રાજકારણનું રસીકરણ

રાજકારણનું રસીકરણ
બિહારમાં મફત રસી આપવાના ભાજપના ચૂંટણી વચનથી રાજકીય ઘમસાણ
ભયની રાજનીતિ કરવા બદલ કોંગ્રેસ-આરજેડીની ભાજપ, સરકાર પર તડાપીટ : રાહુલ ગાંધીના પ્રહાર પછી ભાજપે કરી સ્પષ્ટતા
આનંદ કે. વ્યાસ
નવીદિલ્હી, તા.રર: બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપે ગુરૂવારે ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે. જેમાં આવતા પ વર્ષમાં આત્મનિર્ભર બિહાર રોડમેપ ર0ર0-રપ જાહેર કરતાં કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સિતારમને કોરોના વાયરસ વેકસીન ફ્રી આપવાનું એલાન કરતાં જ રાજકીય હંગામો મચી ગયો છે.
કોંગ્રેસ અને આરજેડીએ આવી જાહેરાત કરવા બદલ ભાજપ પર તડાપીટ બોલાવી છે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કટાક્ષ કર્યો કે ભારત સરકારે કોવિડ 19 વેક્સિન વિતરણની જાહેરાત કરી દીધી છે. વેક્સિન અને જૂઠા વચનો તમોને કયારે મળશે તે જાણવા માટે કૃપ્યા પોતાના રાજ્યની ચૂંટણી તારીખો જોઈ લો. આ પહેલા ચૂંટણી ઢંઢેરામાં સીતારમને કહયું કે બિહાર ચૂંટણીના ઢંઢેરામાં આ અમારો સૌથી પહેલો વાયદો છે. કોવિડ 19 વેક્સિનનું મોટાપાયે ઉત્પાદન થતાં જ બિહારમાં દરેકનું નિ:શુલ્ક રસીકરણ કરાશે. નાણાંમંત્રીએ પટણા ખાતે ભાજપનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો હતો. ભાજપના ચૂંટણી ઢંઢેરામાં આત્મનિર્ભર બિહાર માટે પ સૂત્ર, એક લક્ષ્ય અને 11 સંકલ્પ પર ભાર મૂકવામાં આવ્યો છે.
નાણામંત્રીએ કહયું કે બિહારના લોકો રાજનીતિ અને કહેલી વાતોને બરાબર સમજે છે. દેશમાં એક માત્ર રાજકીય પક્ષ છે જે કહે છે તે કરે છે. બિહારની જનતાને નરેન્દ્ર મોદી સરકાર પર પુરો ભરોસો છે. કોરોના લોકડાઉનને કારણે ગરીબોને નિ:શુલ્ક અનાજ આપવા વડાપ્રધાને કરેલા એલાન મુજબ બિહારમાં ગરીબોને નિ:શુલ્ક અનાજ પહોંચાડવામાં આવી રહયું છે.
બીજીતરફ વિપક્ષોએ કોરોના વેક્સિન અંગે ભાજપના એલાન સામે મોરચો માંડતા બિહાર ભાજપા બેકફૂટ પર આવી ગઈ છે. બિહાર ભાજપ ઈન્ચાર્જ ભૂપેન્દ્ર યાદવે કહયું કે આ બિહારનો ચૂંટણીનો ઢંઢેરો છે. કેન્દ્ર સરકાર ઓછામાં ઓછા દરે વેક્સિન ઉપલબ્ધ કરાવશે. અમે વચન આપ્યુ છે કે અમારી બિહાર સરકાર તેને મફત ઉપલબ્ધ કરાવશે. જાહેર સ્વાસ્થ્ય બાબતે રાજકીય પક્ષોએ સંવેદનશીલ બનવું જોઈએ.
કોંગ્રેસના પ્રવકતા સુરજેવાલાએ કહયું કે પ્રવાસી મજદૂરોના સંકટ વખતે બિહારના મુખ્યમંત્રી અને ઉપ મુખ્યમંત્રીએ કહયું હતું કે તેઓ રાજયમાં બિહારીઓને આવવા નહીં દે. વડાપ્રધાન કહે છે કે એક વર્ષ પહેલા વેક્સિન નહીં આવે. હજાર બિહારીઓનું કોરોના વેક્સિનથી મૃત્યુ થઈ ચૂકયું છે. શું કેન્દ્રીય મંત્રીને તેની ચિંતા છે ? તેઓ બિહારની જનતાનું અપમાન કરી રહ્યા છે. શું સરકાર ભારતીયોના જીવન બચાવવાના બદલામાં પૈસા વસૂલશે ? અન્ય રાજ્યોના લોકોને વેક્સિન ખરીદવા પૈસા ચૂકવવા પડશે ?
આરજેડીએ ટ્વિટથી ઝાટકણી કાઢી કે કોરોના વેક્સિન દેશની છે. ભાજપની નહીં. વેક્સિનનો રાજકીય ઉપયોગ બતાવે છે કે તેમની પાસે બીમારી અને મોતનો ભય બતાવવા સિવાય કોઈ વિકલ્પ નથી. બિહારી સ્વાભિમાની છે, માત્ર થોડા રૂપિયામાં પોતાના બાળકોનું ભવિષ્ય નહીં વેંચે.
------------------
તામિળનાડુ અને મધ્યપ્રદેશ
સરકારની પણ મફત રસીની જાહેરાત
નવીદિલ્હી, તા.22: ભાજપ દ્વારા બિહાર વિધાનસભાની ચૂંટણી માટે જાહેર કરવામાં આવેલા ઘોષણાપત્રમાં કોરોનાની રસી મફત આપવાની જાહેરાત કરવામાં આવ્યા બાદ દેશમાં જાણે રસીનું રાજકારણ શરૂ થઈ ગયું છે. તામિળનાડુના મુખ્યમંત્રી ઈ.પલાનીસ્વામીએ પણ આજે ભાજપની જાહેરાત પછી કહ્યું હતું કે, એકવાર રસી તૈયાર થઈ જાય પછી તામિળનાડુની જનતા માટે તે મફત ઉપલબ્ધ કરાવવામાં આવશે. દરમિયાન પેટા ચૂંટણી પહેલા મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે પણ ટવીટ્થી એલાન કર્યુ કે મધ્યપ્રદેશમાં તમામ નાગરીકને કોરોનાની વેકસીન ફ્રી આપવામાં આવશે.
-------------------
મફત રસીના વચન સામે ચૂંટણીપંચમાં ફરિયાદ
પટણા, તા.22: બિહાર વિધાનસભાની ચૂંટણી માટે આજે ભાજપ દ્વારા પોતાનાં ઘોષણાપત્રમાં કોરોનાની રસી મફત આપવાના વચનથી નવું રાજકીય ઘમાસાણ મચી ગયું છે. કોંગ્રેસ સહિતનાં વિપક્ષીદળોએ મોતનો ભય દેખાડવાનો આરોપ લગાવીને ભાજપ ઉપર હુમલો બોલાવી દીધો છે. બીજીબાજુ આ આખું પ્રકરણ હવે ચૂંટણીપંચના દરબારમાં પણ પહોંચી ગયું છે. સામાજિક કાર્યકર સાકેત ગોખલેએ ભાજપની આ જાહેરાત સામે ચૂંટણીપંચમાં ફરિયાદ કરી નાખી છે.
સામાજિક કાર્યકર સાકેત ગોખલેએ પોતાની ફરિયાદમાં કહ્યું છે કે, ભાજપ નિ:શુલ્ક રસી આપવાનો દાવો કરીને કેન્દ્ર સરકારની શક્તિઓનો દુરુપયોગ કરી રહ્યો છે. વળી, આ જાહેરાત કોઈ પક્ષનાં નેતા નહીં બલ્કે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા કરવામાં આવી છે.
------------------------
આજથી બિહારનો ધૂંઆધાર ચૂંટણીપ્રચાર
મોદી અને રાહુલ ગાંધી મેદાને પડશે
નવી દિલ્હી, તા. 22 : બિહાર વિધાનસભાના ચૂંટણીપ્રચારમાં આજથી વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધી મેદાને પડવાના છે. તેથી રાજકીય પારો ઉપર જવાનો છે.
વડા પ્રધાન મોદી આવતી કાલે ભાજપ અને જનતા દળ યુનાઈટેડની યુતિ માટે દેહરી, ગયા અને ભાગલપુરમાં મળીને ત્રણ સભાઓ સંબોધવાના છે. જ્યાં 28 અૉક્ટોબરે મતદાન થવાનું છે. જ્યારે નેતા રાહુલ ગાંધી કૉંગ્રેસ અને રાષ્ટ્રીય જનતા દળના મોરચા માટે શુક્રવારે નવાડા અને ભાગલપુરમાં બે સભાઓ કરશે.
ગયામાં વડા પ્રધાન સાથે મંચ પર જનતા દળ યુનાઈટેડના લોકસભામાં નેતા રાજીવ રંજન સિંહ લલ્લન હશે, જ્યારે સાથી પક્ષ હિંદુસ્તાની અવામ મોરચાના અધ્યક્ષ અને પૂર્વ મુખ્ય પ્રધાન જિતનરામ માંજી પણ હશે.
કૉંગ્રેસના સૂત્રોના જણાવ્યા પ્રમાણે રાહુલ ગાંધીની નવાડાની સભાના મંચ પર ગઠબંધનના મુખ્ય પ્રધાનપદના ઉમેદવાર અને રાષ્ટ્રીય જનતા દળના નેતા તેજસ્વી યાદવ હશે.
આમ આજથી બિહારમાં જનતા દળ યુનાઈટેડ - ભાજપ અને રાષ્ટ્રીય જનતા દળ - કૉંગ્રેસ વચ્ચે ધૂંઆધાર ચૂંટણીપ્રચારની શરૂઆત થશે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer