિણામે દશેરા અને દિવાળી જેવા મોટાં તહેવારોની રોનક હવે અમુક બજારોમાં  દેખાવા લાગી છે. અલબત્ત લોકોની આવકને ફટકો પડયો છે એ કારણે ફક્ત આવશ્યક અને પરવડે તેવી ચીજોમાં ખરીદી છે. દશેરાએ સોનું અને ઓટોમોબાઇલમાં કાર કે સ્કુટર ખરીદવામાં આવતા હોય છે તેનું પ્રમાણ બહુ જ ઓછું છે. છતાં દિવાળીએ સ્થિતિ ઘણી સુધરશે એવો આશાવાદ દશેરાની પૂર્વ સંધ્યાએ બંધાયો છે.
દશેરા સાથે હવે દિવાળીના પડઘમ વાગી રહ્યા છે. બીજી તરફ લોકડાઉન હવે મોટેભાગે સંપુર્ણ ઉઠી ગયાની સ્થિતિમાં લોકો આવી જતા કાપડ, રેડિમેડ, હોમ એપ્લાયન્સીસ, બૂટ, ચપ્પલ, વાસણો વગેરે જેવી જીવનજરુરી ચીજોની ખરીદીમાં ગરમાવો આવી રહ્યો છે. છતાં કિંમતી અને મોંઘા ભાવના સોનાના ઝવેરાત ખરીદવા હજુ લોકો બહુ જ ઓછી સંખ્યામાં આવે છે. ફક્ત આવી રહેલા લગ્નગાળાની ખરીદી છે. દશેરાના દિવસે નવા વાહનોની ડિલિવરી લેવાનું ચલણ પણ હોય છે. જોકે આ વર્ષે ટુ વ્હીલરમાં 40 ટકા જ માગ છે જ્યારે ફોર વ્હીલમાં 20-30 ટકા જ એડવાન્સ બૂકિંગ અને ખરીદી છે. ફર્નિચર બજારમાં પણ કંઇ સારાવાના નથી. ઇલેકટ્રોનિક્સમાં ફ્રિઝ, પંખા અને એલઇડી ટીવીની થોડી ખરીદી છે.
રાજકોટમાં ગુંદાવાડી, ધર્મેન્દ્ર રોડ અને ડો. યાજ્ઞિક રોડ ઉપર રેડીમેડ કપડાંના શો રૂમ આવેલા છે ત્યાં હવે તહેવારનો માહોલ દેખાવાનું શરૂ થયું છે. કાપડમાં પણ માગ છે. ધર્મેન્દ્ર રોડ વેપારી એસોસીએશનના પ્રમુખ પ્રનંદ કલ્યાણી કહે છે, લોકડાઉનથી બજાર સાવ શાંત હતી. લોકોએ તેની જરૂરિયાતો ય સંકોચી નાંખી હતી પણ હવે ફફડાટ ઓછો થતાં રેડીમેડની માગ સારી છે. કાપડમાં હજુ માગ ઓછી છે. શર્ટ-પેન્ટ અને લેડિઝ ડ્રેસીસ હવે ખરીદાય રહ્યા છે. દિવાળી સુધી માહોલ જળવાય તેમ છે. ખેતીની આવક ખેડૂતોના હાથમાં આવી છે એટલે ગ્રામ્ય વિસ્તારોની માગ પણ વધી છે. જોકે લોકો ખર્ચ કરવામાં સાવચેતી જરૂર રાખી રહ્યા છે.
ખાદીના ભવનોમાં ઓક્ટોબરનું ડિસ્કાઉન્ટ ચાલી રહ્યું છે એ કારણે ખાદીના વસ્ત્રોમાં પણ ખરીદી વધી છે. ઇલેકટ્રોનિક્સમાં પંખાની માગ વધારે છે તેમ સાંગણવા ચોકના એક વેપારીએ કહ્યું હતું. ફ્રિઝ અને એલઇડી ટીવીની માગ છે. એરકન્ડીશનર ખરીદાતા નથી.
ઢેબર રોડની ફર્નિચર બજારમાં ખુરશી, ટેબલ અને કબાટ જેવી રનીંગ ચીજો ચાલે છે. સોફાસેટ અને મોંઘા ફર્નિચરની માગ નથી તેમ આશિર્વાદ ઇન્ટીરીયોના નિલેષ શેઠ કહે છે. સોફા સેટનું મોટું કામ રાખી રહેલા શેઠ કહે છે, રિટેઇલમાં માગ નથી એટલે અમારી પાસે નવા ઓર્ડરો બહુ જ ઓછાં આવી રહ્યા છે. લગ્નગાળો દિવાળી પછી છે પણ એ માટે કોઇની તૈયારી દેખાતી નથી.
રાજકોટની સોની બજારમાં આઠ મહિનાથી સુનકાર હતો પણ હવે દશેરા પૂર્વે થોડી માગ આગામી લગ્નસરાને લીધે ખૂલી છે એ કારણે ઝવેરીઓએ મજૂરીમાં ડિસ્કાઉન્ટ શરું કર્યા છે. જી. ખુશાલદાસ એન્ડ સન્સના ભરત રાણપરા કહે છે, સોનાનો ભાવ ખૂબ ઉંચો રૂ. 52 હજાર ઉપરનો છે એટલે લોકોને આકરો પડે છે. પરંતુ લગ્નગાળાની ખરીદી જેમને બાકી હતી તે લોકો ખરીદીમાં આવી રહ્યા છે. રોકાણકારો હજુ બજારથી દૂર છે. ભાવ થોડો નીચે આવે તો ખરીદી વધશે. છતાં ગયા વર્ષ કરતા ઘણી નબળી સ્થિતિ કોરોનાને લીધે બજારમાં સર્જાઇ છે. ચાંદીમાં થોડી માગ છે તેમ બજારના અન્ય એક વેપારીએ કહ્યું હતું.
ઓટોમોબાઇલ ક્ષેત્રમાં પણ મંદીની અસર દેખાય છે. પરફેક્ટ ઓટોના ચેતન ધોળકિયા કહે છે, હવે વાહનોમાં બીએસ-6 એન્જીનો આવી ગયા છે અને ફિચર્સ પણ વધ્યા છે એ કારણે પ્રોડક્ટસના ભાવ ઉંચકાયા છે. પરિણામે માગ ઓછી છે. કોરોના કાળ હજુ ચાલી રહ્યો છે એટલે લોકોની ઘટેલી ખરીદશક્તિમાં લોકોને હજુ નવા વાહનો પરવડે તેમ નથી. ટુ વ્હીલરની ખરીદી ગયા વર્ષની તુલનાએ દશેરામાં ફક્ત 40 ટકા જેટલી જ છે.
પંજાબ હોન્ડાના સેલ્સ એક્ઝિક્યુટિવ કહે છે, સૌથી વધારે ચાલતા મોડેલ એક્ટિવામાં પણ માગ બહુ ઓછી છે. ખરીદવાવાળા જ ઘટી ગયા છે. તેમના મતે ગ્રામ્ય પંથકમાં અતિવૃષ્ટિ અને માવઠાંથી વ્યાપક નુક્સાન થયું છે એટલે નવી ખરીદીમાં બહુ સાવધાની દેખાય છે.
ફોર વ્હીલરમાં પણ ખરીદી 10-20 ટકા જ છે. હાયર મિડલ ક્લાસ દ્વારા જ અત્યારે ખરીદી થઇ રહી છે. સામાન્ય લોકો ગાડી ખરીદવાનો વિચાર આ વર્ષે તો માંડી જ વાળે તેવી સ્થિતિ છે.
ગાંઠિયા-જલેબીની આજે ઠેર ઠેર જ્યાફત ઉડશે
મીઠાઇની ખરીદી મોળી રહેવાની સંભાવના
રાજકોટ.તા.24: દશેરા પૂર્વે કોરોનાના કેસ ઘટી જતા આવતીકાલે મીઠાઇ અને ફરસાણની દુકાનોએ ગિર્દી વધે તેવી પૂરી શક્યતા છે. લોકો ફાફડા ગાંઠિયા અને જલેબી તથા ફરસાણની ધૂમ ખરીદી કરશે તેવું ઉત્પાદકો કહે છે. અલબત્ત ગળ્યું ખાવાથી ગળું ખરાબ થઇ જવાના ડરથી મીઠાઇઓમાં માગ ખૂબ ઓછી રહેશે તેવું લાગી રહ્યું છે.
રાજકોટ ડેરી મર્ચન્ટ એસોસીએશનના પ્રમુખ વી.પી. વૈષ્ણવ કહે છે, ફરસાણના ધંધા ખૂબ ચાલે એમ છે. મીઠાઇમાં પણ લોકો માત્ર જલેબી-સાટાથી ચલાવી લે તેમ છે. હજુ દૂધની કે અન્ય મીઠાઇઓ લોકો ઓછી ખરીદશે તેમ લાગે છે. કોરોનાનો ડર હજુ છે. આમ પણ હવે મીઠાઇનો ક્રેઝ ધીરે ધીરે ઘટી રહ્યો છે
રૈયા રોડ પરથી પ્રણામી ફરસાણના સંચાલક કહે છે, ફરસાણમાં માગ સારી છે. છતાં આવતીકાલે જ ખરી ઘરાકી ખૂલે ત્યારે ખ્યાલ આવશે. મીઠાઇ અને ફરસાણવાળાએ દશેરાની ઘરાકી માટે દર વર્ષની માફક પૂરતી તૈયારીઓ કરી લીધી છે. વેચાણ માટે પણ આશાવાદ છે. દશેરા ફળે તો પછી દિવાળી પણ સુધરશે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer