‘ઝૂ’ ખૂલ્યાના બે દિવસમાં 650 લોકો પ્રાણીદર્શન માટે ઉમટયાં!

‘ઝૂ’ ખૂલ્યાના બે દિવસમાં 650 લોકો પ્રાણીદર્શન માટે ઉમટયાં!
મહિનાઓ બાદ લોકોની અવરજવર શરૂ થતાં કેટલાક પ્રાણીઓ પાંજરાઓથી દૂર જોવા મળ્યાં

રાજકોટ, તા.21 : કોરોનાની મહામારીને કારણે ગત માર્ચ માસથી લઈને આજદિન સુધી એટલે કે, છેલ્લા સાડા છ મહિનાથી બંધ રહેલા પ્રદ્યુમ્ન પાર્ક ઝૂને મ્યુનિ. તંત્ર દ્વારા ગઈકાલથી ખોલવામાં આવ્યો છે. ઝૂ
ખૂલતા સહેલાણીઓ ઉમટી પડયાં હતાં.
ઝૂમાં આટલા વર્ષોમાં પહેલી વખત લાંબો સમય સુધી બંધ રહ્યું હોવાથી, પ્રાણીઓ કોઈપણ પ્રકારના વિક્ષેપ વગર પોતાના પાંજરામાં જંગલ જેવી અનુભૂતિ કરતાં હતાં પરંતુ ગઈકાલથી લોકોની અવરજવર શરૂ થતાં ઘણા પ્રાણીઓ પાંજરાથી ઘણા દૂર રહેતા હોવાના દ્રશ્યો જોવા મળ્યાં હતાં જો કે, સિંહ, વાઘ, દીપડા, વાનર સહિતના પ્રાણીઓ અને પક્ષીઓને જોઈને લોકોને મજા પડી ગઈ હતી. આજે બુધવારે 500થી વધુ લોકો ઝૂમાં ઉપડયાં હતાં અને ઈલેક્ટ્રીક કારમાં બેસીને ઝૂની લટાર મારી હતી. ગઈકાલે 150 લોકોએ ઝૂની મુલાકાત લીધી હતી. આગામી શનિ અને
રવિવારે લોકોની ભીડ ઉમટે તેવી શક્યતાં છે.
કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખીને પ્રારંભિક તબક્કે 65 વર્ષથી વધુ વયના વૃદ્ધો તથા 10 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને ઝૂમાં ન પ્રવેશવા અનુરોધ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત તમામ સહેલાણીઓ માટે માસ્ક, સેનેટાઈઝર તેમજ સોશિયલ ડિસ્ટનન્સના નિયમો ફરજિયાત બનાવાયાં છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer