રાજકોટમાં આયુર્વેદિક જ્યુસ, ઈમ્યુનિટી બુસ્ટરના નામે લોકોને ‘ઉલ્લુ’ બનાવાયાં

રાજકોટમાં આયુર્વેદિક જ્યુસ, ઈમ્યુનિટી બુસ્ટરના નામે લોકોને ‘ઉલ્લુ’ બનાવાયાં
‘રૂટ્સબેરી કન્સેપ્ટ પ્રાઈવેટ લિમીટેડ’ના નામે કોઈપણ જાતનું લાયસન્સ લીધા વગર પ્રોડ્કટસ વેંચી ધંધાર્થીએ કરી છેતરપિંડી: રૂ. 8 લાથખી વધુ કિંમતનો જથ્થો સીઝ કરતી મનપાની આરોગ્ય શાખા
(ફૂલછાબ ન્યુઝ)
રાજકોટ, તા.22 : કોરોના કાળમાં શરીરમાં રોગ પ્રતિકારક ક્ષમતા જળવાઈ રહે તે માટે લોકો આર્યુવેદિક પીણા, ઉકાળા તેમજ ‘ઈન્મ્યુનિટી બુસ્ટર ડ્રીંક્સ’ તરફ વળ્યાં છે ત્યારે આવા પીણાઓ માટેનું કોઈપણ જાતનું લાયસન્સ લીધા વગર માત્ર ને માત્ર નફો કમાવાની લ્હાયમાં કેટલાક લેભાગૂ ધંધાર્થીઓ જનઆરોગ્ય સાથે ચેડા કરતા હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે. રૂટ્સબેરી કન્સેપ્ટ પ્રાઈવેટ લિમીટેડના નામે ગોંડલ રોડ પર આવેલા મારૂતિ ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટ વિસ્તારમાં ‘પ્યોર ફૂડ્સ’ પેઢી ચલાવતા જયેશભાઈ બી.રાદડિયા દ્વારા કોઈપણ જાતના નિયમો કે લાયસન્સ વગર જુદી-જુદી હર્બલ, કોસ્મેટીક, આર્યુર્વેદિક તેમજ કેમિકલ પ્રોડ્ક્ટસનું ઉત્પાદન અને વેચાણ કરવામાં આવતું હોય આ અંગેની જાણ મનપાની ફૂડ અને આરોગ્ય શાખાની ટીમને થતાં તેઓએ દરોડો પાડયો હતો. અધિકારીઓના ચેકિંગમાં ઉત્પાદન કેન્દ્રના સ્થળમાં ફૂડ લાયસન્સ મેળવ્યું ન હોવા છતાં પણ ફૂડ પ્રોડ્કટસનું ઉત્પાદન સાથે ન્યુટ્રાસ્યુટીક્લનું ઉત્પાદન ગેરકાયદેસર કરવામાં આવતું હતું.
આ ઉપરાંત પ્રોડ્ક્શન યુનિટની કોઈપણ પ્રોડક્ટનું એફએસએસએઆઈ અન્યવે મંજૂરી મેળવી ન હોય સ્થળ પરથી (1) રૂટબેરી ગોવિંદ-90 ઈમ્યુસ્ટ હર્બલ જ્યુસ (15 મીલી. પેક) 1330 બોટલ કિ.7,96,670 (2) રૂટ્સબેરી ફેમી રૂટ્સ 30, વુમન હેલ્થ એન્ડ ન્યુટ્રી ડ્રીંક્સના 65,000 પેકેટ કિ.35,750ના નમૂના લઈ  સ્થળ પરનો જથ્થો સીઝ કરવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, પ્યોર ફૂડ્સના માલિક જયેશ રાદડિયા દ્વારા પર્ણકુટી સોસાયટી-નાના મવા રોડ પરના સ્થળનું ફૂડ રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું. આ રજીસ્ટ્રેશનમાં હર્બલ જ્યુસ કે ખાદ્ય સામગ્રીનો કોઈ ઉલ્લેખ કરાયો નથી.
પ્રોડકટનું માર્કેટીંગ કરવા છેતરામણા શબ્દો વાપર્યા
પ્યોર ફૂડ્સના માલિક જયેશ રાદડિયાએ પોતાની પ્રોડકટસનું માર્કેટીંગ કરવા માટે છેતરામણા શબ્દો વાપર્યા હતાં. બોક્સ પર કોરોના વાયરસનો ફોટો દર્શાવ્યો હતો જેથી લોકોને એવું લાગે કે, કોરોના સામે રક્ષણ માટે આ ખાદ્ય પ્રોડ્કટસ ઉપયોગી છે, જો કે,  કોવિડ-19ને બદલે ગોવિંદ-90 શબ્દનો તેમણે ઉલ્લેખ કર્યો હતો. વેચાણ પ્રોડ્કટ હર્બલ જ્યુસ ખાદ્યસામગ્રી હોવા છતાં દવાની જેમ ઉપયોગમાં લેવા દર્શાવ્યું છે. સાવ જીણા અક્ષરે આ પ્રોડ્કટની મંજૂરી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે આપી નથી તેવું લખ્યું હતું જે ગંભીર છેતરામણી છે. પ્રોડ્કટના એફએસએસઆઈ નંબર દર્શાવ્યા છે પરંતુ જ્યુસ અંગેની મંજૂરી લીધી ન હતી. પ્રોડક્ટસના ભાવ પણ ખુબ ઉંચા રાખવામાં આવ્યાં હતાં. તંત્ર દ્વારા તેમની સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.  

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer