નોકરી અને સસ્તામાં હથિયારની લાલચ આપી લૂંટ ચલાવતી વોર્ડન ત્રિપુટી ઝડપાઈ

નોકરી અને સસ્તામાં હથિયારની લાલચ આપી લૂંટ ચલાવતી વોર્ડન ત્રિપુટી ઝડપાઈ
દસેક વ્યકિતઓને લલચાવી લૂંટી લીધા’તા : 3-બાઈક, 3 મોબાઈલ, રોકડ, 3 લાઈટર પિસ્ટલ, લેપટોપ કબજે
રાજકોટ, તા.રર : રાજકોટમાં તોડ-હનીટ્રેપ સહિતના મામલે ટ્રાફિક વોર્ડન-પોલીસ કર્મચારીઓ પોલીસ ચોપડે ચડી ચૂક્યાના બનાવો પોલીસમાં નેંધાયા છે. ત્યારે નોકરી અપાવવાની અને સસ્તામાં હથિયાર અપાવી દેવાના બહાને લૂંટી લેતી ટ્રાફિક વોર્ડન ત્રીપુટીને ક્રાઈમ બ્રાંચના સ્ટાફે ઝડપી લીધી હતી. પોલીસે વધુ તપાસ અર્થે રીમાન્ડ પર લેવા તજવીજ હાથ ધરી હતી.
આ અંગેની વિગત એવી છે કે, હરિયાણા પંથકના કુલદીપ બેચર રાવત અને તેના યુપીના તેના મિત્ર રાજેન્દ્ર ઉર્ફે રાજન સાથે ફેસબૂક મારફત સંપર્કમાં આવેલા માધવ ઉર્ફે સતીષ નામના શખસે બંને મિત્રોને રાજકોટમાં રૂ. 1પ હજારના પગારથી નોકરી અપાવી દેવાની લાલચ આપી રાજકોટ બોલાવ્યા હતા અને બાદમાં માધાપર ચોકડી પાસે બોલાવી માધવ ઉર્ફે સતીષ અને તેની સાથેના બે અજાણયા શખસો બંને મિત્રોને બાઈકમાં બેસાડી ગવરીદડની સીમમાં લઈ જઈ પ્લાસ્ટીકના પાઈપથી માર માર્યે હતો અને ટેબલેટ, રોકડ સહિત રૂ.11 હજારની મતાની લૂંટ ચલાવી નાસી છૂટયો હતો.
આ અંગે કુવાડવા રોડ પોલીસે માધવ ઉર્ફે સતીષ સહિત ત્રણ શખસ વિરૂધ્ધ ગુનો નેંધી શોધખોળ શરૂ કરી હતી. દરમિયાન ક્રાઈમ બ્રાંચના સ્ટાફે હાથ ધરેલી તપાસમાં પરપ્રાંતીય મિત્રોને લૂંટી લેનાર ત્રિપુટી ટ્રાફિક વોર્ડન હોવાનું ખૂલ્યું હતુ અને મુળ લાપાસરીના અને હાલમાં પરા પીપળિયામાં રહેતા ટ્રાફિક વોર્ડન માધવ ઉર્ફે સતીષ વિક્રમ જળુ, મુળ દેરડી કુંભાજીના અને હાલમાં રૈયાધારમાં મફતિયાપરામાં ત્રણ માળિયા ક્વાટરમાં રહેતા ભૌતીક ભીખા ચાવડા અને પરા પીપળિયામાં રહેતા વિશાલ માણસુર ચાવડાને ઝડપી લીધા હતા અને ત્રણ બાઈક, ત્રણ મોબાઈલ, ટેબલેટ અને ત્રણ લાઈટર પિસ્ટલ, મોબાઈલની પાવરબેંક, લાકડી, પ્લાસ્ટીક પાઈપ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
પોલીસે હાથ ધરેલી તપાસમાં ટ્રાફિક વોર્ડન માધવ ઉર્ફે સતીષે તેની પાસે રહેલી પિસ્તોલ-રીવોલ્વર ટાઈપ લાઈટરના ફોટા અલગ-અલગ રાજસ્થાની યુવાનોને મોકલી આ હથિયારો સસ્તામાં આપવાની લાલચ આપી પાંચેક શખસને રાજકોટ બોલાવ્યા હતા અને બાદમાં લૂંટી લીધા હતા. તેમજ એક વર્ષ પહેલા રાજસ્થાની યુવાનને માધાપર ચોકડીએ બોલાવી આણંદપરની સીમમાં લઈ જઈ રૂ.1પ હજાર લૂંટી લીધા હતા. તદ્ઉપરાંત રાજસ્થાન-હરિયાણા સહિતના આઠથી દસ યુવાનોને બોલાવી આઠથી દસ હજારની મતા લૂંટી લીધાનું ખૂલ્યું હતું. પોલીસે વધુ તપાસ અર્થે લૂંટારૂ વોર્ડન ત્રીપુટીને રીમાન્ડ પર લેવા તજવીજ હાથ ધરી હતી.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer