કોરોના દર્દીના મૃત્યુ પ્રકરણમાં સમગ્ર ઘટના અને સારવાર અંગેનો અહેવાલ ગૃહમાં મોકલાયો

કોરોના દર્દીના મૃત્યુ પ્રકરણમાં સમગ્ર ઘટના અને સારવાર અંગેનો અહેવાલ ગૃહમાં મોકલાયો
મૃતકના પરિવારની ન્યાય મેળવવા માટેની રઝળપાટ યથાવત
રાજકોટ, તા.રર : સિવિલ હોસ્પિટલમાં કોવીડ-19માં સારવારમાં રહેલા પરપ્રાંતીય યુવાનનું હોસ્પિટલના સ્ટાફ અને સીકયુરીટી ગાર્ડ દ્વારા મારકુટ કરવામાં આવ્યા બાદ મૃત્યુ નિપજયાના બનાવ સંદર્ભેની  સમગ્ર ઘટના અને સારવાર અંગેનો અહેવાલ કલેકટર દ્વારા ગૃહ વિભાગને મોકલવામાં આવ્યો છે. જો કે આ મામલે મૃતકના પરિવારજનો દ્વારા પોલીસ-કલેકટર તંત્ર સમક્ષ જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવા અંગે રજુઆત કરવામાં આવ્યાને ઘણો સમય વીતી જવા છતાં કોઈ કાર્યવાહી નહી કરવામાં આવતા પોલીસ-કલેકટર તંત્રની કામગીરી સંદર્ભે અનેક તર્કવિતર્કો થઈ રહ્યા છે અને મૃતકના પરિવારની ન્યાય મેળવવા માટેની રઝળપાટ યથાવત રહી છે.
આ ચર્ચાસ્પદ બનાવ અંગેની વિગત એવી છે કે ભગવતીપરા વિસ્તારના પુરષોતમ પાર્કમાં રહેતા અને કારખાનામાં કામ કરતા પ્રભાકર ભાઈદાસ પાટીલ નામના યુવાનને પેટની બીમારી સબબ ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો અને બાદમાં કીડનીની સારવાર ચાલતી હતી. તેનો કોવીડ-19 રીપોર્ટ આવતા સિવિલહોસ્પિટલમાં  ખસેડાયો હતો. બાદમાં તા.1ર/9ના મૃત્યુ નિપજયું હતું.
દરમિયાન મૃતક પ્રભાકર પાટીલને હોસ્પિટલના સ્ટાફ અને સીકયુરીટી ગાર્ડ દ્વારા મારકુટ કરવામાં આવતો વીડીયો વાયરલ સોશીયલ મીડીયામાં વાયરલ થતા ભારે ઉહાપોહ મચી ગયો હતો. આ મામલે મૃતક પ્રભાકરની પત્ની સપનાબેન પાટીલે પોલીસ કમીશનર અને કલેકટરને આવેદનપત્ર પાઠવી જવાબદારો વિરુધ્ધ ગુનો નોંધવા રજુઆત કરી હતી.
આ મામલે તબીબી તપાસ ટીમની રચના કરવામાં આવી હોય તેનો અહેવાલ પોલીસ દ્વારા મેડીકલ કાઉન્સીલ પાસેથી અભિપ્રાય માગવામાં આવ્યો હતો. જે પોલીસને આપવામાં આવ્યો નહોતો. દરમિયાન સરકાર દ્વારા આ મામલે સમગ્ર અહેવાલ મંગાવવામાં આવતા કલેકટર રૈમ્યા મોહન દ્વારા સમગ્ર ઘટના અને મૃતક પ્રભાકર પાટીલની સારવારનો રીપોર્ટ સહિતનો અહેવાલ તૈયાર કરી ગૃહ વિભાગને મોકલી દેવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા આ પ્રકરણમાં જવાબદારો સામે ગુનો નહી નોંધી છાવરવામાં આવતા હોય પોલીસની કામગીરી અંગે અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે ત્યારે ગૃહ વિભાગ દ્વારા સમગ્ર ઘટનાનો અહેવાલ મગાવવામાં આવ્યો હોય મૃતકના પરિવારને ન્યાય મળશે કે કેમ તે મામલે અનેક તર્કવિતર્કો થઈ રહ્યા છે.
રાજકોટની ખાનગી હોસ્પિટલોના રિઝર્વ બેડમાં 50% ઘટાડો કરાયો
શરત: ભવિષ્યમાં જરૂર પડે તો ફરી તંત્ર બેડ હસ્તગત કરી શકશે: કોવિડ માટે ખાસ ઊભી કરાયેલી ડેઝિગ્નેટેડ હોસ્પિટલમાં એક પણ બેડ નહીં ઘટે: કલેક્ટર
રાજકોટ, તા.22: સ્થાનિક તંત્ર અને સરકારી આંકડાઓ મુજબ જોઈએ તો રાજકોટમાં કોરોનાનું સંક્રમણ ઘટતું જણાય છે. આ સાથે મૃત્યુઆંકમાં પણ ઘટાડો નોંધાયો છે ત્યારે હવે શહેરની ખાનગી હોસ્પિટલોમાં ઊભા કરાયેલા કોવિડની સારવાર માટેના રિઝર્વ બેડમાંથી 268 બેડ શરત સાથે ઘટાડવામાં આવ્યો છે.
રાજકોટ જિલ્લા કલેક્ટર સુશ્રી રેમ્યા મોહને જારી કરેલા હુકમમાં જણાવ્યા પ્રમાણે હાલમાં રાજકોટ જિલ્લામાં કોવીડ-19ના કેસોમાં ઘટાડો થતાં હોસ્પિટલોમાં ફરજીયાત રીઝર્વ રાખવામાં આવેલ બેડ ખાલી રહેતા હોવાની વિવિધ હોસ્પિટલો દ્વારા રજુઆત કરવામાં આવતાં આ બાબતે રેપીડ રીસ્પોન્સ ટીમ દ્વારા પુન: મુલ્યાંકન કર્યા બાદ કોવીડ-19નાં દર્દીઓ માટે રાખવામાં આવેલા રીઝર્વ બેડની સંખ્યામાં ઘટાડો કરવાનો નિર્ણય લેવાયો છે. રાજકોટ જિલ્લા કલેકટરે એક હુકમ દ્વારા ભવિષ્યમાં જરૂરીયાત ઉભી થયે સુચના મુજબ 24 કલાકમાં ફરી કોવીડ-19 માટે બેડ વધારવા સહિતની જરૂરી શરતોને આધિન રાજકોટની સ્ટર્લીંગ હોસ્પિટલમાં રીઝર્વ રાખવામાં આવેલ 65 બેડમાં ઘટાડો કરી 23 બેડ, વોકહાર્ટ હોસ્પિટલમાં રીઝર્વ રાખવામાં આવેલ 80 બેડમાં ઘટાડો કરી 36 બેડ તેમજ જલારામ હોસ્પિટલમાં રીઝર્વ રાખવામાં આવેલ 50 કોવીડ બેડ, એચ. જે. દોશી હોસ્પિટલમાં રીઝર્વ રાખવામાં આવેલ 60 કોવીડ બેડ અને વિરલ હોસ્પિટલમાં રીઝર્વ રાખવામાં આવેલ 13 કોવીડ બેડમાં ઘટાડો કર્યો છે. જેના કારણે હવે સ્ટર્લીંગ હોસ્પિટલમાં 23 કોવીડ બેડ અને ડેઝીગ્નેટેડ કોવીડ હોસ્પિટલના 34 બેડ તથા વોકહાર્ટ હોસ્પિટલમાં 36 બેડ અને એચ. જે. દોશી હોસ્પિટલમાં ડેઝીગ્નેટેડ કોવીડ હોસ્પિટલના 33 બેડ મળી ખાનગી હોસ્પિટલમાં કુલ 59 કોવીડ બેડ અને ડેઝીગ્નેટેડ કોવીડ હોસ્પિટલના 67 બેડ કોવીડ - 19 ના દર્દીઓ માટે ઉપલબ્ધ રહેશે.
કોવિડ માટે કાયમી 200 બેડ અનામત રાખવા વિચારણા
કલેક્ટર રેમ્યા મોહને કહ્યું હતું કે, રાજકોટમાં કોરોના વાયરસનું સંક્રમણ કાબૂમાં આવી ગયા પછી પણ મેલેરિયા, ડેન્ગ્યુની જેમ નિયમિત રીતે કેટલા લોકોને અસર કરે તે નક્કી કરી શકાય નહીં. ભવિષ્યમાં કોઈ તકલીફ ઉભી ન થાય તે માટે કાયમી ધોરણે 200 બેડ કોવિડ અનામત રાખવા વિચારણા થઈ રહી છે. જો કે, આ મામલે હજુ કોઈ આખરી નિર્ણય લેવાયો નથી.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer