વિસાવદરમાં વરસાદના કારણે મકાન ધરાશાયી થતાં માતા-પુત્રના મૃત્યુ

વિસાવદરમાં વરસાદના કારણે મકાન ધરાશાયી થતાં માતા-પુત્રના મૃત્યુ
કાર્યવાહી- સહાયની માગણી સાથે ધરણા પછી 18 કલાકે પરિવારે લાશ સ્વીકારી
(ફૂલછાબ ન્યુઝ)
વિસાવદર, તા. 22: વિસાવદરમાં 21મીની સાંજે ચાર કલાકમાં આઠથી દસ ઈંચ પડેલા વરસાદથી મકાન ધરાશાયી થવાથી માતા-પુત્રના મૃત્યુ થતાં લાશ સ્વીકારવા ઇનકાર કરાયો હતો. યોગ્ય ખાતરી મળતા 18 કલાક બાદ લાશ સ્વીકારવામાં આવી હતી.
બુધવારે રાત્રે ભારે વરસાદને કારણે વિસાવદર રેલવે સ્ટેશન પાસે જીવાજી શેઠના ડેલામાં રહેતા દિનેશભાઇ ગોબરભાઇ મકવાણા અને તેનો પરિવાર મકાનના કાટમાળ હેઠળ દબાઇ ગયો હતો. દિનેશભાઇના પત્ની રીટાબેન (ઉ.40) અને નાનો પુત્ર દિવ્ય (ઉ.8)ના મૃત્યુ થયા હતા. પરિવારજનો દ્વારા મકાનમાલિક સામે કાર્યવાહી કરવામાં આવે ત્યારે જ બંનેની લાશ સ્વીકારવામાં આવશે તેવી માગણી સાથે જ્ઞાતિના આગેવાનો સરકારી હોસ્પિટલ ખાતે ધરણા પર બેસી ગયા હતા. બનાવની જાણ થતા વિસાવદર ધારાસભ્ય હર્ષદ રીબડીયા, તાલુકા કોંગ્રેસ પ્રમુખ કરશન વાડોદરિયા, આગેવાન રમેશભાઇ દાતેવાડિયા, ચંદ્રેશ વાવેચા સહિતના હોસ્પિટલ ખાતે પહોંચી ગયા હતા. ધારાસભ્યએ મુખ્યમંત્રી રાહતફંડમાંથી રૂ. 10 લાખની સહાય કરવામાં આવે તેવી માંગ કરી હતી.
અંતે જ્ઞાતિના આગેવાનોની સમજાવટ બાદ 18 કલાક પછી લાશ સ્વીકારવામાં આવી. જયારે નગરપાલિકા પ્રમુખ કૌશિક વાઘેલા દ્વારા બેઘર થયેલા પરિવાર માટે વિસાવદર હાઇસ્કુલમાં રહેતા માટેની વ્યવસ્થા કરી અપાઇ હતી. પી.આઇ. પટેલ દ્વારા દિનેશભાઇ અને તેના પરિવારને કોઇપણ લોકો દ્વારા મકાન ખાલી કરવા કે જગ્યાએથી હટાવવા માંગે તો તેની સામે તેમને રક્ષણ આપવામાં આવશે તેમ જણાવ્યું હતું.
જૂનાગઢનો અહેવાલ ઉમેરે છે કે, આ દુર્ઘટના વેળાએ દિનેશભાઇના પત્ની રીટાબેન તથા આઠ વર્ષીય પુત્ર દિવ્યેશ ઉર્ફે દિવ્ય કાટમાળ નીચે દટાઇ જવાથી બંનેના ઘટનાસ્થળે મૃત્યુ થયા હતા. આ સમયે બહાર રહેલા દિનેશભાઇ અને તેમનો મોટો પુત્ર દિપ્સ બંને રૂમમાં રહેલાને બચાવવા દોટ મુકી હતી. તેથી તેમના ઉપર કાટમાળ પડતા બંનેને ગંભીર ઇજા પહોંચી હતી.
રેલવે સ્ટેશન વિસ્તારમાં મકાન ધરાશાયી થવાનો ધડાકાભેર અવાજ આવતા પડોશીઓ દોડી આવ્યા હતા. પોલીસને જાણ થતા તેઓ પણ પહોંચી અને ફાયરબ્રિગેડની મદદ વડે કાટમાળ હટાવી માતા-પુત્રના મૃતદેહ બહાર કાઢયા હતા. જયારે પિતા-પુત્રને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા.
આ બનાવ સમયે દિનેશભાઇના વૃદ્ધ માતા-પિતા ઘરની બહાર બેઠા હોવાથી આબાદ બચાવ થયો હતો. આ પરિવાર મજુરીકામ કરીને પેટિયું રળે છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer