રાજકોટમાં ગૃહ કંકાસમાં બેવડી હત્યા

રાજકોટમાં ગૃહ કંકાસમાં બેવડી હત્યા
પત્ની-મામાજીની હત્યા કરી પતિનું બાળકો સાથે અગ્નિસ્નાન
ત્રણેય ગંભીર: હોસ્પિટલમાં દાખલ કરાયા, સાસુય ઘાયલ
(ફૂલછાબ ન્યુઝ)
રાજકોટ, તા. 22: રાજકોટમાં ગૃહકંકાસનો મામલો બેવડી હત્યા સુધી પહોંચ્યો હતો. એક શખસે એની પત્ની અને મામાજીની ધોળા દિવસે હત્યા કરી હતી અને હુમલામાં સાસુ ગંભીર રીતે ઘાયલ થયાં હતાં. હત્યા બાદ આ શખસે ઘેર આવી બે સંતાનો સાથે સળગી જવાનો પ્રયત્ન કર્યો. ત્રણેયને શહેરની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. આ ઘટનાએ શહેરમાં અરેરાટીની લાગણી પેદા કરી છે.
આ બનાવ અંગેની વિગત એવી છે કે, જંક્શન વિસ્તારના રુખડિયાપરા ફાટક પાસે રહેતી નાઝિયા ઈમરાન પઠાણ અને તેની માતા ફિરોઝાબેન નુરમહમદ તથા બેડીપરા ફાયર બ્રીગેડ પાસે રહેતા મામા નાઝીરભાઈ સાંજે સાડા ચારેક વાગ્યે રુખડિયાપરા ફાટક પાસે હતા ત્યારે નાઝિયાનો પતિ ઈમરાન અલતાફ પઠાણ તેનાં બે બાળક સાથે ધસી આવ્યો હતો અને પત્ની નાઝિયા તથા તેની માતા ફિરોઝાબેન અને મામાજી નાઝીરભાઈ પર છરીથી તૂટી પડયો હતો અને પત્ની નાઝિયા અને મામાજી નાઝીરભાઈની હત્યા કરી નાખી હતી અને સાસુ ફિરોઝાબેનની હત્યાનો પ્રયાસ કરી બે સંતાન સાથે ઈમરાન પઠાણ નાસી છૂટયો હતો.
આ બનાવની જાણ થતાં એસીપી દિયોરા, પીઆઈ એલ.એલ.ચાવડા તથા સ્ટાફ દોડી ગયો હતો અને હાથ ધરેલી તપાસમાં ફિરોઝાબેનની પુત્રી નાઝિયાના ચુનારાવાડ પાસેની થોરાળા પોલીસ ચોકી પાસે રહેતા ઈમરાન અલ્તાફ પઠાણ નામના શખસ સાથે લગ્ન થયા હતા અને લગ્નજીવન દરમિયાન ઇક્રાન અને અલુ નામના બે સંતાનની પ્રાપ્તિ થઈ હતી. લગ્નજીવન દરમિયાન નાઝિયાને પતિ ઈમરાન મારકૂટ કરી હેરાન કરતો હતો. દરમિયાન ગઈકાલે માતા ફિરોઝાબેન પુત્રી નાઝિયાનાં ઘેર જતાં પુત્રીએ પતિ ઈમરાન હેરાન કરતો હોય ઘેર લઈ જવાની વાત કરતાં માતા ફિરોઝાબેને પાછી લઈ જવાનું જણાવી મહિલા પોલીસ મથકે ગયાં હતાં. ત્યાં મહિલા પોલીસે 181 ટીમની મદદ લેવાનું જણાવ્યું હતું.
બાદમાં ફિરોઝાબેન બેડીપરા ફાયર બ્રીગેડ પાસે રહેતા ભાઈ નાઝિરને વાત કરતા ભાઈ-બહેનએ 181ની ટીમને જાણ કરતા 181નો સ્ટાફ દોડી ગયો હતો અને માતા-પુત્રી અને મામા નાઝિરને પોલીસવાનમાં બેસાડી મહિલા પોલીસ મથકે લઈ જવામાં આવ્યા હતા. બાદમાં મહિલા પોલીસે ઈમરાન પઠાણને બોલાવતા ઈમરાન તેના બે સંતાનો સાથે મહિલા પોલીસ મથકે ગયો હતો અને બાદમાં મહિલા પોલીસ અને 181ની ટીમે કાઉન્સિલિંગ કર્યું હતું અને બધા છૂટા પડયા હતા અને નાઝિયાએ તેની પુત્રી અલુને સાથે લઈ લીધી હતી અને ઈમરાન અને તેનો પુત્ર બાઇકમાં ઘેર જવા રવાના થયા હતા.
દરમિયાન રુખડિયા ફાટક પાસે નાઝિયા તથા તેની માતા ફિરોઝાબેન અને મામા નાઝિરભાઈ પહોંચ્યા હતા ત્યારે પાછળ બાઇકમાં આવેલા ઈમરાન પઠાણે એકાએક છરીથી હુમલો કરી પત્ની નાઝિયા અને મામાજી નાઝિરની હત્યા કરી નાખી હતી અને સાસુ ફિરોઝાબેનની હત્યાનો પ્રયાસ કરી પુત્રી-પુત્ર સાથે ઈમરાન પઠાણ નાસી છૂટયો હતો. પોલીસે નાઝિયા અને મામા નાઝિરભાઈના મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડયા હતા. પોલીસે હત્યારા ઈમરાન અલ્તાફ પઠાણ વિરુદ્ધ ડબલ મર્ડરનો ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરી હતી.
ઈમરાને બે સંતાન સાથે અગ્નિસ્નાન કર્યું
રાજકોટ, તા.રર: ઈમરાન પઠાણે પત્ની - મામાજીની હત્યા બાદ તેના બે સંતાન ઈક્રાન (ઉ.8) અને પુત્રી અલુ (ઉ.7) સાથે કેરોસીન છાંટી સળગી જવાનો પ્રયત્ન કર્યો હતો એમાં ગંભીર રીતે દાઝી જવાથી ત્રણેયને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં પતિ-પત્ની વચ્ચે માથાકૂટ ચાલતી હોય કોર્ટમાં કેસ પણ ચાલતો હોવાની વિગત પ્રકાશમાં આવી હતી. પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer