રાજકોટમાં દારૂ સાથે પકડાયેલ અમદાવાદના એએસઆઈ સહિતની ત્રિપુટી જેલહવાલે

રાજકોટમાં દારૂ સાથે પકડાયેલ અમદાવાદના  એએસઆઈ સહિતની ત્રિપુટી જેલહવાલે
કૃણાલના ઘેરથી દારૂ બનાવવાની મીની ફેકટરી ઝડપાઈ
 
રાજકોટ, તા.રર : રાજકોટના વિદ્યાનગર મેઈન રોડ પરથી એસઓજીના સ્ટાફે બાતમીના આધારે અમદાવાદમાં દહેગામ રોડ પર નરોડા સ્માર્ટ સીટીમાં રહેતા બૂક બાઈડિંગના ધંધાર્થી કૃણાલ હસમુખ શાહ, અમદાવાદના મહેન્દ્રસિંહ અશોકકુમાર વૈદ અને અમદાવાદમાં રહેતા અને ટ્રાફિક શાખામાં ફરજ બજાવતા એઁએસઆઈ વિરેન્દ્રસિંહ રણજીતસિંહ દરબારને ઝડપી લીધા હતા અને કારની તલાશી લેતા તેમાંથી 7ર બોટલ દારૂ મળી આવતા પોલીસે બે કાર, દારૂ સહિત રૂ.9.પ3 લાખનો મુદ્દામાલ કબજે કર્યે હતો.
પોલીસની પ્રાથમિક તપાસમાં ટ્રાફિક શાખાનો એએસઆઈ વિરેન્દ્રસિંહ દરબાર પાયલાટિંગ માટે એક ટ્રીપના રૂ.10 હજાર લેતો હતો અને અગાઉ બે વખત રાજકોટ ફેરા કરી ગયો હતો. તેમજ કૃણાલ શાહ અને મહેન્દ્રસિંહ વૈદ અગાઉ પાંચેક વખત દારૂ સપ્લાય કરી ચૂકયા હતા. પોલીસે ત્રણેય શખસોને એક દિવસના રીમાન્ડ પર લીધા હતા અને કૃણાલ શાહના મકાનમાં દારૂની મીની ફેકટરી ચાલતી હોવાની અને મેંધી દારૂની બોટલમાં સસ્તો દારૂ ભરી વેચવામાં આવતા હોવાનું ખુલતા શાહીબાગ પોલીસને જાણ કરવામાં આવી હતી. આથી શાહીબાગ પોલીસે કૃણાલ શાહના ઘેર દરોડો પાડતા દેશી દારૂની બોટલો, 46 લીટર દારૂ ભરેલા બે કેરબા, સેમ્પલ બાટલી, ખાલી કાચની 1ર7 બોટલો, ઢાકણાં, ઢાકણાં શીલ કરવાનું મશીન સહિત રૂ.ર6,પ00 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે એએસઆઈ વિરેન્દ્રસિંહ દરબાર, કૃણાલ શાહ અને મહેન્દ્રસિંહ વૈદને જેલ હવાલે કરી દીધા હતા.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer