આમ્રપાલી બ્રિજનું કામ ફેબ્રુઆરી સુધીમાં પૂરું થઈ જશે : કમિશનર

આમ્રપાલી બ્રિજનું કામ ફેબ્રુઆરી સુધીમાં પૂરું થઈ જશે : કમિશનર
લક્ષ્મીનગર રેલવે અંડરબ્રિજ જૂન 2021 સુધીમાં તૈયાર થઈ જશે: અધિકારીઓ સાથે બન્ને પ્રોજેક્ટની સ્થળ મુલાકાત લેતા ઉદિત અગ્રવાલ
રાજકોટ, તા.22: શહેરમાં ટ્રાફિકની સમસ્યાનાં નિરાકરણ માટે નવા અન્ડરબ્રીજ કે ઓવરબ્રિજનાં નિર્માણ કરવામાં આવી રહ્યા છે. હાલ આમ્રપાલી ફાટક પાસે તેમજ લક્ષ્મીનગર રેલવે અંડરબ્રિજનું કામ ચાલી રહ્યું છે. આ કામગીરી સમયસર પૂર્ણ થાય તે માટે આજરોજ મ્યુનિ.કમિશનર ઉદિત અગ્રવાલે ઉપરોક્ત બન્ને પ્રોજેક્ટની અધિકારીઓ સાથે મુલાકાત લીધી હતી અને કાર્ય પ્રગતિની સમીક્ષા કરી હતી.
આમ્રપાલી ફાટક અંડરબ્રિજ અંગે કમિશનરે જણાવ્યું હતું કે, આ અન્ડરબ્રીજમાં બંને બાજુ 4.5 મીટર સર્વિસ રોડ, 6.60 મીટરનો બંને બાજુ બોક્સની અંદર કેરેજ-વે, 6.75 મીટરનો બોક્સની બહાર બોક્સને જોડતો કેરેજ-વે તેમજ વૈશાલીનગર-1 (શાક માર્કેટ તરફ)થી ચુડાસમા મેઇન રોડ(એરપોર્ટ રોડ) તરફ બ્રિજની ઉપરથી જવા માટેની સુવિધા, કિશાનપરા (આરએમસી સોસાયટી) તરફથી શ્રેયસ સોસાયટી (રેસકોર્ષ) તરફ બ્રિજની ઉપરથી જવા માટેની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવશે. જે અંદાજિત 21 કરોડમાં બનાવવામાં આવી રહ્યો છે અને ફેબ્રુઆરી-2021 સુધીમાં આ પ્રોજેક્ટનું કાર્મ પૂર્ણ થઈ જશે.
આ ઉપરાંત લક્ષ્મીનગર અંડરબ્રિજ અંગે તેમણે જણાવ્યું હતું કે, કાલાવડ રોડ રેલવે અન્ડરબ્રીજ જેવો જ લક્ષ્મીનગર રેલવે અન્ડરબ્રીજ બનાવવામાં આવશે જેમાં સાયકલ ટ્રેક, પેડેસ્ટલ ટ્રેક, લાઇટિંગ, 7.5 મીટરનો કેરેજ-વે જેવી સુવિધાઓ વિકસાવવામાં આવશે. જે અંદાજિત 20 કરોડમાં બનાવવામાં આવી રહ્યો છે અને આ પ્રોજેક્ટ પર કામગીરી કરનારી જય જવાન કન્સ્ટ્રક્શન કંપનીને જુન-2021 સુધીમાં અન્ડરબ્રીજની કામગીરી પૂર્ણ કરવાની સૂચના આપવામાં આવી હતી. કમિશનર સાથે નાયબ મ્યુનિ. કમિશનર ચેતન નંદાણી, પી.એ. (ટેક.) ટુ  રસિક રૈયાણી, સિટી એન્જિ. કે.એસ.ગોહેલ, એચ. એમ. કોટક, ડે. એક્સી. એન્જિ. કુંતેશ મહેતા, પટેલિયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer