રસી આપવા 50,000 કરોડ રૂપિયા અનામત

રસી આપવા 50,000 કરોડ રૂપિયા અનામત
દેશના પ્રતિવ્યક્તિ 6-7 ડોલરના ખર્ચનો અંદાજ
નવી દિલ્હી, તા. 22: વર્તમાન સમયમાં દેશ કોરોના વાયરસ મહામારીનો સામનો કરી રહ્યો છે. તેવામાં સૌથી મોટો સવાલ એ છે કે વેક્સિન ઉપર અંતે કેટલો ખર્ચ આવશે અને સરકારે રસીકરણને લઈને કેવી તૈયારી કરી છે. પૂરા મામલાથી વાકેફ સૂત્રના કહેવા પ્રમાણે ભારત સરકારે ચીન બાદ સૌથી વધારે આબાદીને કોરોનાની રસી આપવા માટે 50,000 કરોડ રૂપિયા અલગ રાખ્યા છે.  નામ જાહેર ન કરવાની શરતે કહેવામાં આવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રશાસનનું અનુમાન છે કે રાષ્ટ્રની 130 કરોડની આબાદી ઉપર પ્રતિ વ્યક્તિ 6-7 ડોલર એટલે કે 420 રૂપિયાથી લઈને 490 રૂપિયા સુધીનો ખર્ચ આવશે. વધુમાં કહેવામાં આવ્યું હતું કે, 31 માર્ચના રોજ પૂરા થઈ રહેલા નાણાકીય વર્ષ માટે આ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે અને તેના ઉદ્દેશ્ય માટે ભંડોળમાં કોઈ કમી થવા દેવાશે નહીં. જો કે આ મામલે હજી સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
આનંદના સમાચાર  દેશમાં 90 ટકા નજીક દર્દી સાજા થયા
નવી દિલ્હી, તા. 22 : કોરોના સંકટ  વચ્ચે અનલોક-5 હેઠળ ભારતીય જનજીવન પુન: પાટે ચડી રહ્યું છે, છતાંય ઘાતક વાયરસના સંક્રમણના જારી દોર  વચ્ચે સ્થિતિમાં સુધારાના સંકેતરૂપે સાજા થતા દર્દીઓનો દર 90 ટકા નજીક પહોંચી ગયો છે. દેશમાં 69 લાખ લોકો સાજા થઇ ચૂક્યા છે. છેલ્લા 24 કલાક દરમ્યાન નવા 55838 કેસ સામે આવતાં સંક્રમિતોની સંખ્યા 77 લાખને પાર કરી, 77,06,946 પર પહોંચી ગઇ છે.વિતેલા 24 કલાકમાં 702 દર્દી ઘાતક વાયરસ સામેની લડતમાં હારી જતાં કુલ્લ મરણાંક 1,16,616 પર પહોંચ્યો છે. કાળમુખાથી થતા મૃત્યુનો દર 1.51 ટકા છે. બીજી તરફ ગુરુવારે વધુ 79,415 દર્દી કોરોના સામે જંગ જીતી જતાં કુલ્લ 68,74,518 દર્દી સાજા થઇ ચૂક્યા છે. આમ, દેશમાં સાજા થયેલા દર્દીઓનો દર 89.20 ટકા પર પહોંચી ગયો છે. છેલ્લા 24 કલાકમાં 24,278 સક્રિય કેસ ઘટયા છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer