ગિરનાર રોપ વે આર્થિક સમૃદ્ધિ વધારશે : મોદી

ગિરનાર રોપ વે આર્થિક સમૃદ્ધિ વધારશે : મોદી
ગિરનાર રોપ વેનું ઇ લોકાર્પણ : શક્તિ, ભક્તિ અને સ્વાસ્થ્યનો ત્રિવેણી સંગમ રચાયો : વડાપ્રધાન
ગિરનાર રોપ વે સાથે કિસાન સૂર્યોદય યોજના અને અમદાવાદની હોસ્પિટલનું પણ ઈ લોન્ચિંગ થયું
કોરોનામાં પણ ગુજરાતનો વિકાસ રુંધાયો નથી : રૂપાણી
રોપ વેથી જૂનાગઢમાં 200 કરોડની આવક ઉમેરાશે: ચાવડા
જૂનાગઢ, તા. 24: સોરઠ અને સૌરાષ્ટ્રવાસીઓનું વર્ષો જૂનું સ્વપ્ન ગિરનાર રોપ-વેના ખાતમુહૂર્ત અને લોકાર્પણનો યશ મેળવનાર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું કે, રોપ-વેથી રોજગારી અને આર્થિક સમૃદ્ધિનો માર્ગ મોકળો થયો છે. ગુજરાતમાં શક્તિ, ભક્તિ અને સ્વાસ્થ્યનો ત્રિવેણી સંગમ રચાયો છે. આ સ્થળ આસ્થા અને પ્રવાસન સાથે જોડાયેલું છે.
ગિરનાર રોપ-વે, કિસાન સૂર્યોદય યોજના અને અમદાવાદની અત્યાધુનિક કિડની હોસ્પિટલના ઇ-લોન્ચિંગ કરી વડાપ્રધાને જણાવ્યું કે, ગિરનાર રોપ-વે એ કરોડો લોકોનું સ્વપ્ન હતું. આ પ્રોજેક્ટમાં અનેક અંતરાયો હતા. તેમાંથી બહાર નીકળી અઢી દસકાની સામૂહિક આરાધનાને પરિણામે સાકાર થયો છે. ગુજરાત શક્તિ, ભક્તિનો ગઢ છે અને હંમેશાં દેશ અને દુનિયાને રાહ ચિંધ્યો છે.
તેમણે ઉમેર્યું કે, આ અદ્ભુત શક્તિ અને શાંતિનું સ્થળ ગિરનાર છે ત્યારે તમામ લોકોને આ શક્તિ અને શાંતિની અનુભૂતિ કરવાનો અવસર રોપ-વે પૂરો પાડશે. રોપ-વે યોજના સાકાર થતા પ્રવાસન ઉદ્યોગને વેગ મળશે. સાથે રોજગારીને ફાયદો થશે. આ વર્લ્ડ ક્લાસ રોપ-પેથી સોરઠ અને સૌરાષ્ટ્રમાં વિકાસના દ્વાર ખૂલ્યા છે.
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું કે, ગુજરાતમાં કોરોના સંક્રમણ વચ્ચે વિકાસ અવરોધાયો નથી. રાજ્યમાં કોરોનાનો રિકવરી રેટ 90 ટકા રહ્યો છે જ્યારે મૃત્યુઆંક 2.15 ટકા અને પોઝિટિવ રેટ 2.75 ટકા રહ્યો છે. પ્રજાજનોના સાથ સહકારથી તહેવારોમાં કોરોનાને કાબૂમાં રાખવામાં સફળતા મળી છે.
તેમણે ગિરનાર પર્વત ઉપર યાત્રિકોને લઈ જતા ડોળીવાળા પ્રત્યે સંવેદના વ્યક્ત કરી, પ્રશંસા કરી હતી. ગિરનારમાં અનેક પરમ આત્મા - સાધુ-સંતોએ સાધના કરી મોક્ષગતિ પ્રાપ્ત કરી છે ત્યારે આવી પવિત્ર જગ્યાએ રોપ-વેના માધ્યમથી ભાવિકો ગિરનાર અને મા જગદંબાના દર્શન સરળતાથી કરી શકશે.
કાર્યક્રમના પ્રારંભે પ્રાસંગિક પ્રવચનમાં પ્રવાસન મંત્રી જવાહરભાઈ ચાવડાએ જણાવ્યું કે, વર્ષો પછી ગિરનાર રોપ-વેનું સ્વપ્ન સાકાર થતાં જૂનાગઢમાં દિવાળી જેવો માહોલ છે. આ યોજનાનું તત્કાલિન મુ. મંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ખાતમુહૂર્ત કર્યા બાદ આજે પ્રધાનમંત્રી શ્રી મોદીએ લોકાર્પણ કર્યું. તેમણે અંતમાં જણાવ્યું કે અત્યાર સુધી યાત્રાળુઓ આવતા હતા હવે પ્રવાસીઓ આવશે ત્યારે તેઓની જરૂરિયાત સંતોષવી નગરની ફરજ છે. રોપ-વેથી જૂનાગઢમાં 200 કરોડ જેટલી આવક વધશે.
કાર્યક્રમના પ્રારંભે સાંસદ રાજેશભાઈ ચુડાસમાએ આનંદ સાથે જણાવ્યું કે, આ પ્રોજેક્ટને વિઘ્નોમાંથી ઉગારવા તત્કાલીન સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ભાવનાબેન ચિખલિયા, મહેન્દ્રભાઈ મશરૂ, જીતુભાઈ હિરપરા સહિતનાઓએ અથાગ પ્રયાસો કર્યા હતા. પીજીવીસીએલના એમડી શ્વેતા ટીવેટિયાએ સ્વાગત પ્રવચન કર્યું હતું.
આ પ્રસંગે ઊર્જામંત્રી સૌરભભાઈ પટેલ, મેયર ધીરૂભાઈ ગોહેલ, ધારાસભ્ય દેવાભાઈ માલમ, અધિક મુખ્ય સચિવ સુનયના તોમર, જિલ્લા કલેક્ટર ડો. સૌરભ પારઘી, જિલ્લા પોલીસવડા રવિ તેજા વાસમ શેટ્ટી, જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલ, શહેર ભાજપ પ્રમુખ શશીકાંત ભિમાણી, કોર્પોરેટરો, જિલ્લા પંચાયતના પ્રમુખ સેજાભાઈ કરમટા સહિતના ઉપસ્થિત રહ્યા હતા. આભારવિધિ પીજીવીસીએલના ચીફ ઇજનેર જસ્મીન ગાંધીએ કરી હતી.
ભાડા દર મુદ્દે સરકાર અને કંપની મૌન
ગીરનાર રોપ વેની શરૂઆત તો થઈ પરંતુ પ્રવાસીઓ માટે રોપ-વેના ભાડા દરની હજુ જાહેરાત ન થતા પ્રજાજનો અવઢવમાં મુકાયા છે. રોપ-વેના ભાડા દર નક્કી કરવાની સત્તા રાજ્ય સરકારની હોવાનો ઉષા બ્રેકો કંપનીના સત્તાવાળાઓએ વારંવાર જણાવેલ પરંતુ લોકાર્પણ પ્રસંગે આ મુદ્દે કોઇ જાહેરાત કરાઈ નથી ત્યારે હવે ભાડાદર અંગેનો નિર્ણય રાજ્ય સરકાર કરશે કે ઉષા બ્રેકો કંપની ? જૂનાગઢવાસીઓની વર્ષો જૂની ઇચ્છા પૂર્ણ થઈ છે. પરંતુ ભાડા દર મુદ્દે હજુ સરકાર કે ઉષા બ્રેકો કંપની દ્વારા જાહેરાત ન કરતા પ્રવાસીઓ અને પ્રજાજનો મુંઝવણમાં મુકાયા છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer