ત્રિરંગા પર ટિપ્પણી : મૂફતીની ધરપકડ કરવા ભાજપની માગ

ત્રિરંગા પર ટિપ્પણી : મૂફતીની ધરપકડ કરવા ભાજપની માગ
પૂર્વ મુખ્યમંત્રી-પીડીપી નેતા પર ભાજપ અને વિહિપના પ્રહાર: કાનૂની પગલાં લેવા માગ
નવી દિલ્હી, તા.ર4: જમ્મુ-કાશ્મીરનાં પૂર્વ મુખ્યમંત્રી અને પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (પીડીપી)નાં પ્રમુખ મેહબૂબા મુફતી આર્ટિકલ-370 અને રાષ્ટ્રધ્વજ ત્રિરંગા અંગે ટિપ્પણી કરી વિવાદમાં સંપડાયાં છે. ભાજપે માગ કરી છે કે મૂફતી વિરુદ્ધ ત્રિરંગાનાં અપમાનનો કેસ નોંધવામાં આવે.
મુફતીએ જમ્મુ-કાશ્મીરના ઝંડાની બહાલી સુધી અન્ય કોઈ ઝંડો ન ઉઠાવવા સંબંધિત ટિપ્પણી કરતાં ઘેરા રાજકીય પડઘા પડયા છે. ભાજપે તેમને પાકિસ્તાન ચાલ્યા જવા સુધીની સલાહ આપતા કહ્યું કે દુનિયાની કોઈ તાકાત જમ્મુ-કાશ્મીરમાં અલગ ઝંડો લગાવી ન શકે. 
જમ્મુ-કાશ્મીરના ભાજપ પ્રમુખ રવીન્દ્ર રૈનાએ કહ્યું કે જમ્મુ-કાશ્મીરમાં મેહબૂબા મુફતીની કોઈ જરૂર નથી. તે કોઈ ઝંડો ઉઠાવે કે નહીં કોઈ ફેર પડતો નથી. તેમણે પાકિસ્તાન ચાલ્યું જવું જોઈએ. કાશ્મીરના લોકોનાં દિલમાં તિરંગો વસેલો છે. જમ્મુ-કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે અને રહેશે. અહીં ફક્ત ત્રિરંગો જ ફરકાવવામાં આવશે. રૈનાએ ગવર્નર મનોજ સિન્હાને વિનંતિ કરી હતી કે ત્રિરંગાનાં અપમાન બદલ મુફતી સામે રાજદ્રોહ હેઠળ કાનૂની કાર્યવાહી કરી તેમને જેલમાં ધકેલવામાં આવે.
વિહિપના પ્રદેશ કાર્યકારી પ્રધાન રાજેશ ગુપ્તાએ કહ્યું કે મહબૂબા મૂફતીએ રાષ્ટ્રધ્વજનું અપમાન કરી ભારત સરકારને ડકૈત ગણાવી છે. તેઓ માનસિક સંતુલન ગુમાવી બેઠાં છે.
----------
અમે દેશ વિરોધી નથી : ફારૂક અબ્દુલ્લા
નવી દિલ્હી, તા.ર4: જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મેહબૂબા મુફતીના શ્રીનગર ખાતેના નિવાસ સ્થાને ગુપકાર ઘોષણા (પીપલ્સ એલાયન્સ ફોર ગુપકાર ડિકલેરેશન) ની બેઠક યોજાયા અંગે નેશનલ કોન્ફરન્સ (એનસી) ના પ્રમુખ, પૂર્વ મુખ્યમંત્રી ફારૂક અબ્દુલ્લાએ કહયું કે જે લોકો પ્રચાર કરી રહ્યા છે કે ગુપકાર દેશ વિરોધી છે, તે ખોટું છે. અમે ભાજપના વિરોધી છીએ તેનો અર્થ એ નથી કે દેશ વિરોધી છીએ. ભાજપે દેશ અને સંવિધાનને નુકસાન પહોંચાડયું છે. અમે ઈચ્છીએ છીએ જમ્મુ-કાશ્મીરના લોકોનો અધિકાર પાછો મળે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer