લંડનમાં એમબીએ થયેલા યુવાને નોકરીના બદલે ખેતીમાં ઝંપલાવ્યું

લંડનમાં એમબીએ થયેલા યુવાને નોકરીના બદલે ખેતીમાં ઝંપલાવ્યું

રાજકોટ, તા. 21: (ફૂલછાબ ન્યુઝ) આજના શિક્ષિત યુવાનો ખેતીથી મ્હોં ફેરવે છે. શિક્ષણ અને ડિગ્રીના દમ પર ખેતરમાં પરસેવો પાડવા કરતા શહેરોમાં નજીવા પગારે ‘વ્હાઈટ કોલર જોબ’ની હેરાનગતિ ભોગવી રહ્યા છે. પરંતુ આવું વિચારતા યુવાનો માટે વિજયભાઈ વાદી જીવંત ઉદાહરણ બન્યા છે. જેઓ લંડનમાં એમબીએની ડિગ્રી મેળવ્યા પછી પણ ત્યાંની નોકરીની ઓફર છોડીને બે વર્ષથી ખેતી કરી રહ્યા છે.
ભારત કૃષિ પ્રધાન દેશ છે એવું દાયકાઓથી આપણે કહીએ છીએ. પરંતુ કૃષિ પ્રધાન હોવા છતાં દેશના મોટાભાગના ખેડૂતની સ્થિતિ વખાણવા લાયક નથી. તેનું કારણ આધુનિકરણના યુગમાં પણ આપણા ખેડૂત પરંપરાગત ખેત પધ્ધતિને જ વળગી રહ્યા છે. બીજીબાજુ કેટલાક જાગૃત ખેડૂતો ટેકનોલોજી અને પરંપરાના સમન્વય થકી ધારી ઉપજ મેળવી ખેતીના ક્ષેત્રમાં હરણફાળ ભરી રહ્યા છે. આવા ખેડૂતોમાં વિજય વાદીનું નામ ઉમેરાયું છે.
મૂળ જામનગરના લાલપુર તાલુકાના વતની અને પાંચેક વર્ષથી રાજકોટ સ્થાયી થયેલા વિજયભાઈએ શહેર નજીક માધાપર ખાતે બંજર જેવી જમીન ભાડેથી લઈ પરસેવે સિંચીને તેને ફળદ્રુપ-ઉપજાઉ બનાવી છે. તેમણે ધોરણ 7થી 10 કૃષિ-1 અને કૃષિ-રમાં પુરું કર્યા બાદ ધો. 11-1ર સાયન્સ ભણ્યા. ત્યાર બાદ બે વર્ષ લંડન ભણવા ગયા. જ્યાં તેમણે એમબીએ પુરું કર્યું. લંડનમાં રજાના દિવસોમાં ત્યાંના ગામડાં ખૂંદ્યા અને ત્યાંની ખેત પધ્ધતિ શીખ્યા. એમબીએ થયા બાદ લંડનમાં નોકરી કરવાને બદલે રાજકોટ આવી વસ્યા. અહીંયા એક વર્ષ માર્કેટ સર્ચ કરી. માધાપરમાં પરિચિતની જમીન રાખી, જેમાં સૌપ્રથમ લસણની ઉપજ લીધી. હાલમાં તેઓ ખેતીની એક જ સીઝનમાં સરગવો, મેથી, ટમેટી, દુધી, ફ્લાવર એમ એક સાથે પાંચ પાક વાવી અને લણી રહ્યા છે. તેમણે આ જ જમીનમાં તીખી મરચીની મબલખ ઉપજ લઈને માધાપર અને આસપાસના ગામોના ખેડૂતોને પણ નવી રાહ
ચીંધી છે.
વિજયભાઈ કહે છે કે સરગવાના પાન તોડી તેનો પાઉડર જાતે જ બનાવું છું. જેની આયુર્વેદ ચિકિત્સકોમાં ભારે માગ રહે છે. સાથે માધાપરની જમીનમાં અત્યાર સુધી નથી થઈ તેવી લીલી-તીખી મરચીની ઉપજ લીધી છે. જેની દુબઈ જેવા દેશોમાં ભારે માગ છે. આ મરચી વાવી ત્યારે આસપાસના ખેડૂતો હસતા હતા. સમજાવતા હતા કે આ જમીનમાં મરચી ઉગતી નથી. પરંતુ જમીનના રિપોર્ટ કરાવી તેમાં મરચીના પાક માટે જરૂરી કેલ્શીયમ વગેરે છંટકાવ કરી લીંબોડી અને એરંડીનો ખોળ નાંખ્યો. જેથી મરચીને જોઈતો પીએચ આંક જળવાઈ રહ્યો અને નોંધપાત્ર ઉપજ, સારી ગુણવત્તા સાથે થઈ.
તેઓ મહેનત, આવડત અને ટેકનોલોજીના સંગાથે ખેતીમાં ધાર્યું પરિણામ લાવી શકાતું હોવાનું આત્મવિશ્વાસ સાથે જણાવી કહે છે કે દેશનો ખેડૂત સમ્ધ્ધૃ હશે તો દેશ સમૃધ્ધ થશે. હાલમાં નિયમિત રીતે નવા પ્રયોગ કરવા રસ ધરાવતા ખેડૂતો તેમના ખેતર-વાડીની મુલાકાતે આવે છે. જેમને તેઓ યોગ્ય માર્ગદર્શન આપી રહ્યા છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer