યુવા ખેલાડીને તક અપાશે : ધોની

યુવા ખેલાડીને તક અપાશે : ધોની
દુબઈ, તા.24:  અત્યાર સુધી 11માંથી આઠ મેચ ગુમાવીને આઈપીએલ પ્લે ઓફની રેસમાંથી લગભગ બહાર થઈ ગયેલી ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્રાસિંહ ધોનીએ કહ્યું છે કે આવતા વર્ષને ધ્યાનમાં રાખતા બાકીની ત્રણેય મેચમાં યુવા ખેલાડીઓની કસોટી લેવામાં આવશે. મુંબઈ ઇન્ડિયન્સ સામે 10 વિકેટથી હાર મળ્યા બાદ ધોનીએ કહ્યુ કે, આ પ્રકારના પ્રદર્શનથી દુ:ખ થાય છે. અમારે એ જોવું પડશે કે ભૂલો કયાં થાય છે. આ અમારું વર્ષ નથી. તમે ભલે આઠ વિકેટથી હારો કે 10 વિકેટથી, એનાથી કંઈ ફર્ક નથી પડતો પરંતુ જોવાનું એ રહ્યું કે આપણે ટૂર્નામેન્ટમાં આ સમયે કયાં છીએ. આ ખરેખર દુ:ખી કરે છે.
ધોનીએ કહ્યું, અમારે બીજી મેચમાં જ જોવાનું હતું કે અમે કયાં ખોટા હતા. અંબાતી રાયડૂ ઘાયલ થઈ ગયો અને બાકી બેટ્સમેન પણ પોતાનાં 200 ટકા ન આપી શકયા. કિસ્મતે પણ અમારો સાથ ન આપ્યો. જે મેચમાં અમે પહેલા બાટિંગ કરવા માંગતા હતા ત્યાં ટોસ ન જીતી શકયા. જ્યારે અમે પ્રથમ બાટિંગ કરી ત્યારે ઝાકળ હતી.
ત્રણ વખતની ચેમ્પિયન રહેલી ટીમના કેપ્ટને કહ્યુ કે, ખરાબ પ્રદર્શન માટે 100 બહાના આપી શકાય છે. પરંતુ અમારે અમારી જાતને પૂછવું પડશે કે શું અમે અમારા ક્ષમતા પ્રમાણે રમત રમ્યા હતા? શું અમે અત્યાર સુધીના અમારા રેકોર્ડ પ્રમાણે રમ્યા છીએ? ના. અમે પ્રયાસ કર્યો પરંતુ સફળ ન થયા.
સીએસકે માટે પાવરપ્લે ખરાબ રહ્યો: ફ્લેમિંગ
ચૈન્નઈ સુપરકિંગ્સના મુખ્ય કોચ સ્ટિફન ફ્લેમિંગે આઈપીએલમાં શુક્રવારે મુંબઈ ઇન્ડિયન્સ સામે 10 વિકેટે મેચ ગુમાવ્યા બાદ કહ્યું હતું કે, ટીમ માટે પાવરપ્લે ખૂબ જ ખરાબ રહ્યો હતો. જેમાં ટીમે મોટાભાગની વિકેટ ગુમાવી દીધી હતી. મેચમાં સીએસકે પાવર પ્લેમાં પાંચ વિકેટે માત્ર 21 રન જ બનાવી શકી હતી.  સેમ કુરેને જોકે 47 બોલમાં 52 રન કરીને ટીમને નવ વિકેટે 114 રન સુધી પહેંચાડી હતી. મુંબઈ ઇન્ડિયન્સે લક્ષ્યને માત્ર 12.2 ઓવરમાં કોઈપણ નુકસાન વિના મેળવી લીધું હતું. ફ્લેમિંગે મેચ બાદ કહ્યું કે, તેઓ હકીકતમાં સ્તબ્ધ થઈ ગયા હતા. આટલી જલ્દી વિકેટ ગુમાવવાના મામલામાં સૌથી ખરાબ પાવર પ્લે હતો. મેચમાં લગભગ પાવરપ્લેમાં જ ખતમ થઈ ગયો હતો. ટીમમાં અમુક યુવા ખેલાડી હતા જેની પાસે તક હતી પણ તેનાથી કોઈ ફાયદો થયો નહોતો. સીએસકેએ પહેલી વખત દક્ષિણ આફ્રિકાના સ્પિનર ઇમરાન તાહિરને અંતિમ 11મા સામેલ કર્યો હતો અને ફ્લેમિંગે કહ્યું હતું કે, ટીમમાં જગ્યા આપવા માટે શેન વોટ્સની જગ્યાએ ઋતુરાજ ગાયકવાડને તક આપવામાં આવી હતી. યોજના હતી કે અમુક રન બનાવીને બોલિંગથી મેચ ઉપર પકડ બનાવવામાં આવે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer